Business

દુનિયા આતંકવાદની લડાઈ જીતી શકશે?

ફઘાનિસ્તાનમાંથી એક ચીજ દુનિયાને શીખવા મળી હોય (અમેરિકાને તો મળી છે) તો એ છે કે આતંકવાદને ક્યારેય તાકાતથી હરાવી ન શકાય. અમેરિકાએ ૨૦ વર્ષ પહેલાં ૯/૧૧નો બદલો લેવા માટે અફઘાનિસ્તાનમાં તાલિબાની હુકૂમત પર ‘વોર ઓન ટેરર’ છેડ્યું હતું. ૨૦ વર્ષમાં, ૮ ટ્રીલિયન ડોલર્સના આંધણ અને ૯ લાખ લોકોનાં મોત પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યા છે અને ત્યાં તાલિબાનો બેવડા જોશથી હુકૂમતમાં પાછા ફર્યા છે. હવે દુનિયા કહે છે કે આપણે હતા તેના કરતાં વધુ અસલામત થઇ ગયા છીએ.

એક સાધારણ અપરાધ અને આતંકવાદમાં ફરક એ છે કે આતંકવાદનો ઉદ્દેશ રાજકીય છે એટલે તેને માફિયા ગેંગનો સાધારણ અપરાધ ગણીને દંડિત કરવાના પ્રયાસથી તેનો અંત નથી આવતો પણ પ્રોત્સાહન મળે છે. એક સામાન્ય અપરાધીને જો જેલમાં પૂરવામાં આવે તો તે સુધરી જાય અને બહાર આવીને ફરી ભૂલ ન કરે. એક આતંકવાદીને ઠાર મારવામાં આવે તો બીજા ચારને તેમાંથી પ્રેરણા મળે છે કારણ કે આતંકવાદી મરવા માટે જ પેદા થયો હતો. ૨૦૧૫માં, ફ્રાંસ પર આતંકવાદી હુમલો થયો ત્યારે તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી ટોની બ્લેરે સ્વીકાર્યું હતું અમેરિકા અને બ્રિટને ઇરાકમાં સદ્દામ હુસેનના ‘આતંકી’ શાસન સામે યુદ્ધ છેડ્યું તે પછી પશ્ચિમનાં રાષ્ટ્રોમાં મોતનું તાંડવ વધ્યું છે. ઓબામાએ માન્યું હતું કે જે અલ-કાયદાની સફાઈ કરવામાં આવી હતી, તેની આઈસીસનો રાક્ષસ પેદા થયો છે.

મનુષ્યજાતિનો ઈતિહાસ યુધ્ધોથી ભરેલો રહ્યો છે અને પ્રત્યેક યુદ્ધ પછી એવું માનવામાં આવતું હતું કે હવે શાંતિનો સૂરજ ઊગશે. દ્વિતીય મહાયુદ્ધ પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનને ત્રીજા મહાયુદ્ધ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું, “મને એટલી તો પાકી ખાતરી છે કે ચોથું યુદ્ધ નહીં થાય. ત્રીજું યુદ્ધ જ એટલું વિનાશકારી હશે કે ચોથા યુદ્ધ માટે ધરતી પર માણસ જીવતો જ નહીં હોય.”દરેક યુદ્ધ તેનાથી વધુ વિનાશક યુદ્ધ માટેની જમીન તૈયાર કરે છે. દ્વિતીય મહાયુદ્ધમાં હિરોશિમા અને નાગાસાકી પર જે એટમ બોમ્બ ફોડવામાં આવ્યા હતા તે જોઈને લોકોને થયેલું કે આનાથી ખતરનાક શસ્ત્રો પેદા નહીં થાય પરંતુ આઇનસ્ટાઇન જેવા વિચારશીલ લોકોને સમજાઈ ગયેલું કે ટેક્નોલોજીનો વિકાસ એવો હશે કે હિરોશિમા-નાગાસાકીના બોમ્બ તો દિવાળીના બોમ્બ જેવાં રમકડાં બની જશે.

દ્વિતીય મહાયુદ્ધમાં માણસને એવી આશા હતી કે હિટલરને ખતમ કરી દેવામાં આવે તો સંસારમાં શાંતિનો સૂરજ પ્રસરી જશે. ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે હિટલર જશે અને પછી ઓસામા બિન લાદેન આવશે. લાદેનના ગયા પછી પણ દુનિયાને વિશ્વાસ નથી કે તે શાંતિથી રહી શકશે. 2006માં અમેરિકાએ ઇરાકી પ્રમુખ સદ્દામ હુસેનને ખતમ કરીને અપેક્ષા રાખી હતી કે ઇરાક શાંત અને સુરક્ષિત પ્રદેશ બની જશે. આજે અહીંથી જ સૌથી હિંસક અને લોહિયાળ આતંકવાદ દુનિયાને હંફાવી રહ્યો છે. મુદ્દો એ છે કે શાંતિ સ્થાપવાના માણસના હર એક પ્રયાસ અશાંતિની નવી આબોહવા પેદા કરી ગયા છે.

હર એક કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધી, લિંકન અને માર્ટિન કિંગની સામે હિટલર, લાદેન, સદ્દામ હુસેન, ગદ્દાફી અને પીનોશેટ પેદા થતા રહ્યા છે. 50 વર્ષ પહેલાં સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ એક ભાષણમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘આ સદીની સૌથી મહાન ઘટનાઓમાં એક ગાંધી હતા અને બીજો એટમ બોમ્બ હતો. જોઈએ બંનેમાંથી કોની જીત થાય છે.’ પ્રશ્ન એ છે કે આતંકવાદ સામેની લડાઈ કારગત નીવડી રહી છે કે પછી આતંકને વધુ તાકાત મળી રહી છે? આતંકવાદને ધાર્મિક ચશ્માં પહેરીને જોવાનું ટાળીને સમજવા જેવું એ છે કે અમેરિકાના ઇરાકમાં આક્રમણ પછી દુનિયા વધુ અસુરક્ષિત થઈ ગઈ છે. વોર ઓન ટેરરનો એકમાત્ર ઉદ્દેશ લાદેનના આતંકી સંગઠન અલ-કાયદાને તહસનહસ કરવાનો હતો પરંતુ એ પ્રક્રિયામાં અલ-કાયદા કરતાંય વધુ સંગઠિત અને લડાયક ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયાનો જન્મ થયો છે, જે પશ્ચિમનાં શહેરોમાં બોમ્બિંગ કરીને સરકારોને હિંસક પ્રત્યાઘાત આપવા ઉશ્કેરી રહ્યું છે.

જગતમાં જે યુદ્ધ, અશાંતિ અને આતંક છે એ મનુષ્યની અંદર રહેલાં યુદ્ધ, અશાંતિ અને આતંકનો જ વિસ્તાર અને આયામ છે. આતંકવાદ બંદૂકો અને બોમ્બમાં નથી, એ મનની અંદર છે. બંદૂકો અને બોમ્બથી તો બે અસંતુલિત આતંકી મનુષ્ય વચ્ચે મુકાબલો બરાબરીનો થઈ ગયો છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે પથ્થરના શસ્ત્રથી નિહથ્થા પડોશીને ડરાવવો સહેલો હતો. આજે દરેક કમજોર માણસ આધુનિક હથિયારોથી તાકાતવર થઈ ગયો છે.

આપણે આપસી વિનાશના સમયમાં જીવીએ છીએ. વિનાશની આપણી માનસિકતા અને તૈયારી એટલી સશક્ત છે કે ‘હું તો મરું પણ તને રાંડ કરું’ની જેમ પૂરી પૃથ્વીને ભડાકે દેવાનું આસાન થઈ ગયું છે. સદ્દામ હુસેન કે અલ-કાયદાનો અપરાધ ઈરાક કે અફઘાનિસ્તાનની પ્રજાનો અપરાધ ન હતો. તમે એક વાર યુદ્ધ છેડો એટલે એમાં નિર્દોષ લોકો અનિવાર્યપણે હોમાઈ જવાના અને એ હકીકત જ યુદ્ધની નિષ્ફળતા માટે અને આતંકવાદના જોશ માટે જવાબદાર છે.

આતંકવાદ એક વૈચારિક લડાઈ છે પણ કમનસીબે આપણે તેનો જવાબ શારીરિક હિંસાથી આપી રહ્યા છીએ.  વર્તમાન સમયમાં ધર્મનો આધ્યાત્મિક અને નૈતિક પક્ષ નબળો પડી ગયો છે. જગતના તમામ ધર્મો અને સંતોએ અહિંસા, શાંતિ, નૈતિકતા અને માનવતાની વાત કરી છે. આમાંથી જ બુદ્ધ, મહાવીર, ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ પેદા થયા હતા. બંદૂકો અને એટમ બોમ્બને પરાસ્ત કરવા માટે સંતોની આ પરંપરા જીવતી રહે એ જરૂરી છે.

Most Popular

To Top