દર દસ વર્ષે થતી દેશની વસ્તી ગણતરી આ વખતે ૨૦૨૧માં કોવિડના રોગચાળાને કારણે યોજી શકાઇ નહીં, તે અત્યાર સુધી યોજાઇ નથી પણ હવે ટૂંક સમયમાં થઇ શકે છે. અને આ વસ્તી ગણતરી પછી દેશના સંસદીય અને વિધાનસભા મતવિસ્તારોના ફેરસીમાંકન કરવાની તૈયારી પણ સરકાર કરી રહી છે. પણ આ ફેરસીમાંકન સામે તમિલનાડુના મુખ્યમંત્રી ડી. કે. સ્ટાલિનના વડપણ હેઠળ એક વિરોધ ઝુંબેશ પણ શરૂ થઇ ગઇ છે.
સ્ટાલીનની પહેલથી જ જેની રચના થઇ છે તે આ ફેરસીમાંકનના વિરોધનું સંકલન કરવા માટેની જોઇન્ટ એક્શન કમિટીની બેઠક હાલમાં ચેન્નાઇમાં મળી હતી, જેણે એવી કોઇ પણ મતદારક્ષેત્ર ફેરસીમાંકન પ્રક્રિયાનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો હતો કે જેમાં પારદર્શિતાનો અભાવ હોય અને મહત્વના હિતધારકોને તેમાં શામેલ કરવામાં આવ્યા ન હોય. આ સમિતિએ ભારપૂર્વક કહ્યું હતું કે વસ્તીના આધારે ફેરસીમાંકનની પ્રક્રિયા દક્ષિણના રાજ્યો માટે યોગ્ય નહી હોય અને તેણે આ પ્રક્રિયા કેન્દ્ર સરકારે વધુ પચ્ચીસ વર્ષ સુધી અટકાવી રાખવી જોઇએ એવી માગણી કરી હતી.
લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના મતવિસ્તારોના ફેરસીમાંકનની આગામી પ્રક્રિયા પોતાના રાજકીય અને આર્થિક ભવિષ્યને અસર કરશે એવી ચિંતા ધરાવતા અનેક રાજ્યોના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર હતા. ઠરાવમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે સંસદીય મતવિસ્તારોમાં કોઈપણ ફેરફાર એક ન્યાયી અને ખુલ્લી પ્રક્રિયા દ્વારા કરવામાં આવે, જેમાં તમામ રાજ્ય સરકારો, રાજકીય પક્ષો અને અન્ય સંબંધિત હિસ્સેદારોની ભાગીદારી હોય. JAC એ ચિંતા વ્યક્ત કરી હતી કે જે રાજ્યોએ વસ્તી નિયંત્રણના પગલાં સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે તેમનું જો વસ્તીના બદલાતા હિસ્સાને કારણે સંસદીય પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવે તો તેમને વસ્તી નિયંત્રણ બદલ ઇનામ મળવાને બદલે સજા થયેલી ગણાશે.
તેના એકશન પ્લાનના ભાગ રૂપે, સમિતિ ચાલુ સંસદીય સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રજૂઆત કરશે. પ્રતિનિધિત્વ કરનારા રાજ્યોના રાજકીય પક્ષો તેમની સંબંધિત વિધાનસભાઓમાં કાયદાકીય ઠરાવો માટે દબાણ કરશે અને કેન્દ્ર સરકારને સત્તાવાર રીતે પોતાનું વલણ જણાવશે. JAC એ નાગરિકોને સીમાંકનના ઇતિહાસ અને તેના સંભવિત પરિણામો વિશે શિક્ષિત કરવા માટે મોટા પાયે જનજાગૃતિ અભિયાન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંકલિત પ્રયાસો દ્વારા, તેઓ ન્યાયી અને સમાન અભિગમની તરફેણમાં જાહેર અભિપ્રાય ઉભો કરવાનો હેતુ ધરાવે છે. આ ઠરાવ સાથે જોઇન્ટ એકશન કમિટિએ પોતાની એ માગને બુલંદ બનાવી છે કે ફેરસીમાંકનની કોઇ પણ પ્રક્રિયા પારદર્શી હોવી જોઇએ.
ફેરસીમાંકન અંગે અનેક પ્રકારના ભય અને શંકાઓ પ્રવર્તે છે. વિરોધ પક્ષોને ભય છે કે શાસકો, ખાસ કરીને ભાજપ પોતાને અનુકૂળ હોય તે રીતે ફેરસીમાંકન કરાવી શકે છે. બેઠકમાં કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયનએ સંબોધન કરતા કહ્યું હતું કે સૂચિત ફેરસીમાંકનની પ્રક્રિયા તે રાજ્યો પર, ખાસ કરીને દક્ષિણના રાજ્યો પર લટકતી તલવાર છે જેમણે વસ્તી નિયંત્રણ સફળ રીતે કરીને બતાવ્યું છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે જે રાજયોમાં ભાજપ જીતતો નથી તે રાજ્યોનું તે સંસદમાં પ્રતિનિધિત્વ ઘટાડવા માગે છે.
ફેરસીમાંકન સામે ઝુંબેશ ઉપાડવાના તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પ્રયાસોને બિન-એનડીએ રાજકીય પક્ષો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. ચેન્નાઇમાં મળેલી જેએસીની પ્રથમ બેઠકમાં તમિલનાડુ ઉપરાંત ત્રણ રાજ્યો કર્ણાટક, તેલંગાણા અને પંજાબના મુખ્યમંત્રીઓ અનુક્રમે પિનારાઇ વિજયન, રેવન્થા રેડ્ડી અને ભગવંત માન અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર હાજર હતા. આ ઉપરાંત રાજકીય પક્ષો બીઆરએસ, વાયએસઆરસીપી, કોંગ્રેસ, સીપીઆઇ(એમ), સીપીઆઇ, બીજેડી અને આપના પ્રતિનિધિઓ પણ હાજર હતા. ફેરસીમાંકન અંગે જોઇએ તો આઝાદી પછી દર દસ વર્ષે ૧૯૫૧, ૧૯૬૧ અને ૧૯૭૧ તે સમયની વસ્તી ગણતરીને આધારે મતવિસ્તારોનું ફેરસીમાંકન કરાતું રહ્યું હતું.
પણ ૧૯૭૧ પછી વસ્તી નિયંત્રણના પગલાઓને પ્રોત્સાહનના હેતુસર આ કવાયત અટકાવી દેવામાં આવી તે આજ દિન સુધી અટકેલી જ છે. કેન્દ્ર સરકાર હવે ફેર સીમાંકન કરવાની તૈયારી કરે છે પણ જેએસીએ માગણી કરી છે કે હજી ૨૫ વર્ષ સુધી આ પ્રક્રિયા અટકાવી રાખવામાં આવે. જો કે આમ પણ ઘણા સમયથી મતવિસ્તારોનું ફેરસીમાંકન થયું નથી. અમુક છૂટાછવાયા ફેરસીમાંકન થયા છે પણ સમગ્ર દેશમાં આ કવાયત પાંચ દાયકા કરતા વધુ સમયથી હાથ ધરાઇ નથી. આ સમયગાળામાં વસ્તીમાં ઘણો વધારો અને ફેરફાર થયા છે. હજી પચ્ચીસ વર્ષ કદાચ ઘણુ મોડુ ગણાઇ શકે છે. આથી તમામ હિતધારકોને સાથે લઇને કોઇ યોગ્ય માર્ગ કાઢવો જ બહેતર રહી શકે.
