Columns

યૌન અપરાધ ક્યારેય અટકી શકે ખરા?

એ ભૂખ કરતાં મોટી ભૂખ છે અને તરસ કરતાં સવાઈ તરસ. ફિલસૂફો અને સંતો જેને પશુવૃત્તિ કહી ઉતારી પાડતા રહ્યા છે અને એના પ્રત્યે જનસાધારણને ઉપેક્ષા સેવવાનો ઉપદેશ આપતા રહ્યા છે એ યૌન આકર્ષણ જીવ માત્રને આદિકાળથી જીવનબળ પૂરું પાડે છે એ સત્ય તબીબો અને કામશાસ્ત્રના તજજ્ઞો સિવાય ભાગ્યે જ બીજું કોઈ સ્વીકારવા તૈયાર થશે.ખરું પૂછો તો કામ એક અદભુત ઊર્જા છે. એ શિવ જેવા શિવની તપસ્યા ભંગ કરાવનારું અજેય તત્ત્વ છે. પરંતુ કમનસીબે ધર્મશાસ્ત્રોમાં એને ‘માનવીને અધ:પતન તરફ દોરી જતી ત્યાજ્ય વૃત્તિ’ ગણાવાઈ છે. આ પણ માનવીએ ખુદ જાત સાથે કરેલી મીઠી છેતરપિંડી નથી તો બીજું શું છે? ભાગ્યે જ કોઈ દેવ કે મહર્ષિ કામવાસનાને કોરાણે મૂકીને જીવ્યા છે. બલકે સાધારણ માનવી કરતાં એ પૈકી ઘણા બધા વધારે કામુક હોવાનાં દૃષ્ટાંત વેદ, મહાકાવ્યો અને પુરાણોમાં જોઈએ એટલાં મળી રહે છે. એનાં ઉદાહરણ જોવા માગતા વાચકોને સાચકલા સંશોધક અને નીવડેલા લેખક સ્વ.પ્રવીણ ગઢવીના પુસ્તક ‘શૂદ્રપર્વ’ પર એક અછડતી નજર નાખી જોવા વિનંતી છે.


ઈડન ગાર્ડનમાં ઈશ્વરે આદમ અને ઈવને રમતાં મૂકતી વખતે જ પેલું વર્જિત સફરજન નહીં ખાવાની તાકીદ કરી હતી. માણસને જેનો નિષેધ કરાય એ જ કામ વહેલી તકે કરી લેવાની ચાનક ચડી જાય છે. આ હ્યુમન સાયકોલોજી છે. યુગલે નિષિદ્ધ ફળ ખાઈ લીધું અને શરૂ થઈ ગઈ ‘કામાયણ!’ પછી એને પાદરીઓએ નામ આપ્યું: પહેલું પાપ -ઓરિજિનલ સીન! એ ‘પાપ’ જ સૃષ્ટિના ભવ્ય ભવિષ્યના નિર્માણનું નિમિત્ત બની ગયું એ પણ કેવી વિડંબના છે!
પ્રાણી માત્રને જીવવાનું અને હયાતી બાદ પોતાની પ્રતિકૃતિ સમા વારસદાર મૂકી જવાનું ગમે છે. જીવવા માટે ફક્ત હવા, પાણી અને ખોરાક પૂરતાં નથી. બચપણવાળો માતાનો મોહ છૂટ્યા પછી વિજાતીય સહવાસ એટલો જ મહત્ત્વનો બની જાય છે. એ ના મળે તો પણ જીવન તો ચાલતું રહેશે પરંતુ નર્યો ઢસરડો લાગશે. માતા અને પુત્ર વચ્ચેના પવિત્ર વ્હાલમાં પણ ફ્રોઈડને તો કામની જ કમાલ દેખાય છે! અને આ ફ્રોઈડ બ્રોઈડને તો બહુ ભણેલા લોકો જાણતા હોય.
કામ તત્ત્વ તો જીવ માત્રને સહજ રીતે ઝંકૃત કરતું રહે છે. એની કોઈ પદ્ધતિસરની તાલીમ લેવાની કોઈને ક્યારેય જરૂર નથી પડી. કીડા મંકોડા,સાપ, ઉંદર સહિત તમામ પશુપક્ષી અને પાષાણ યુગના માનવીથી લઈ એકવીસમી સદીના અંતરિક્ષ ઢંઢોળતા મનુષ્ય સુધી એની પહોંચ છે. સિંહ જેવાં ખૂંખાર હિંસક પ્રાણીઓથી લઈ કૂતરાં, બિલાડાં અને મોર કે કબૂતરો માટે જીવનની સૌથી આનંદદાયક ક્ષણો સંવનનકાળ છે. માણસ તો જીવસૃષ્ટિનું ઉત્ક્રાંતિની પરાકાષ્ઠા પર પહોંચેલું પ્રાણી છે. પુરુષે નારી પાસેથી એની કાયાનાં કામણ માણવામાં તેમ જ માદાને એના આનંદનો અમૃત કુંભ ઉપલબ્ધ કરાવવામાં કોઈ કસર છોડી નથી. જેનું જેવું ગજું. કાયદાની અડચણ નહોતી ત્યારે મોટા માણસો એકાધિક લગ્નો કરી છાતી કાઢીને ફરતા. રાજા-મહારાજાઓ અને નવાબો એમના રાણીવાસમાં કે હરમમાં અસંખ્ય સુંદર સ્ત્રીઓ ભેગી કરવામાં ગૌરવ અનુભવતા. એ બધા યૌન અપરાધ નહોતા તો બીજું શું હતું? કોઈ પુરુષ પોતાના આર્થિક, રાજકીય કે સામાજિક પ્રભાવનો ઉપયોગ કરીને ગમતી સ્ત્રીઓને પત્નીનો દરજ્જો આપી ભોગવી લે તો એને ન્યાયસંગત કૃત્ય થોડું કહેવાય?
બીજું તો ઠીક પણ પિતાએ સ્વયંવર રચીને પરણાવેલી લાડલીને સાસરિયે પહોંચતાં જ પાંચ પતિઓની પત્ની બની જવું પડે એ કોઈ ગૌરવ લેવા જેવી બાબત ગણાય? આખો માનવ ઇતિહાસ આવા સગવડિયા નીતિનિયમોથી ભરેલો છે. પણ સબૂર! આમ જરા ઝીણી નજરે જુઓ તો એમ લાગશે કે એમાં ખોટું પણ શું છે? પ્રકૃતિમાં ‘બળિયાના બે ભાગ’ વાળી અનૈતિકતા સ્વીકૃત થયેલી છે.
પુરુષ બળૂકો છે એટલે એને યથેચ્છ ભોગો ભોગવવાનો કુદરતી હક્ક મળી જાય છે. સંસ્કૃતિ વાસણ પર લગાવેલા ગિલેટ જેવી છે. પ્રકૃતિ નક્કર ધાતુ જેવી. ગિલેટ ખાલી શોભા વધારે છે. ભીતરની મજબૂતાઈ અને ટકાઉપણું તો પેલી દાબી દીધેલી ધાતુને આભારી છે. જે સંસ્કૃતિનું માનવજાત ગૌરવ લેતી રહી છે એમાં એક પત્નીવ્રત અને બ્રહ્મચર્ય તો કોઈ રામ, બુદ્ધ કે ગાંધી જેવા અપવાદરૂપ મહાપુરુષોમાં જ જોવા મળે છે. સંન્યાસ પણ છેલ્લા તબક્કામાં લેવામાં આવે તો ટકે છે. યુવાન સાધુઓના અધ: પતનની ઘટનાઓ ધર્મસંપ્રદાયના ઇતિહાસમાં કાળાં પ્રકરણ બની જાય છે. કુદરતી વૃત્તિઓને જેટલી દબાવવામાં આવે એટલી બમણા જોરથી ઊછળે છે. આદિમાનવ એ સંદર્ભે આધુનિક માનવી કરતાં ઘણો સુખી હતો. એને લગ્ન જેવું સામાજિક બંધન નહોતું. બનાવટી પ્રતિષ્ઠા સાચવવાની પણ ચિંતા નહોતી. હા, હરીફાઈ તો હતી જ. બાહુબળથી મનપસંદ સ્ત્રીને વશ કરવાની હતી અને એને બીજાની ભોગ્યા બનતી અટકાવવાની હતી. આવી હરીફાઈ તો જીવ માત્રમાં ઓછાવત્તા પ્રમાણમાં આદિકાળથી અકબંધ રહી છે. ‘લાઠી ઉસકી ભેંસ’ વાળો જંગલકાનૂન સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ વધારે બળવાન પુરુષનું આધિપત્ય કબૂલવા મજબૂર કરે છે. જો એવી સ્ત્રી પ્રતિકાર કરવાની કોશિશ કરે તો એને જીવનું જોખમ રહે છે.
અલબત્ત આપણા દેશમાં એવી તથાકથિત ‘પવિત્ર’ સન્નારીઓ છેક વેદકાળથી અવતરતી રહી છે જે પુરુષની કામુકતાને તાબે થઈ નથી. અનસૂયાએ તો એની કસોટી (?) કરવા આવેલા ત્રિદેવને પણ એમની હેસિયત બતાવી દીધી હતી અને સાવિત્રીએ સત્યવાનને છોડાવવા યમ સામે બાથ ભીડી હતી. સીતાએ રાવણની બધી ઓફરો ફગાવી દઈ મહેલને બદલે અશોક વાટિકામાં રહેવાનું પસંદ કર્યું હતું. સૈરન્ધ્રી નામે ગુપ્તવાસમાં રહેતી દ્રૌપદીના રૂપ પર મોહિત થયેલા કીચકનું કચુંબર થઈ ગયું હતું. અહલ્યાને છેતરપિંડીથી વશ કરનાર ઇન્દ્ર સ્વર્ગનો રાજા હોવા છતાં પૂજાયો નથી અને બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર હોવા છતાં મહદંશે અપૂજ રહ્યા છે એનું કારણ એમની કામુકતા છે.
સ્વાભાવિક છે કે જો દેવ જેવા દેવ વાસનાથી પીડાતા હોય તો સાધારણ માણસ કેવી રીતે બચી શકે? છાશવારે યૌન અપરાધના સમાચારો ચમકે છે. સાવ નાની વયની બાળાઓથી લઈ વયોવૃદ્ધ માજીઓ સુધીની મહિલાઓ એનો ભોગ બનતી રહે છે. પુરુષજાતને આદિ અનાદિકાળથી થતો રહેલો આ એક અસાધ્ય માનસિક રોગ છે.
સુભાષિતકાર કેવી ચોટડૂક રજૂઆત કરે છે!
દિવા પશ્યતિ નોલૂક: કાકો નક્તં ન પશ્યતિ,
અપૂર્વ: કો’પિ કામાંધો દિવા નક્તં ન પશ્યતિ!
લોકવાયકા છે કે ઘુવડ દિવસે અને કાગડો રાત્રે જોઈ શકતો નથી પરંતુ પેલો કામવાસનાથી પીડાતો માણસ તો નથી દિવસે ભાળતો કે નથી રાત્રે જોઈ શકતો.
પરંતુ કામ એક સહજ વૃત્તિ તરીકે જીવ માત્રમાં હયાત છે એ આપણે ન ભૂલવું જોઈએ. કામદેવ શિવ જેવા અઠંગ તપસ્વીની તપસ્યાનો ભંગ કરી એમને પાર્વતી સાથે સંવનન કરવા મજબૂર કરી શકતો હોય તો સાધારણ માણસનું શું ગજું કે એના પર વિજય પ્રાપ્ત કરી શકે? કામદેવને ભસ્મ કરી દીધા પછી તો દેવાધિદેવ મહાદેવે અમરત્વનું વરદાન આપ્યું છે. એ જીવ માત્રના મનમાં વસે છે એટલે એનું નામ ‘મનોજ’ અને ‘મનસિજ’ પડ્યું છે!
એટલે યૌન વૃત્તિ પર સમાજ અને સંસ્કૃતિ ગમે તેટલાં બંધારણ અને બંધન લાદશે તો પણ એ તક મળતાં જ જ્વાળામુખીની જેમ ફૂટીને અને ફાટીને રહેશે એ કઠોર વાસ્તવ સ્વીકારવો જ રહ્યો. અલબત્ત એને નિયંત્રણ હેઠળ રાખવામાં જ શ્રેય છે એ માનવજાતને સંસ્કૃતિની ઉત્ક્રાંતિ સાથે સમજાયું હશે એટલે જ લગ્ન જેવી પ્રકૃતિ વિરોધી પ્રથા અમલમાં આવી હશે. તમે શું માનો છો?

-કેશુભાઇ દેસાઇ

Most Popular

To Top