આજે એક બાજુ કોરોનાનો અંત દેખાતો નથી અને બીજી બાજુ રાજકારણમાં અકલ્પનીય ગરમાટો જોવા મળી રહ્યો છે. રાજનીતિમાં નવા ચહેરાઓનો પ્રવેશ તથા પક્ષપલટાનું રાજકારણ ઓર ખીલ્યું છે. જેમાં નવા પક્ષ પણ ઉભરી રહ્યા છે એ નોંધનીય છે. હવે પ્રશ્ન એ છે કે શું આ બધામાં ખરેખર દેશસેવાની દાઝ ફૂટી નીકળી છે? નહિ. આપણા દેશમાં રાજકારણ એ પૈસા બનાવવા માટેનું કાયદેસર ક્ષેત્ર છે, એમ કહેવામાં અતિશયોકિત નથી. આ સંદર્ભમાં એક કિસ્સો અહીં ખૂબ સૂચક રીતે ઘણું કહી જાય છે.
એક વખત વિયેતનામના રાષ્ટ્રપતિ હોં-ચી-મિંહ ભારત આવેલા. અહીંના પ્રતિનિધિમંડળની મુલાકાતમાં તેમણે આપણા મંત્રીઓને પૂછયું કે, ‘તમે બધા શું કરો છો?’ આપણા મંત્રીઓએ કહ્યું, ‘અમે બધા રાજનીતિ કરીએ છીએ.’ તેમને સંતોષ ન થતાં ફરી, બે-ત્રણ વાર પૂછયું કે, ‘મારો મતલબ તમે શું વ્યવસાય કરો છો?’ ‘રાજનીતિ જ અમારો વ્યવસાય છે’ એવું નફફટપણે કહેનાર મંત્રીઓને જરાક ખંચકાઇને કહ્યું કે ‘તમે મારો સવાલ સમજી નથી શકયા. રાજનીતિ તો હું પણ કરું છું, પણ મારો વ્યવસાય ખેતી છે. મારી આજીવિકા ખેતી દ્વારા ચાલે છે. અન્ય સમયે હું રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવું છું.’ આપણું મંત્રીમંડળ નિરુત્તર બની ગયું.
અંતે એક મંત્રી બોલ્યા કે, ‘અમારો વ્યવસાય રાજનીતિ કરવી એ જ છે.’ આના અનુસંધાનમાં કહી શકાય કે આપણા દેશના લાખો લોકો યેનકેન પ્રકારે રાજનીતિના માધ્યમથી કરોડો રૂપિયા વિના કોઇ કામ કર્યે ઉસેટી લે છે. શૈક્ષણિક લાયકાત કે ઉંમરબાધનો તો સવાલ જ નથી. લાકડીના ટેકે ડગુમગુ ચાલતાંને પણ ખુરશીનો, સત્તાનો મોહ છૂટતો નથી. વળી, આપણા દેશમાં રાજકારણીઓની એક આગવી ખાસિયત, તે પરિવારવાદ તથા સગાંવાદ. આમાં અપવાદને અવકાશ છે. કેટલાક પ્રતિભાશાળી, ઇમાનદાર, કર્તવ્યનિષ્ઠ, સમાજસેવી, આદર્શવાદી છે જ. પોકળ આદર્શોમાં રાચતા દંભી સત્તાલાલસુઓને જાગૃત પ્રજાએ તેમનો રસ્તો બનાવી દેવો જોઇએ.
સુરત – કલ્પના બામણિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.