Comments

પેટ્રોલ-ડીઝલના ભાવ હજી ઘટી શકે?

કેટલાંક રાજયોમાં ચૂંટણીમાં પછડાટ ખાધા પછી લોકમિજાજ પારખી લઇ કેન્દ્ર સરકારે આખરે ગયા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવની આબકારી જકાતમાં રૂા. દસનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો. દીપાવલિની પૂર્વસંધ્યાએ આ આબકારી જકાતમાં કરેલા ઘટાડાથી આ બંને બળતણના ભાવમાં અનુક્રમે લગભગ 5% અને 11%નો ઘટાડો થયો. વીસથી વધુ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ બળતણના ઉત્પાદનો પર લાદેલી વેટમાં ઘટાડો કરતાં ગ્રાહકોને આ બળતણના ભાવમાં મળતી રાહતમાં વધારો થયો પણ આ કાપ લોકસભાની અને વિધાન સભાઓની કેટલીક પેટાચૂંટણીઓમાં મળેલી પછડાટ પછી અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી પહેલા આવ્યો.

હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પીછેહઠ પછી ભારતીય જનતા પક્ષ ફૂગાવો અને બળતણના ભાવમાં વધારાને કારણે લોકોમાં જાગેલી ચિંતા જોઇ નકારાત્મક પરિબળોને કાબુમાં લેવા તલપાપડ છે. અર્થતંત્રને સંબંધ છે ત્યાં સુધી બળતણના ભાવમાં ઘટાડાની સાનુકૂળ અસર ફુગાવા પર પડશે જ કારણકે ડીઝલ માલસામાનની હેરાફેરીમાં વપરાતું મુખ્ય ઇંધણ છે અને પરિવહન કરાતી દરેક વસ્તુની કિંમત પર તેની અસર પડે જ. પરિવહન ખર્ચમાં ઘટાડો થવાથી ઉત્પાદન ક્ષેત્રને કેટલીક રાહત થશે. કારણકે માંગ ઓછી હોય ત્યારે લાગત ખર્ચમાં વધારો થાય છે તેની સામે તે ઝઝૂમી રહ્યો છે. ઉપભોકતાઓને જે રોકડમાં બચત થશે તેને કારણે પણ ઉપભોગમાં વધારો થશે. જોકે આવતા સપ્તાહોમાં અને મહિનાઓમાં પર પણ ઝાઝો આધાર રહેશે.

બળતણના ભાવમાં ઘટાડો કરવા માટે અત્યારે સારાં કારણ છે. સીધા અને આડકતરા વેરામાં સરકારની આવકમાં ખાસ્સો ઝડપી વધારો થયો છે. જેને કારણે બળતણના ભાવમાં ઘટાડો કરવાની મોકળાશ સર્જાઇ છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ મહિનામાં એકંદર ઉઘરાણી ગયા વર્ષ કરતા 64% વધુ અને મહામારીના સ્તરે હતી તેના કરતા 28% વધુ થઇ છે. વૃધ્ધિનો અત્યારનો દર જોતાં અર્થશાસ્ત્રીઓ ચાલુ વર્ષના અંત સુધીમાં અંદાજિત લક્ષ્ય કરતાં ઘણાં વધારે પ્રમાણમાં કરવેરા ઉઘરાવાની ધારણા રાખે છે. તેને પગલે સરકારને બળતણના વેરા પર ઓછો આધાર રાખવાની મોકળાશ મળી છે. ગયા વર્ષે ક્રુડ તેલના ભાવમાં કડાકો બોલતાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આબકારી જકાતમાં લીટરે અનુક્રમે રૂ. 13 અને રૂ. 16નો વધારો કર્યો. જેની સામે તેણે રૂા. 2.67 લાખ કરોડ મેળવવાની ધારણા રાખી હતી તેની સામે તેને રૂા. 3.61 લાખ કરોડ મળ્યા.

બીજું ઇંધણના ભાવમાં કાપ મૂકાય તો અર્થતંત્રમાં કિંમતના દબાણમાં રાહત થાય. એકતરફ ક્રુડતેલના વૈશ્વિક બજારમાં ભાવ વધતા રહે અને તેની સાથે ભારે કરવેરા ઝીંકાય તો અર્થતંત્રમાં ફૂગાવાત્મક દબાણ વધે. હકીકતમાં નાણાંનીતિ સમિિતના સભ્યોએ અર્થતંત્રમાં ફુગાવાત્મક પરિબળોને નાથવા માટે ઇંધણમાં વેરાઓમાં સંકલિત રીતે ઘટાડો કરવાનો રાજય સરકારો અને કેન્દ્ર સરકાર બંનેને વારંવાર અનુરોધ કર્યો છે. ઇંધણના ભાવ ઘટાડાથી ફૂગાવાનો દર 0.14 થી 0.3% જેટલો ઘટી શકે છે. ત્રીજું સરકાર પોતે એવી આશા રાખે છે કે વેરામાં આ ઘટાડો થતાં અર્થતંત્રમાં અન્યત્ર ખર્ચની ગુંજાઇશ વધશે. આર્થિક પ્રવૃત્તિ વધશે તેની સાથે સરકારને બે ઇંધણ પરના વેરા ઘટાડાને પરાણે જનારી ખોટ ઇંધણની માંગ વધવાથી સરભર થઇ શકશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ 2014માં નિયંત્રણ મુકત કરાયા હતા. અર્થાત્ આ જણસોના છૂટક ભાવ વૈશ્વિક ભાવની ચાલ મુજબ રહે. પણ આ નિયંત્રણ મુકિત કેવળ કાગળ પર જ રહી કારણકે પેટ્રોલીયમ પેદાશોના વેરા રાજય સરકારો માટે દૂઝાણી ગાય સમાન ગણાઇ અને અને આ જણસોને ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ જીએસટી હેઠળ લાવવાની ચર્ચાઓ થતી રહી અને કોઇ રાજય સરકાર એવું કરવા માંગતી હોય તેમ લાગતું નથી. તેમને મહેસુલી આવક ઘટવાની બીક લાગે છે. ઇંધણના ભાવમાં ધરખમ ઘટાડો જી.એસ.ટી. મારફતે આવી શકે છે. દા.ત. જી.એસ.ટી. હેઠળ ભાવોનું નિયંત્રણ થાય તો આ આબકારી જકાત અને વેટ નીકળી જાય અને 28% જીએસટી પાયાની કિંમત પર લાદી શકાય જે લગભગ રૂા. 11નો થાય. આમાં આપણે ડીલરનું રૂા. 3.84 પૈસાનું કમિશન ઉમેરીએ તો પેટ્રોલનો છૂટક ભાવ રૂા. 51.70 પૈસા થાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top