એક સમજશક્તિ માટે કહેવાય છે કે, ભૂતકાળ ભૂલવા માટે હોય, ભવિષ્ય નિહાળવા માટે હોય અને વર્તમાન માણવા માટે હોય. પરંતુ માનવી સંપૂર્ણપણે અતીતમાંથી મુક્ત નથી જ થઈ શકતો. શૈશવના સંસ્મરણો, યૌવનનો પ્રથમ પ્રેમ કે સહજીવનનો પ્રથમ દિન, ઉદર્વગામી કારકિર્દી, પ્રથમ સંતાન પ્રાપ્તિ જેવી અનેક સોનેરી યાદ મનોજગત પર સદાને માટે છવાયેલી રહે છે. એ જ પ્રમાણે ભૂતકાળમાં થયેલા અન્યાય, વગર વાંકે મળેલો દંડ, સ્વયં કાબેલિયત ધરાવતા હોવા છતાં રોળાઈ ગયેલું સ્વપ્ન, સ્વજનો દ્વારા મળેલો દગો ફટકો, પરિવારજોની ઉપેક્ષા, ક્યારેક જીવનસાથી તરફથી ન મળેલો સહકાર, અયોગ્ય મૌન વિ. અનેક કડવી યાદો મનોવિશ્વમાંથી વિદાય નથી લેતી!
લાખ ભૂલવાના પ્રયત્નો કરવા છતાં એ યાદો પણ પ્રાપ્ત થાય છે. સૌ સાથે ભૂતકાળની કડવી-મીઠી યાદો તો હોય જ છે અને એ યાદો ને સહારે જ માનવી જીવન વ્યતીત કરતો રહે છે અને સ્વયં દ્વારા થયેલી ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ તો અવશ્ય લેવાવો જોઈએ. અમુક ભૂલ અક્ષમ્ય હોય શકે. જે અન્યને હાનિકર્તા નિવડી હોય પણ એ ભૂલ ફરીથી ન દોહરાય એનું ધ્યાન પણ રાખવું જરૂરી. ક્યારેક ભૂલ પગથિયા બની શકે પણ અન્ય વ્યક્તિના માન-સ્વમાનના ભોગે તો નહીં જ. અતીત સ્મરણીય પણ હોય અને વિસ્મરણીય પણ બનાવી શકાય. બધો આધાર ક્ષમાશીલતા પર હોઈ શકે.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.