નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રી (External Affairs Minister) એસ. જયશંકરે (S. Jaishankar) હાલ ઓસ્ટ્રિયાના (Austria) વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આ દરમિયાન તેમણે આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું હતું અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ ગણાવ્યો હતો ત્યાર બાદ તેમણે એક પત્રકાર પરિષદમાં એમ પણ કહ્યું કે પાકિસ્તાન માટે આના કરતાં પણ વધુ કઠોર અને કડવા શબ્દોનો ઉપયોગ કરી શકું છું. આ સાથે જ તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે સરહદ પારથી આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનનો મોટો હાથ છે અને હવે દુનિયાએ આતંકવાદને લઈને ચિંતા કરવી જોઈએ.
નોંધનીય છે કે સોમવારે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને આતંકવાદનું કેન્દ્રબિંદુ ગણાવ્યું હતું. જે બાદ ઓસ્ટ્રિયાના નેશનલ બ્રોડકાસ્ટર ઓઆરએફને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પત્રકારે જયશંકરને પાકિસ્તાન માટે આવું બોલવા પર સવાલ પૂછ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું કે તમે રાજદ્વારી છો, તેનો અર્થ એ નથી કે તમે સાચું બોલશો નહીં. હું આના કરતાં વધુ આકરા શબ્દોનો ઉપયોગ કરી શકું છું. તો તમે મારો વિશ્વાસ કરો, ભારત સાથે જે થઈ રહ્યું છે તેના માટે આતંકવાદનું કેન્દ્રબિંદુ ખૂબ જ ટૂંકું અને રાજદ્વારી શબ્દ છે.
ભારતની સંસદ પર હુમલો થયો, રોજેરોજ સરહદ પારથી આતંકવાદીઓ આવે છે
પાકિસ્તાન પર નિશાન સાધતા એસ જયશંકરે કહ્યું, “આ એ જ દેશ છે જેણે થોડા વર્ષો પહેલા ભારતની સંસદ પર હુમલો કર્યો હતો, મુંબઈ શહેરમાં હુમલો કર્યો હતો, જે દરરોજ સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલે છે.” જયશંકરે કહ્યું, “જ્યારે ધોડે દિવસે આતંકવાદીઓ કેમ્પ બાંધી રહ્યા છે ત્યારે શું તમે ખરેખર મને કહી શકો કે પાકિસ્તાનને ખબર નથી કે શું થઈ રહ્યું છે.” ખાસ કરીને જ્યારે તેમને સૈન્ય સ્તરની તાલીમ આપવામાં આવી રહી છે.
વિદેશ મંત્રીએ યુરોપને પણ ઘેરી લીધું
યુરોપીયન દેશો પર નિશાન સાધતા એસ જયશંકરે વધુમાં કહ્યું કે, “એટલે જ જ્યારે આપણે વિચારો અને મૂલ્યોની વાત કરીએ છીએ, ત્યારે યુરોપીયન દેશો દાયકાઓથી થઈ રહેલી આ હરકતોની નિંદા કેમ નથી કરતા.”જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધના પ્રશ્ન પર એસ જયશંકરે કહ્યું કે, તેમને લાગે છે કે વિશ્વને આ સમયે આતંકવાદથી ચિંતિત થવાની જરૂર છે. દુનિયાને એ વાતથી ચિંતા થવી જોઈએ કે આતંકવાદ સતત વધી રહ્યો છે, છતાં દુનિયા તેની અવગણના કરી રહી છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે વિશ્વ વિચારે છે કે આ તેમની સમસ્યા છે કારણ કે અન્ય દેશો સાથે આવું થઈ રહ્યું છે. જ્યારે વિશ્વને ચિંતા કરવાની જરૂર છે કે આતંકવાદીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો મક્કમતાથી કેવી રીતે સામનો કરવો જોઈએ.
ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે ઓસ્ટ્રિયાની મુલાકાતે તેમના સમકક્ષ એલેક્ઝાંડર શેલેનબર્ગ સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એસ જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ માત્ર એક ક્ષેત્રને અસર કરતું નથી, ખાસ કરીને જ્યારે તે ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયારોના વેપાર સહિતના અન્ય પ્રકારના આંતરરાષ્ટ્રીય ગુનાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “જ્યારે આતંકવાદનું કેન્દ્ર ભારતની આટલી નજીક હોય છે, ત્યારે આપણો અનુભવ આપોઆપ અન્ય લોકો માટે કામમાં આવે છે.” જયશંકરે વધુમાં કહ્યું કે અમે વારંવાર કહ્યું છે કે આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં ભારત પણ એક સારા પાડોશી તરીકે પાકિસ્તાન સાથે રહેવા ઈચ્છે છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે હંમેશા પાકિસ્તાનને કહ્યું છે કે વાતચીત અને આતંકવાદ એકસાથે આગળ ન વધી શકે. એટલા માટે અમે પાકિસ્તાનને પણ ઘણી વખત કહ્યું છે કે તે ભારત પર હુમલો કરનારા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ. જણાવી દઈએ કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રિયા પ્રવાસ પર પહોંચ્યા હતા. છેલ્લા 27 વર્ષમાં પહેલીવાર બંને દેશોના વિદેશ મંત્રીઓની મુલાકાત થઈ છે.