Business

મારા કામ સિવાય પણ હું બીજું કોઈ કામ કરી શકું ? જો જવાબ હા હોય તો સમજવું તમારો વિકાસ નક્કી

સામાન્ય સંજોગોમાં ઑફિસના સમયમાં એક કર્મચારીનું કામ બીજા કર્મચારીએ કરવાનું આવે તો ભવાં ચડી જાય છે. આની પાછળ કર્મચારીનું સાદું ગણિત હોય છે કે મને તે કામનો પગાર નથી મળતો, પરંતુ આજે ભારતમાં જે કૉર્પોરેટ કલ્ચર વિકસ્યું છે તેમાં જુદો ટ્રેન્ડ જોવા મળે છે અને તે છે `બાઉન્ડ્રીલેસ’ કાર્યશૈલી. જો વ્યક્તિ જીવનમાં કામ કરીને જ આગળ વધવા માંગતો હોય તો ‘બાઉન્ડ્રીલેસ’ કાર્યશૈલી અત્યંત મહત્ત્વની છે.

એક ઉદાહરણ જોઈએ . ફ્રાન્સની એક હોટલમાં અમારું આખું ગ્રુપ ચેકિંગ કરી રહ્યું હતું. હોટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર બે મહિલા કર્મચારીઓ હતી. એક મહિલાનું કામ આવનારા મહેમાનોની વિગતો રજિસ્ટરમાં ભરવાનું હતું અને બીજી મહિલાનું કામ રૂમની ફાળવણીનું હતું. પ્રવાસીઓના ધસારાના લીધે રજિસ્ટ્રેશન કરતી મહિલા કામના બોજ હેઠળ આવી ગઈ હતી. જેના કારણે મહેમાનોની લાંબી લાઇન થઈ ગઈ. બીજી તરફ રૂમની ફાળવણી સંભાળતી મહિલાનું કામ જલદી પૂરું થતું હતું.

છતાં તેણે પેલી સ્ત્રીને રજિસ્ટ્રેશનમાં મદદ કરવાનું ન વિચાર્યું. હું લાઇનમાંથી બહાર નીકળીને રિસેપ્શન કાઉન્ટર ઉપર પહોંચ્યો અને મેં એ ઓછી વ્યસ્ત કર્મચારીને વિનંતી કરી કે, ‘આપ મહેરબાની કરીને મહેમાનોની વિગત ભરવામાં મદદ કરશો તો મહેમાનોની લાઇન પણ ઓછી થાય તેમજ તેમની હેરાનગતિ પણ ઓછી થાય. મારા આશ્ચર્ય વચ્ચે મને જવાબ મળ્યો કે, No, Sir, I can’t do this, this is not my job.’’

મને થયું કે જે પ્રજા એક જમાનામાં શિસ્તની આટલી બધી આગ્રહી હતી તેમજ જગતભરમાં તેમના વિવેકની ચર્ચા થતી હતી તેને આ શું થઈ ગયું છે? શું આ વિચારસરણી આજે યુરોપના પતનનું કારણ છે? યુરોપના ‘ડીગ્રોથ’નું કારણ છે? મોટા ભાગના દેશોમાં કોરોના કહેર વચ્ચે કર્મચારીઓની ખૂબ મોટી સંખ્યામાં છટણી થઈ રહી છે. મહિલા કર્મચારીનો આવા પ્રકારનો અભિગમ આવા વાતાવરણમાં કેટલો વાજબી છે?

મને બિલકુલ વિશ્વાસ છે કે જો ભારતની કોઈ પંચતારક હોટલમાં આવું બન્યું હોત તો હોટલનો આખો સ્ટાફ મહેમાનોની આગતાસ્વાગતા માટે ખડેપગે તૈયાર થઈ જાત. ભારતનો કર્મચારી વિશ્વમાં તેની કાર્યશૈલી માટે શ્રેષ્ઠ ગણાય છે. અને એકબીજાનું કામ ઉપાડીને જાણે કે અવસર આંગણે આવ્યો છે તેવું વાતાવરણ ઊભું કરી દે. આ બાબતે મારું સ્પષ્ટ માનવું છે કે ભારતના કૉર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓના કૌશલ્ય તેમના ‘બાઉન્ડ્રીલેસ’ વર્કિંગને આભારી છે. ‘બાઉન્ડ્રીલેસ’નો સીધો અર્થ સમજાવું તો ‘કર્મચારી તેમના જૉબ પ્રૉફાઇલ’ એટલે કે કાર્યજોગ જવાબદારી ઉપરાંતનું પણ કામ હાથમાં લઈ ઉત્સાહભેર પાર પાડે તે…!!’

વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કેટલાક વણલખ્યા નિયમો છે. તેનું ધ્યાન રાખવાથી જ વ્યક્તિ વિકાસ આપમેળે થઈ જાય છે.

1.  સિક્કાની બંને બાજુને જોવી, એટલે કે સારાં અને નરસાં પાસાંને જોવાં. બંને તરફનો દૃષ્ટિકોણ જોવો અને અપનાવવો. પોતાનો અભિગમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો, શીખવાનો તેમજ નિષ્ણાત બનવાનો હોવો જોઈએ.
2.  પોતાના કામમાં નિષ્ણાત બનવું અત્યંત અગત્યનું છે, પરંતુ પોતાના કાર્યભાર ઉપરાંત અન્ય કાર્યભારની જાણકારી રાખવી તેમજ જરૂર પડે તેને મદદ કરવાની તત્પરતા રાખવી.
3.  ‘બાઉન્ડ્રીલેસ વર્કિંગ’ માટે જરૂરી છે ‘બાઉન્ડ્રીલેસ થિન્કિંગ’ સીધી વાત છે કે કૂવામાંના દેડકાની સ્થિતિમાંથી બહાર આવવું. હંમેશાં આકાશમાં વિહાર કરતાં પક્ષીની આંખમાંથી દરેક વસ્તુનું ચિત્ર જોવું. આનાથી તમારો વૈચારિક દૃષ્ટિકોણ અત્યંત સ્પષ્ટ બનશે જે તમારા વ્યક્તિત્વના વિકાસને વેગ આપશે.
4.  ‘બાઉન્ડ્રીલેસ વર્કિંગ’ તમારામાં નેતૃત્વના ગુણોનો વિકાસ કરશે. એક સાથે અનેક બાબતો, સમસ્યાઓના ઉકેલમાં તમને વધુ સરળતા રહેશે. વિદ્યાર્થીઓ માટે ‘બાઉન્ડ્રીલેસ વર્કિંગ’ પોતાના વિષય ઉપરાંત બીજા વિષયનું વ્યવહારિક જ્ઞાન મેળવવામાં મદદરૂપ થશે જે તેમને માટે ઘણી નવી તકોનું નિર્માણ કરશે.
5. જો તમે તમારા જિંદગીના દૃષ્ટિકોણને નવી નજરથી માણવા માગતા હો તો ‘બાઉન્ડ્રીલેસ વર્કિંગ’નો અભિગમ અપનાવો. જે તમને નવું વિચારવામાં, શીખવામાં અને તમારી કાર્યકુશળતાને વધુ ધારદાર બનાવવામાં મદદરૂપ થશે.

Most Popular

To Top