Comments

અંગ્રેજીને હડધૂત કરીને ગુજરાતી બચાવી શકાય?

નવી શૈક્ષણિક નીતિ-૨૦૨૦માં પ્રાથમિક શિક્ષણ જો બાળકને એની માતૃભાષામાં મળે તો વધુ અસરકારક નીવડે તે બાબત ૫૨ ભા૨ મુકાયો છે. આ બાબત જો કે નવી નથી અને શિક્ષણવિદોમાં આની ચર્ચા છાશવારે થતી રહે છે અને માતૃભાષાનાં ગુણગાન ગવાતાં રહે છે. ખૂબ જ ઓછા વાલીઓ પોતાનાં બાળકોને માતૃભાષામાં ભણાવવાનું પસંદ કરે છે અને મોટા ભાગના વાલીઓને લાગે છે કે આવું કરીને તેઓ બાળકોને અંગ્રેજી જેવી ભાષાથી વંચિત રાખી, એમનાં ઉજ્જ્વળ ભવિષ્ય સાથે ચેડાં ન કરી શકે.

આવું થવાનું કા૨ણ એ છે કે ભારતમાં અંગ્રેજી એ માત્ર ભાષા નથી, એ કૌશલ્ય છે. અંગ્રેજી જાણના૨ને અભિભૂત નજરે જોવાય છે અને એનાં બાકીનાં કૌશલ્યો ગૌણ બની જાય છે. એનાથી ઊલટું આ વિદેશી ભાષા ન જાણનારનાં પણ બાકીનાં કૌશલ્યો ગૌણ બની જાય છે તો આવી પરિસ્થિતિમાં એવું શું થઈ શકે જેનાથી ન ગુજરાતી ભાષાનું ગૌરવ ઓછું થાય અને ન ભવિષ્યના પાસપૉર્ટ જેવી અંગ્રેજીથી બાળક અળગું થઈ જાય? પ્રસ્તુત લેખ એ આ વિષય પર છણાવટ કરીને થોડાં ઉપયોગી સૂચનો કરે છે.

કોઈ પણ દેશની ઓળખમાં મુખ્ય તત્ત્વોમાં સામાજિક, આર્થિક વારસો અને પરંપરા જેટલું જ અગત્યનું કોઈ તત્ત્વ હોય તો તે છે એ દેશની પોતાની આગવી ભાષા, પ્રખ્યાત વૈજ્ઞાનિક સર સી. વી. રમન કહેતા કે જો વિજ્ઞાન જેવા વિષયને પણ માતૃભાષામાં ન શીખવવામાં આવે તો એ વિજ્ઞાનનું જ્ઞાન પણ ખાલી કુલીનતા અને ઘમંડની ગતિવિધિ બનીને રહી જાય છે. કહેવાનો મતલબ એ જ કે માતૃભાષા એ વ્યક્તિને ફક્ત અભિવ્યક્તિ જ નહીં. પણ શાલીનતા અને વિવેક પણ શીખવે છે.

નેલ્સન મંડેલાના મતે કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો તે મસ્તક સુધી જાય છે, પણ તમે એની માતૃભાષામાં સમજાવી શકો તો તે હૃદય સુધી પહોંચે છે. અંગ્રેજીનું જ્ઞાન આજીવિકા રળી આપે છે એમાં કોઈ શક નથી, પરંતુ દિલ અને આત્મા તો જાણે અતૃપ્ત જ રહી જાય છે. પરદેશમાં સ્થાયી થયેલાં લોકો દિલની આ ભાષા સાંભળવા મળે એટલે જ તો અલગ- અલગ જૂથોના સભ્ય બનીને નિયમિત મળતા રહે છે. તો આવા સમયમાં નવી શૈક્ષણિક નીતિ-૨૦૨૦માં લેવાયેલ આ પગલું આવકાર્ય છે.

જો કે તમામ વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં શિક્ષણ મેળવવાના તેમના અધિકારની ખાતરી આપતાં પહેલાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. મોટા ભાગના દેશોમાં, મોટા ભાગનાં વિદ્યાર્થીઓને તેમની માતૃભાષા સિવાયની ભાષામાં શીખવવામાં આવે છે, જે અસરકારક રીતે શીખવાની તેમની ક્ષમતા સાથે સમાધાન કરે છે. એવો અંદાજ છે કે વિશ્વની ૪૦% વસ્તીને તેઓ જે ભાષા બોલે છે અથવા સમજે છે તેમાં શિક્ષણની સુવિધા પ્રાપ્ત નથી. આજે વિશ્વભરમાં લગભગ ૭,000 ભાષાઓ બોલાય છે, પરંતુ વધુ ને વધુ ભાષાઓ ભયજનક દરે અદશ્ય થઈ રહી હોવાથી ભાષાકીય વિવિધતા વધુ ને વધુ જોખમમાં છે.

વળી, જ્યારે કોઈ ભાષા અદૃશ્ય થઈ જાય છે, ત્યારે તે તેની સાથે સમગ્ર સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસો વિલાઈ જાય છે. તો આપણી વહાલી ગુજરાતીને લુપ્ત થતાં રોકવી એ ફક્ત શિક્ષણવિદોની જવાબદારી ન સમજતાં સામાન્ય નાગરિક તરીકે આપણા દ્વારા શું થઈ શકે એ વિચારીએ.  વર્ષે ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. યુનાઇટેડ નૅશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO) લગભગ બે દાયકાથી બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા અને ભાષાકીય વિવિધતાને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરે છે.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો મુખ્ય ઉદ્દેશ છે, “શિક્ષણ અને સમાજમાં સમાવેશ કરવા માટે બહુભાષીવાદને પ્રોત્સાહન આપવું “ અને યુનેસ્કો નીતિ- નિર્માતાઓને ખાસ કરીને પ્રારંભિક વર્ષોમાં, બાળકની માતૃભાષામાં શિક્ષણ આપવા વિનંતી કરી રહ્યું છે. યુનેસ્કોના નવા રિપોર્ટ ક્રૉમ રાઇટ્સ ટુ કન્ટ્રી લેવલ ઍક્શનનાં તારણો સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશો દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રયાસો દર્શાવે છે.

આ ઉપરાંત, યુનેસ્કોએ તાજેતરમાં વિશ્વ ભાષાના એટલાસનું અનાવરણ કર્યું હતું, જે વૈશ્વિક ભાષાકીય વિવિધતા અને બહુભાષીયતાને જાળવવા, પુનર્જીવિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે એક અભૂતપૂર્વ પહેલ છે. વિશાળ ડિજિટલ વિભાજન બતાવે છે કે કેવી રીતે જોડાણ એ શિક્ષણના અધિકારની ખાતરી આપવાનું મુખ્ય પરિબળ બની ગયું છે. ડિજિટલ લર્નિંગ સામગ્રીની અછત અસમાનતા દ્વારા વિભાજન વધારે છે. અન્ય એક તત્ત્વ જે ડિજિટલ વિભાજનને વધારે છે તે હકીકત એ છે કે ઘણી ભાષાઓ ઇન્ટરનેટ પર હાજર નથી : આજે સાયબર સ્પેસમાં એક મુખ્ય ભાષાકીય વિભાજન છે.

ડિજિટલ વિશ્વમાં ભાષાઓનો સમાવેશ અને સર્વસમાવેશક શિક્ષણસામગ્રીની રચના મહત્ત્વપૂર્ણ છે. માતૃભાષા પર આધારિત distance learningને શિક્ષણ  પ્રણાલીમાં સમાવિષ્ટ કરવી જોઈએ, જેથી કરીને તમામ શીખનારાઓ, ખાસ કરીને ભાષાકીય લઘુમતીઓના, શાળા બંધ થવા દરમિયાન અને તે પછી પણ શિક્ષણ મેળવી શકે.  ગુજરાતી બોલવામાં અને અંગ્રેજીના અજ્ઞાનમાં શરમ અનુભવતાં આજનાં બાળકો માટે અહીં થોડાં સૂચનો છે અને આશા છે કે આનાથી મૂંઝાયેલા સમાજ અને વાલીઓને કોઈ દિશા મળશે.

• આપણાં શહેરો વિવિધ સંસ્કૃતિઓનું મિલનસ્થાન બની જવાથી, આપણાં બાળકો વિવિધ ભાષાઓ બોલતાં લોકોનો સામનો કરે છે. જો આપણાં બાળકોને ખ્યાલ આવે કે તેમની માતૃભાષા તેમના મિત્રો દ્વારા બોલાતી અન્ય કોઈ પણ ભાષા જેટલી જ મહત્ત્વપૂર્ણ છે, તો તેઓ તેમની પોતાની અને અન્યની ભાષાની વિશિષ્ટતાની પ્રશંસા કરશે. તમારા બાળકને આ તફાવતોને સ્વીકારવા અને આદર આપવા માટે પ્રોત્સાહિત કરી. તે તમારા બાળકને એ સમજવામાં મદદ કરશે કે વિવિધતામાં એકતા છે અથવા વધુ સારી રીતે, વિવિધતામાં સહાનુભૂતિ છે.

આ સમયની જરૂરિયાત છે. • જ્યારે બાળકો તેમની માતૃભાષા બોલતાં મોટાં થાય છે ત્યારે તેઓ સમાન ભાષા બોલતાં લોકોના જૂથ સાથે બંધન બનાવે તેવી શક્યતા છે. તેઓ એક વિશિષ્ટ, અનન્ય સમુદાયના ભાગ રૂપે જોડાયેલાં અને સ્વીકૃત અનુભવે છે.  તમારી માતૃભાષામાં લોકવાર્તાઓ સંભળાવો (અથવા વધુ સારું, દાદા-દાદીને આ કરવા દો!). બાળક જ્યારે રૂડયાર્ડ કિપ્લિંગની The Jungle Book અને ગોલ્ડિંગની Lord of Flies કે ડેનિયલ ડીફોની The life and Adventures of Robinson Crusoe વાંચે ત્યારે ગર્વથી ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર કે મુનશીની ગુજરાતનો નાથ કે કૃષ્ણ કુમારસિંહજી ગોહિલની દેવાયત બહારવટિયાની વાર્તાઓ પીરસો.

• તમારી ભાષામાં લોકગીતો સાંભળો અને સાથે ગાઓ, નૃત્ય કરો. એમને સમજાવો કે શકીરાના waka waka અને જસ્ટિન બીબરના Love Yourself જેટલી જ મધુરતા મારે ટોડલે બેઠો રે મોર’ અને ‘સોના વાટકડી રે’ અને ‘તારી આંખનો અફીણી’ સાંભળવામાં છે. • બાળપણના જૂના ફોટા કાઢો અને તમારી ભાષામાં તેમના વિશેની વાતો કહો. એમને સમજાવો કે Puerto Rico Hawaiian Island Road Trip જેવી જ મજા સાસણ-ગીરનાં જંગલોમાં અને statue of Unity અને રાણીની વાવ જોવામાં આવે. • ઘરમાં, કરિયાણાની દુકાનમાં અથવા ઉદ્યાન, બીચ, પ્રાણીસંગ્રહાલય અથવા અન્ય જગ્યાએ તમારી આસપાસની વસ્તુઓ ત૨ફ નિર્દેશ કરો. તમારા બાળકને તમારી ભાષામાં વિવિધ વસ્તુઓનાં નામ કહો.

તમારા બાળકને વિવિધ ક્રિયાપદ અને વિશિષ્ટ શબ્દભંડોળનો પરિચય કરાવવા માટે તમારી સંસ્કૃતિમાંથી બાળપણની રમતો ૨મો. લુડો રમવા જેટલી જ રસપ્રદ રમત એ ડુંગર ઉપર આગ લાગી છે એ તમે નહીં કહો તો એમને કોણ જણાવશે? બધાં માતા-પિતા તેમના વતનની મુલાકાત લે છે. જો કે મુલાકાત લેવા અને રહેવામાં ફરક છે. સ્થાનિક લોકોની જેમ જીવવાનો પ્રયત્ન કરો. તેઓ જે કપડાં પહેરે છે તે પહેરો. તમારા બાળકને માતૃભાષામાં અન્ય લોકો સાથે વાત કરવા અને સ્થાનિક ખોરાક ખાવા દો.

• તમારી સંસ્કૃતિ માટે અનન્ય વાનગીઓ રાંધો અને તમારા બાળક સાથે વાત કરો કે કોઈ ચોક્કસ વાનગીને શું વિશેષ બનાવે છે. ધીરે-ધીરે, તમારું બાળક ખોરાકના શબ્દભંડોળથી પરિચિત થશે – તે તમારી સંસ્કૃતિમાં ખોરાકનું વર્ણન કરવા માટે ઘટકોનાં નામ અને વર્ણનાત્મક શબ્દો શીખશે. હવે વાલીઓની જવાબદારીની વાત સમાપ્ત. શાળાના સ્તરે મુખ્ય વાત એ છે કે ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઉચ્ચ કક્ષાનું ગુજરાતી શિખવાડવું જોઈએ. કવિ તુષાર શુક્લની એ વાત મજબૂત રીતે બાળકને સમજાવવી જોઈએ કે ડૉલર સામે રૂપિયો ગગડે એમાં અંગ્રેજી સામે કોઈ પણ રીતે ગુજરાતી નબળી ના પુરવાર થાય.

ઇંગ્લેન્ડની સૌથી નજીકનું રાષ્ટ્ર ફ્રાન્સ છે અને તેઓ ચોક્કસપણે ફ્રેન્ચને વધુ મહત્ત્વ આપે છે! યુકેની અંદરના પ્રદેશો જેમ કે આયર, વેલ્સ વગેરે હજુ પણ તેમની પોતાની ભાષા સાચવે છે અને અંગ્રેજી કરતાં તેને પ્રાથમિકતા આપે છે. ઘણા અંગ્રેજ રાજાઓ પોતે આખી જિંદગી ફ્રેન્ચ અને જર્મન બોલતા હતા, કારણ કે તેઓ આક્રમણ કરનારા હતા અને ક્યારેય અંગ્રેજી શીખ્યા ન હતા. યુએસએ નજીક, મેક્સિકોમાં મોટા ભાગના લોકો સ્પેનિશ બોલે છે.

યુએસએમાં, ઘણાં લોકો વિવિધ ભારતીય ભાષાઓ બોલે છે. આમ સતત અંગ્રેજીના દબાવ હેઠળ જીવતાં બાળકોને સમજાવી કે અંગ્રેજી ફક્ત એક ભાષા જ છે જે થોડી વધુ પ્રબળ અને પ્રભાવશાળી છે, પણ એ ગુજરાતીની પૂરક નથી. સૌથી છેલ્લે મહત્ત્વનું કોઈ કામ હોય કે જે પડકારરૂપ છે તે ગુજરાતીમાં ઇન્ટરનેટ ૫૨ content creation. હમણાં જ અમેરિકામાં રહેતા એક કુટુંબમાં માતાને લાગ્યું કે દીકરીને મેઘાણીની ચારણકન્યા યૂ-ટ્યૂબ પર સંભળાવવી જોઈએ અને સર્ચ કરતાં જણાયું કે યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવીએ (સ્વરોત્સવ-૨૦૧૯) અદ્ભુત રીતે કમ્પોઝ કરેલી ઉપલબ્ધ છે. પરંતુ પછી દલપતરામ, નરસિંહ મહેતા, કલાપી, ઉમાશંકર જોષી, રમેશ પારેખ, નિરંજન ભગત, નરસિંહરાવ દિવેટિયા અને અન્ય કવિઓનાં કાવ્યો પણ અને ગુજરાતીની અદ્ભુત ટૂંકી વાર્તાઓ યૂ- ટ્યૂબ પર સર્ચ કરતાં જણાયું કે આ તો ગુજરાતીમાં contentનો અતિ ભારે દુકાળ છે. એ જો સમયસર પુરાશે નહીં તો digital worldની સહાયતા વગર કોઈ ભાષાને બચાવવી એ એટલું જ કપરું છે જેટલું દીપક વગર અંધારું દૂર કરવું. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top