Columns

વીમાકંપનીએ કલેમ પેટે ચૂકવેલ રકમ “વાંધાસહિત” સ્વીકાર્યા બાદ વધારાની રકમ મેળવવા કાર્યવાહી થઇ શકે?

ગ્રાહકના માલ-સ્ટોક, પ્લાન્ટ-મશીનરી, ફર્નિચર-ફીટીંગ્સ, સ્થાવર મિલકત વગેરેને પૂર યા આગથી થયેલ નુકસાન અંગેના ઇન્શ્યુરન્સ કલેમના કિસ્સામાં વીમા કંપની તેમના સર્વેયર દ્વારા વીમેદારને થયેલ નુકસાન અંગે સર્વે (એસેસમેન્ટ) કરાવ્યા બાદ વીમેદારના કલેમ પૂર્ણતઃ યા અંશતઃ મંજૂર કરે છે યા સંપૂર્ણપણે નકારે છે. જો વીમા કંપની વીમેદારે કરેલ કલેમ અંશતઃ મંજૂર રાખે ત્યારે વીમેદારને અંશતઃ મંજૂર રાખેલ કલેમની રકમ કલેમના ફુલ એન્ડ ફાયનલ સેટલમેન્ટ તરીકે સ્વીકારવા દબાણ કરતી હોય છે અને કલેમના ફુલ એન્ડ ફાયનલ સેટલમેન્ટ તરીકે રકમ સ્વીકારી છે.

એવા લખાણવાળા ડિસ્ચાર્જ વાઉચર પર વીમેદારની સહી લેવાનો આગ્રહ રાખે છે અને જો વીમેદાર આવા ડિસ્ચાર્જ વાઉચર પર સહી કરી આપે તો જ અંશતઃ મંજૂર કરાયેલી રકમનો ચેક આપવામાં આવતો હોય છે. ગ્રાહક એવી રકમ ડીસ્ચાર્જ વાઉચર પર સહી કરીને સ્વીકારી લે તો શું કલેમની બાકીની રકમ મેળવવાનો ગ્રાહકનો હક માર્યો જાય છે? કે ગ્રાહક બાકીની રકમ મેળવવા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે ? આવા પ્રશ્નો ઘણા કેસોમાં ઊભા થાય છે.

તાજેતરમાં, ગુજરાત રાજયની વડી ગ્રાહક અદાલત એટલે કે, ગુજરાત સ્ટેટ કન્ઝયુમર ડીસ્પ્યુટસ કમિશને એક મહત્ત્વના ચુકાદામાં વીમાકંપનીએ કલેમની રકમમાંથી મોટી રકમ કાપી લઈને કરેલ પેમેન્ટ સ્વીકાર્યા બાદ કાપી લેવાયેલી રકમ મેળવવા માટે કરેલ ફરિયાદ મંજૂર કરી છે. મે. અંબિકા નીટીંગ મિલ્સ વિરૂધ્ધ ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપનીના કેસની વિગત એવી છે કે, ફરિયાદી મે. અંબિકા નીટીંગ મિલ્સ આર્ટ ફેબ્રિકસના ઉત્પાદન અને એક્સ્પોર્ટનો ધંધો કરતા હતા અને સુરત ખાતે ફેકટરી અને ગોડાઉન ધરાવતા હતા. ફરિયાદી પેઢીએ તેમની ફેકટરી અને ગોડાઉનના માલના સ્ટોક, સ્ટોક ઇન ટ્રેડ, સ્ટોક ઇન પ્રોસેસ વગેરેનો વીમો રૂ. 1.60 કરોડનો ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની (સામાવાળા) કનેથી લીધો હતો.

મજકૂર વીમો અમલમાં હતો તે દરમિયાન ફેકટરી | ગોડાઉનમાં તા. 23/12/03 ના રોજ મોટી આગ લાગેલી. જેમાં ફેકટરી | ગોડાઉનમાંના માલના સ્ટોકને ગંભીર નુકસાન થયેલું. ફાયરબ્રિગેડને આગ બુઝાવતાં લગભગ 7-8 કલાક થયેલા. મજકૂર આગ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલી તેમ જ વીમાકંપનીને સમયસર જાણ કરવામાં આવેલી. વીમાકંપનીના સર્વેયરે સર્વેની કામગીરી પૂરી કરીને રીપોર્ટ આપવામાં લગભગ 11 મહિનાનો અસાધારણ સમય લીધેલો. સર્વેયરે મજકૂર આગથી ફરિયાદીની ફેકટરી / ગોડાઉનના માલ-સ્ટોકને લગભગ રૂ. 97.25 લાખનું નુકસાન થયેલ હોવાનું જણાવેલું. આમ છતાં, સામાવાળા વીમાકંપનીએ સર્વેયરે જણાવેલ રકમમાંથી પણ રૂ. 5.75 લાખ કાપી લેવાનો નિર્ણય કરેલો. મજકૂર રકમ કાપી લેવા માટે વીમાકંપનીએ ચોકકસ કોઈ કારણો દર્શાવ્યાં ન હતાં.

આગના બનાવને લગભગ 27 મહિના વીતી ગયા હતા અને ફરિયાદી પેઢી મોટી નાણાંકીય ભીડ અનુભવી રહી હતી. જેથી, વીમાકંપનીએ ઓફર કરેલ રકમ રૂ. 91.50 લાખ સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો. જેથી ફરિયાદીએ વીમાકંપની પાસેથી રૂ. 91.50 લાખનો ચેક સ્વીકાર્યો હતો અને ફરિયાદીએ આપેલ ડીસ્ચાર્જ વાઉચર પર સહી પણ કરવી પડી હતી.

ત્યાર બાદ તા. 16/3/03 ના પત્રથી વીમાકંપનીને જણાવ્યું હતું કે, તેમણે ચેક વાંધા સહિત અને બાકીની રકમ મેળવવાનો પોતાનો હકક બાકી રાખીને ચેક સ્વીકાર્યો હતો, તેમજ કાપી લીધેલ રકમ રૂ. 5.75 લાખ વ્યાજ સહિત ચૂકવી આપવા વિનંતી કરી હતી પરંતુ, સામાવાળા વીમાકંપનીએ ત્યાર બાદ કોઈ ચૂકવણી ન કરતા ફરિયાદીએ આ લેખના લેખક મારફત વીમાકંપની સામે ફરિયાદ તૈયાર કરાવી સ્ટેટ કમિશનમાં દાખલ કરાવી હતી.

ગુજરાત સ્ટેટ કમિશનની પ્રમુખ ન્યાયમૂર્તિ આર.પી. ધોળકીયા તેમજ સભ્ય એસ.એ. મખીજા તેમ જ નંદિનીબેન ઠકકરની બેન્ચે જણાવ્યું હતું કે વીમાકંપનીના સર્વેયરે કલેમની આકારણી વિવિધ કપાત કર્યા બાદ કરેલ હોય તો તેવા સંજોગોમાં વીમાકંપનીને સર્વેયરે આકારણી કરેલ રકમમાંથી બીજી વધારાની રકમ કાપી લેવાનું ઉચિત ન ગણાય વધુમાં, સામાવાળા વીમાકંપનીએ કલેમ સેટલ કરવામાં 27 મહિના જેટલો અસામાન્ય વિલંબ કરેલ હોવાથી ફરિયાદીને સામાવાળાએ આપેલ રકમ સ્વીકારી લેવાની અને ફુલ એન્ડ ફાયનલ સેટલમેન્ટ માટેના વાઉચર પર સહી કરી આપવાની નાછૂટકે ફરજ પડી હતી.

પરંતુ ત્યાર બાદ 2 દિવસમાં જ ફરિયાદીએ પોતે પેમેન્ટ વાંધાસહિત સ્વીકારેલ હોવાનો જણાવતો પત્ર પાઠવી દીધો હોવાથી કલેમનું સેટલમેન્ટ ખરેખર ફુલ એન્ડ ફાયનલ ન ગણાય એમ જણાવી વીમાકંપનીએ કાપી લીધેલ રકમ મેળવવા ફરિયાદી પેઢીને હકદાર ગણાવી વીમાકંપનીએ કાપી લીધેલ રકમ રૂ. 5.75 લાખ કલેમના સેટલમેન્ટની તારીખથી ખરેખર ચૂક્વણીની તારીખ સુધીના વાર્ષિક 9% લેખેના વ્યાજ સહિત તેમ જ કાર્યવાહીના ખર્ચ માટે બીજા રૂ. 5000/- સહિત ફરિયાદીને ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે!

Most Popular

To Top