ગુજરાત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ ગર્ભપાતનો એક જટિલ કિસ્સો આવ્યો છે, જેને કારણે ભારતમાં પ્રવર્તમાન ગર્ભપાતના કાયદા બાબતમાં નવો વિવાદ છેડાઈ ગયો છે. ભારતમાં ૧૯૭૧ સુધી ગર્ભપાત ગેરકાનૂની હતો. કોઈ પણ સ્ત્રી ગર્ભાવસ્થાના કોઈ પણ તબક્કે ગર્ભપાત કરાવે તો તેને જન્મટીપ સુધીની સજા થઈ શકતી હતી. ૧૯૭૧માં વિદેશની લોબીના ઈશારે ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ લાવવામાં આવ્યો હતો, જે મુજબ અમુક ચોક્કસ કિસ્સાઓમાં જ ૨૪ સપ્તાહ સુધી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી.
તેને કારણે કાનૂની ગર્ભપાતના કિસ્સાઓમાં પ્રચંડ ઉછાળો આવ્યો હતો. ૨૪ સપ્તાહ સુધીના ગર્ભપાત તો બેરોકટોક થવા લાગ્યા હતા, પણ ત્યાર બાદ ગર્ભપાત કરાવવો હોય તો કોઈ ડોક્ટર તેનું જોખમ લેવા તૈયાર થતા નહોતા, જેને કારણે તેવા કિસ્સાઓમાં સ્ત્રીઓ હાઈ કોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જવા માંડી હતી. હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ પણ સગીર કન્યાઓના કે બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીના કેસમાં ૨૪ સપ્તાહ પછી પણ ગર્ભપાત કરાવવાની છૂટ આપવા માંડી હતી. હવે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે ૨૮ સપ્તાહ (આશરે સાત મહિના) નો ગર્ભ ધરાવતી સ્ત્રીઓ પણ એક યા બીજા કારણે કોર્ટોમાં ગર્ભપાતની માગણી સાથે આવી જાય છે.
હમણાં ગુજરાત હાઈ કોર્ટમાં ૨૫ વર્ષની મહિલાનો કિસ્સો આવ્યો, જે બળાત્કારને પરિણામે ગર્ભવતી બની ગઈ હતી અને જેનો ગર્ભ ૨૭ સપ્તાહનો થઈ ગયો તે પછી તે ગુજરાત હાઈ કોર્ટમાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટે તેની પિટીશનની સુનાવણી માટે ૧૨ દિવસ પછીનો સમય આપ્યો ત્યારે તે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. સુપ્રીમ કોર્ટે કેસની ઝડપી સુનાવણી કરવાનો હાઈ કોર્ટને આદેશ આપ્યો ત્યારે તેણે કહ્યું કે તેણે પિટીશન રદ કરી નાખી છે. ગુજરાત હાઈ કોર્ટના આદેશથી નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે હાઈ કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશથી વિરુદ્ધનો આદેશ કેવી રીતે આપી શકે? હવે સુપ્રીમ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતની મહિલાને ગર્ભાવસ્થાના ૨૭ સપ્તાહ પછી ગર્ભપાતની મંજૂરી આપી તેમાં જે શરતો મૂકી છે તે ખાસ જાણવા જેવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહિલાનો ગર્ભપાત કરવા માટે નિષ્ણાત તબીબોનું બોર્ડ બનાવવું જોઈએ અને તેમની ભલામણ મુજબ જ ગર્ભપાત કરવો જોઈએ. જો તેઓ ગર્ભપાત કરવાની સલાહ આપે તો તેમની દેખરેખ હેઠળ જ ગર્ભપાત કરવો જોઈએ. જો કોઈ કારણસર સાત મહિનાના બાળકના ગર્ભપાત દરમિયાન બાળક જીવતું નીકળે તો તેને ઇન્ક્યુબેટરની સવલત આપીને જીવતું રાખવું જોઈએ અને તે નવ મહિનાની ગર્ભાવસ્થા પૂરી કરે ત્યારે સરકારે તેને દત્તક આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. હવે સાત મહિનાની ગર્ભાવસ્થા પછી બાળક જીવતું બહાર આવે તે સ્વાભાવિક છે. હકીકતમાં ૨૪ સપ્તાહની ગર્ભાવસ્થા પછી પણ બાળક જીવતું જ હોય છે. જો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ૨૮ સપ્તાહના ગર્ભમાં જીવન માનવામાં આવે છે તો ૨૪ સપ્તાહના ગર્ભમાં જીવન કેમ માનવામાં આવતું નથી? શા માટે તેની હત્યા કરવાની મંજૂરી આપવામાં આવે છે? હકીકતમાં આજનું વિજ્ઞાન પણ કહે છે કે ગર્ભાધાન સાથે જ ગર્ભમાં જીવ આવી જતો હોય છે. વિજ્ઞાનના આ વિકાસને પગલે ગર્ભપાતનો કાયદો જ મૂળમાંથી રદ કરવાની જરૂર છે.
મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૨૧ ગર્ભપાત ઇચ્છતી મહિલાઓ માટેના નિયમો સૂચવે છે. આ કાયદા હેઠળ સ્ત્રીને ગર્ભાવસ્થાનાં ૨૪ અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની પરવાનગી આપવામાં આવી છે. જો તે સગીર હોય તો તેના વાલીની સંમતિ જરૂરી ગણવામાં આવી છે. અધિનિયમની કલમ ૩ હેઠળનાં અન્ય કારણોમાં જાતીય હુમલામાંથી બચી ગયેલા લોકો માટે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની જોગવાઈ છે. વરિષ્ઠ સામાજિક કાર્યકર ઐશ્વર્યા સિન્હાએ જણાવ્યું હતું કે જ્યાં પણ ૨૪ અઠવાડિયાથી વધુની સમયરેખા ઓળંગાય છે, ત્યાં અને જાતીય હુમલાથી બચી ગયેલી સગીર કન્યાઓએ ગર્ભપાત કરવાની પરવાનગી માંગવા માટે હાઇ કોર્ટનો સંપર્ક કરવો પડે છે.
દિલ્હી હાઈકોર્ટે અનુક્રમે જાન્યુઆરી અને ઓગસ્ટ ૨૦૨૩માં આપેલા બે અલગ-અલગ ચુકાદાઓમાં ગર્ભપાત માટે માર્ગદર્શિકાઓ જારી કરી છે. હાઈ કોર્ટે તબીબી તપાસ સમયે ફરજિયાત પેશાબ પરીક્ષણની ભલામણ કરી છે. આ પગલું સગીરો માટે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ બની જાય છે. ઘણી બાળાઓને ખ્યાલ જ નથી હોતો કે તેઓ ગર્ભવતી થઈ ગઈ છે. ડૉક્ટરની મુલાકાત લેવા પર જ તેમને ગર્ભાવસ્થાની જાણ થાય છે. સગીરો સાથે જાતીય હુમલાના ઘણા કિસ્સા નોંધાયા છે.
હાઈકોર્ટે પણ ગર્ભપાતના કિસ્સામાં સંમતિના મહત્ત્વ અને ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની ઈચ્છા પર ભાર મૂક્યો છે. સગીરોના કિસ્સામાં બચી ગયેલી બાળાની તેમ જ તેના વાલી બંનેની સંમતિ લેવી જરૂરી છે. જો બળાત્કાર કે સંમતિપૂર્વકના સંબંધનો ભોગ બનેલી કન્યા ગર્ભપાત કરાવવાનો ઇનકાર કરે તો ડોક્ટર વાલીના કહેવાથી ગર્ભપાત કરી શકતા નથી. એક વાર સંમતિ પ્રાપ્ત થઈ જાય તે પછી, તે જ દિવસે બચી ગયેલી મહિલાને મેડિકલ બોર્ડ સમક્ષ રજૂ કરવી આવશ્યક છે. હાઈ કોર્ટે સત્તાવાળાઓને નિર્દેશ આપીને કહ્યું છે કે જો ખાસ કરીને સગીરના કિસ્સામાં ગર્ભની સમાપ્તિ માટે કોઈ આદેશની માંગ કરવામાં આવી હોય તો તે પ્રક્રિયાને ફાસ્ટ-ટ્રેક કરવા માટે સંબંધિત સત્તાધિકારી સમક્ષ સમયસર અહેવાલ રજૂ કરવો પડશે. આ ઓર્ડર પછી બચી ગયેલી મહિલાને ૨૪ કલાકની અંદર સંબંધિત હોસ્પિટલમાં લઈ જવાની રહેશે. હાઈકોર્ટે તમામ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં મેડિકલ બોર્ડની સ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હાલમાં દિલ્હીમાં માત્ર ચાર એવી હોસ્પિટલો છે, જ્યાં ગર્ભપાતના કાયદા અનુસાર મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે.
ગર્ભની જાળવણીની ખાતરી કરવાની અને દર્દીને ઉતાવળમાં છોડવામાં ન આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ઇન્ચાર્જ ડૉક્ટરની છે. ગર્ભપાત થયા પછી તપાસ અધિકારીઓએ ગર્ભ એકત્રિત કરવો પડશે અને પછી કથિત આરોપી વ્યક્તિના ડીએનએ સાથે મેચ કરવા માટે નમૂનાને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવા પડશે. તે તબીબી પુરાવાનો એક ભાગ છે અને કેસને મજબૂત બનાવે છે. ડિસ્ચાર્જ શીટ અને ગર્ભપાતની પ્રક્રિયા પછીની સંભાળની જવાબદારી ઇન્ચાર્જ ડોકટરને આપવામાં આવી છે. તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેમાં બધી વિગતો સામેલ છે. જો ગર્ભાવસ્થા સમાપ્ત કર્યા વિના બચી ગયેલી મહિલાને રજા આપવામાં આવી હોય તો તેના માટેનું કારણ જણાવવું પડશે. દિલ્હી હાઈકોર્ટે ડોકટરોને આદેશ આપ્યો છે કે અસલ ડિસ્ચાર્જ શીટ સાથે તેની એક ટાઈપ કરેલી કોપી તપાસ અધિકારીને એક અઠવાડિયાની અંદર સુપરત કરવાની રહેશે.
૨૦૨૧ના સુધારેલા કાયદામાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને તેમ જ અન્ય મહિલાઓને ખાસ કિસ્સામાં ૨૪ સપ્તાહ સુધી ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવી છે તે અનૈતિક છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી પણ વિરુદ્ધ છે. આજનું વિજ્ઞાન પણ માને છે કે ૨૪ સપ્તાહના ગર્ભમાં તમામ અંગોનો બરાબર વિકાસ થઈ ગયો હોય છે. આજની અદાલતો કાયદેસરની બાળહત્યાને મંજૂરી આપીને કુદરતનો કાનૂન તોડી તો નથી રહી ને?