Comments

નદી, પર્વતને પોતાનો કાનૂની હક આપી શકાય?

જરા વિચિત્ર લાગે એવી વાત છે. નદીને આપણી સંસ્કૃતિમાં લોકમાતા કહેવાઈ છે, કેમ કે, એક માતાની જેમ તે આપણા જીવન સાથે અભિન્નપણે જોડાયેલી હતી અને જીવનની મોટા ભાગની જરૂરિયાતો પૂર્ણ કરતી હતી. હવે આ વિશેષણ કે સંબોધન કેવળ નિબંધોમાં કે પાઠ્યપુસ્તકોમાં જ રહી ગયું છે. એનો અર્થ એવો કે નદીઓની ઉપયોગિતા મટી ગઈ? નદીઓની ઉપયોગિતા એની એ જ રહી છે, બલકે તેના પાણીને નાથીને સિંચાઈ, વીજળી જેવી સવલતો હવે સાવ સુલભ બની છે. મોટા ભાગનાં લોકો શબ્દાર્થમાં પણ નદીથી દૂર ને દૂર થતા ગયા છે.

નદીને ‘લોકમાતા’ જેવો દરજ્જો આપણે આપ્યો, પણ કદી એવો વિચાર આવ્યો કે નદીને પોતાને પણ કોઈ હક હોય? આપણા જેવા દેશમાં માનવના મૂળભૂત હકનો જ પ્રશ્ન હોય ત્યાં નદીના હક અંગે કોઈને શી રીતે વિચાર આવી શકે? મોટા ભાગની નદીઓને આપણે પૂજ્ય ગણીને તેનું માનવ યા દેવીસ્વરૂપ કલ્પ્યું છે, પણ એ કેવળ એક રમ્ય કલ્પના જ રહી છે. ઈતિહાસ જોતાં એટલો ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને પૂજતાં હતાં. હજી આજે પણ ઘણી આદિ જાતિઓમાં આ પરંપરા જોવા મળે છે. ‘જળ એ જીવન છે’ જેવું સૂત્ર બહુ ચવાયેલું, પણ સાચું છે. છતાં એ હકીકત છે કે કુદરતી સંસાધનોને આપણે કેવળ આપણા ઉપયોગ પૂરતાં મૂલવતાં હોઈએ છીએ. મનુષ્યને એ કશા કામમાં લાગે તો એ ચીજ કામની, નહીંતર નકામી. ખરેખર તો કુદરતમાં કોઈ ચીજ નકામી નથી, કેમ કે, કુદરતી સર્જનમાં માનવ કેન્‍દ્રસ્થાને નથી જ નથી.

પૃથ્વી પર જળસંકટ તોળાવાનો ખતરો દિનબદિન વધી રહ્યો છે અને એ બાબતે જે દૃષ્ટિકોણ અપનાવાય છે એમાં માનવજરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે છે. આને કારણે જીવન માટે અમૂલ્ય જણાતો પાણી જેવો નૈસર્ગિક સ્રોત વ્યાપારી જણસ બની ગયો છે, જેને વેચી કે ખરીદી શકાય છે. આથી જળાશયોને થતું કોઈ પણ પ્રકારનું નુકસાન કેવળ માનવહિતના ત્રાજવે જ તોળવામાં આવે છે. આવો, માનવકેન્‍દ્રી અભિગમ સરવાળે એ બાબતનો દ્યોતક છે કે માનવેતર ચીજો કેવળ માનવની જરૂરિયાતોને સંતોષવા કે તેમના ઉપભોગ માટે છે. આથી પર્યાવરણને અસર કરનાર કોઈ પણ પ્રકલ્પની પર્યાવરણ પર થનારી સંભવિત અસરોને પણ માનવદૃષ્ટિએ અથવા તો માનવના લાભાલાભ પૂરતી જ ધ્યાનમાં લેવામાં આવે છે. પર્યાવરણને થતા નુકસાનના ભોગે આર્થિક વિકાસ થતો હોય તો તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.

ખરું જોતાં માનવો પ્રકૃતિથી અલગ નથી, બલ્કે તેનો જ હિસ્સો છે અને પૃથ્વી પરના પ્રત્યેક જીવનું હિત એકમેક સાથે સંકળાયેલું છે. આ મુખ્ય મુદ્દાને લક્ષમાં રાખીને એક એવી વાત પર ચર્ચા શરૂ થઈ છે કે પ્રત્યેક પ્રજાતિ તેમજ પર્યાવરણપ્રણાલીને હક લાગુ પડવા જોઈએ. આમાં નદી, પર્વત તેમજ ખુદ પૃથ્વીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આના પ્રારંભિક અમલરૂપે 2021માં કેનેડાની મેગ્પાઈ નદીને એક જીવિત વ્યક્તિ ગણીને તેને હક પ્રદાન કરવામાં આવ્યા. કેનેડાની જળવિદ્યુત પરિયોજના હાઈડ્રો ક્વેબેક થકી પર્યાવરણને થયેલા નુકસાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. તે માટેની ઘોષણામાં લાબ્રાડોર-ક્વેબેક દ્વીપકલ્પના મોટા ભાગનાં સ્થાનિક લોકોના રક્ષણ માટેના પ્રયાસો સામેલ હતા. કેનેડામાં આ પ્રકારની ઘોષણા અને નિર્ણય પહેલવહેલી વાર કરાયાં છે.

તેના થકી આ નદીની કાનૂની ઓળખ બનાવવાનો મુખ્ય હેતુ છે. આ નિર્ણયને આનુષંગિક બીજા અનેક ઠરાવો પસાર કરાયા, જેને પગલે નદીને નવ કાનૂની હકો તેમજ તેના રક્ષક તરીકે સ્થાનિક લોકોને સ્થાપવામાં આવ્યા. નદીને પ્રદાન કરાયેલા હકોમાં તેને જીવવાનો, અસ્તિત્વ ધરાવવાનો, વહેવાનો, પ્રદૂષણમુક્ત રહેવાનો અને દાવો કરવાનો હક મુખ્ય કહી શકાય. આ નદી સાથે જેમનું જીવન જોડાયેલું છે એવા સ્થાનિકો તમામ નિર્ણયપ્રક્રિયામાં સામેલ હશે અને નદી વતી દાવો કરી શકશે યા નદીને કોઈ પણ રીતે નુકસાન થાય તો વળતર માંગી શકશે. અલબત્ત, હજી એ બાબત અસ્પષ્ટ રહી છે કે નદી પર નિર્માણ થનારી વિકાસયોજનાઓને આ શી રીતે અસર કરશે, જેમાં બંધનો પણ સમાવેશ થાય છે. કેમ કે, કેનેડાના કાનૂનમાં હજી પ્રકૃતિના માનવસ્વરૂપને લગતા કાનૂનનું અસ્તિત્વ નથી, અને તેને અદાલતમાં પડકારી શકાય છે.

એક વાત છે કે આ પ્રકારની પહેલ ભલે મોડી તો મોડી, પણ આવકાર્ય કહી શકાય એવી છે. આનો વ્યાપ હજી વિસ્તારવામાં આવે તો અત્યાર સુધી જે નુકસાન થયું છે એ કદાચ મટી ન શકે, પણ હવે પછી થનારું નુકસાન અટકે એવી સંભાવના ખરી. કેનેડામાં આ અખતરો અપનાવાય તો વિશ્વના અન્ય દેશો પણ તેને અનુસરી શકે એમ બને.આ ઉપક્રમ અને તેની પાછળ રહેલો હેતુ બેશક ઉમદા છે, પણ એ જોવાનું રહે છે કે તેનો અમલ કેવોક રહે છે.

કેમ કે, હરેક કાનૂનનો હેતુ સારો હોવા છતાં છેવટે એ લખાયેલા અક્ષરો છે. તેનું અર્થઘટન કે અનર્થઘટન ઈરાદા પર અવલંબે છે. બીજું કે આખરે આ કાનૂન માનવે પોતે ઘડેલો છે. એટલે પોતાના લાભ ખાતર એ તેને તોડીમરોડી શકે એ શક્યતા નકારી શકાય એમ નથી. નદીને જીવિત વ્યક્તિ ગણવામાં આવી છે, પણ હકીકતમાં એ એવી ન હોવાથી કાયદાનો અમલ કરનારા દલા તરવાડીની નીતિ અપનાવી શકે એ ભય અસ્થાને નથી. જે હોય એ, આ બધી હજી પછીની વાત છે. એટલું આશ્વાસન લઈ શકાય કે માનવે કુદરતને કરેલા નુકસાનની માત્રામાં થોડો ઘણો ઘટાડો થાય, થોડી ઘણી જાગૃતિ આવે તોય આવા કાનૂનનો હેતુ બર આવ્યો ગણાશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top