SURAT

આકાશમાં પક્ષી અથડાય તો વિમાનનાં એન્જીનની બ્લેડ આટલી બધી ડેમેજ થઈ જાય..!?

સુરત: રવિવારે ઇન્ડિગોની સુરત-દિલ્હી ફ્લાઈટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનાં મામલે ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર DGCA ની ટીમ દ્વારા એરક્રાફ્ટનું નિરીક્ષણ કરાયું હતું. ઇન્ડિગોના વિમાનનાં એન્જીનની બ્લેડ જે હદે ડેમેજ થઈ છે એ જોતાં બર્ડ હીટમાં આવું શક્ય બને એવો પ્રશ્ન થઈ રહ્યોં છે. તો શું સુરત એરપોર્ટ કોઈ પ્રાણી ટેક ઓફ વખતે એન્જીનમાં આવી ગયું હોય શકે છે. સુરત એરપોર્ટ ઓથોરિટીને રનવે કે એરપોર્ટ એરિયામાં પશુ, પક્ષી કપાયાના કોઈ ચિન્હ મળ્યાં નથી. તો શું એન્જીનની બ્લેડ અગાઉથી ખરાબ હતી એવાં પ્રશ્નો પણ ઊભા થયા છે.

બર્ડહીટનો મેસેજ મળ્યાં પછી ગઈકાલે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રન-વે ઉપર ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં કોઇ શંકાસ્પદ પાર્ટ મળ્યાં ન હતાં. એટીસીમાં મેસેજ આવ્યા પછી ફરી એક વાર રન-વે પર તપાસ કરવામાં આવી હતી. પણ કશું શંકાસ્પદ મળ્યું ન હતું. એવિએશનનાં નિયમ પ્રમાણે બર્ડહીટની ઘટનાની જાણ વન-વિભાગને પણ કરવામાં આવી છે. જોકે ઇન્ડિગોના સ્ટેશન મેનેજરે આ મામલે મૌન ધારણ કર્યું છે અને ડિજીસીએની ઇન્કવાયરી ચાલી રહી હોવાથી તેઓ કશું કહેવા માંગતા નથી એમ પત્રકારોને જણાવ્યું હતું.

મૃત પક્ષી અને પ્રાણીની ગણતરી આ રીતે કરે છે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગ પછી એરપોર્ટ ઓપરેશનલ એરિયાનું ઇન્સ્પેક્શન કરે છે. કોઈક વાર ઓપરેશનલ એરિયામાં પક્ષી મૃત મળી આવે કે ઘવાયેલી હાલતમાં મળી આવે તો એ ઘટનાને બર્ડ હીટ ગણવામાં આવે છે. ગઇકાલની ઘટનામાં પશુ,પક્ષીને લગતાં કોઈ અવશેષ મળ્યાં નથી. દેશમાં બર્ડ હીટની ઘટનામાં સુરત બદનામ છે. એનો દેશભરનાં બર્ડ હીટની સંભાવના વાળા 60 એરપોર્ટમાં 5 મો ક્રમ આવે છે.

સુરત એરપોર્ટ પર બર્ડ હીટ રોકવા માટે વિમાન ટેક ઓફ કરે એ પેહલા ગેસ ગનનો ઉપયોગ થાય છે
બર્ડ હીટ રોકવા માટે એરપોર્ટ પર ગેસ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. એ માટે કર્મચારીઓની નિયુક્તિ પણ 4 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. કેટલીક વાર પક્ષીઓ ભગાડવા ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે ફટાકડા પણ ફોડવામાં આવે છે. એરપોર્ટના આસપાસના એરિયામાં નોન વેજ ચીજ-વસ્તુ વેચાણ પર પ્રતિંબંધ મુકાયો છે. એટલુંજ નહીં એની પ્રિમાઈસીસ બહાર દીવાલને અડીને કચરાના ઢગલા કરવા પર પણ પ્રતિબંધ છે.

Most Popular

To Top