Business

મુસ્લિમ મહિલાને સરકાર શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત રાખી શકે ખરી?

કર્ણાટકની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને હાઈ કોર્ટે પણ પોતાના વચગાળાના આદેશમાં તેને અનુમોદન આપ્યું, તેને કારણે કેટલાક મૂળભૂત બંધારણીય સવાલો પેદા થયા છે. કર્ણાટક હાઈ કોર્ટમાં તેની ચર્ચા ચાલી રહી છે. કર્ણાટક હાઈ કોર્ટના વિદ્વાન જજ સાહેબો હવે એ નક્કી કરવા માગે છે કે જાહેરમાં હિજબ પહેરીને નીકળવું તે બંધારણની ૨૫ (૧) કલમ મુજબની આવશ્યક ક્રિયા છે કે કેમ? આ માટે કુરાન તેમ જ અન્ય ઇસ્લામિક ધાર્મિક ગ્રંથોની મદદ લેવી પડશે. હાઈ કોર્ટની વાત એવી છે કે જો મુસ્લિમ કન્યાઓ સાબિત કરી શકે કે હિજબ ઇસ્લામનો આવશ્યક હિસ્સો છે, તો કોર્ટ તેની પરવાનગી આપી શકે છે. જો કે રાજ્ય સરકારના વકીલ તો એમ કહે છે કે જો હિજબ ઇસ્લામનો આવશ્યક હિસ્સો સાબિત થાય તો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં તેની પરવાનગી આપી શકાય નહીં. સરકારી વકીલના કહેવા મુજબ ધાર્મિક અધિકારો પણ જાહેર શાંતિ અને નૈતિકતાને અધીન હોય છે. જો કોઈ ધાર્મિક ક્રિયાને કારણે જાહેર શાંતિ જોખમાતી હોય તો સરકાર તેને પણ નિયંત્રિત કરી શકે છે. હિજબના વિવાદ બાબતમાં સરકાર કહી શકે છે કે તેનાથી જાહેર શાંતિ જોખમાઈ ગઈ છે, માટે તેના પર પ્રતિબંધ છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે હાઈ કોર્ટ આખા સવાલને જુદા દૃષ્ટિકોણથી મૂલવી રહી છે. કર્ણાટકની મુસ્લિમ કન્યાઓએ હાઈ કોર્ટનો આશરો પોતાના હિજબ પહેરવાના ધાર્મિક અધિકારની રક્ષા માટે નથી લીધો, પણ પોતાના શિક્ષણ પ્રાપ્ત કરવાના મૂળભૂત અધિકારની રક્ષા માટે લીધો છે. સારું શિક્ષણ મેળવવું તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, જે જીવન જીવવાના મૂળભૂત અધિકારનો હિસ્સો છે. કર્ણાટક સરકારે હિજબના બહાને મુસ્લિમ મહિલાઓના શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે તેમનો શિક્ષણનો અધિકાર ખતરામાં મૂકાઈ ગયો છે. કર્ણાટક હાઈ કોર્ટનું કામ મહિલાઓના આ મૂળભૂત અધિકારની રક્ષા કરવાનું છે. કર્ણાટકમાં મુસ્લિમ કન્યાઓએ હિજબ પહેરવાનો આગ્રહ રાખ્યો ત્યારે હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવો ખેસ પહેરીને શૈક્ષણિક સંસ્થાઓમાં આવવાનો આગ્રહ રાખ્યો હતો. રાજ્ય સરકારે તેને કાયદો અને વ્યવસ્થાનો સવાલ બનાવી દીધો હતો. જેમ હિજબ પહેરવાને કારણે કાયદો અને વ્યવસ્થા તૂટી ન પડે તેમ ભગવો ખેસ પહેરવાને કારણે પણ કાયદો અને વ્યવસ્થા તૂટી પડવાની સંભાવના નહોતી. હકીકતમાં હિન્દુઓ દ્વારા હિજબનો હિંસક વિરોધ કરવાને કારણે કાયદો અને વ્યવસ્થા પર ખતરો પેદા થયો હતો. તેવી રીતે મુસ્લિમ મહિલાઓ દ્વારા ભગવા ખેસનો વિરોધ કરવાને કારણે કાયદો અને વ્યવસ્થા જોખમમાં મૂકાઈ ગયા હતા. સરકારે જો કાયદો અને વ્યવસ્થા જાળવવા હતા તો હિજબનો અને ભગવા ખેસનો વિરોધ કરવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર હતી. તેને બદલે સરકારે હિજબ અને ભગવા ખેસ પર પ્રતિબંધ મૂકીને પાડાના વાંકે પખાલીને ડામ દીધો છે.

કર્ણાટક હાઈ કોર્ટ સમક્ષ હિજબનો વિવાદ આવ્યો ત્યારે તેણે પણ હિજબ પહેરીને આવતી મુસ્લિમ મહિલાઓને અને ભગવા ખેસ પહેરીને આવતા હિન્દુ વિદ્યાર્થીઓને એક લાકડીએ હાંક્યા હતા. હાઈ કોર્ટે વચગાળાના આદેશમાં બંને પર કામચલાઉ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. હકીકતમાં મુસ્લિમ મહિલાઓના હિજબની સરખામણી હિન્દુ યુવાનોના ભગવા ખેસ સાથે કરી શકાય નહીં. મુસ્લિમ મહિલાઓ સદીઓથી જાહેર સ્થળો પર હિજબ પહેરતી આવી છે. તે તેમની સંસ્કૃતિ છે અને ધાર્મિક પરંપરા પણ છે. આ મહિલાઓ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હિજબ પહેરીને આવતી હતી ત્યારે તેમને કોઈ અટકાવતું નહોતું. હવે તેમને કટ્ટર હિન્દુઓના વિરોધને કારણે અટકાવવામાં આવી રહી છે. બીજી બાજુ સનાતન ધર્મના કોઈ શાસ્ત્રમાં ભગવો ખેસ ધારણ કરવાનું કહેવામાં આવ્યું નથી. ભગવો ખેસ તો ભાજપનું પ્રતીક છે. કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય પક્ષાંતર કરીને ભાજપમાં આવે ત્યારે તેને ભગવો ખેસ પહેરાવીને આવકારવામાં આવે છે. આ કોઈ સનાતન ધર્મની પરંપરા નથી. હાઈ કોર્ટે બંને પર પ્રતિબંધ ફરમાવીને બંનેને એક ત્રાજવે તોળવાની ભૂલ કરી છે.

કર્ણાટક હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ મહિલાઓના વકીલે રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું બ્રાહ્મણ છું. મારો પુત્ર સ્કૂલમાં જાય ત્યારે શરીર પર જનોઈ પહેરીને જાય છે અને કપાળમાં મોટું તિલક કરીને જાય છે, જે સનાતન ધર્મનાં પ્રતીકો છે. જો સેક્યુલર ગણાતી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ ધર્મનાં પ્રતીકોની પરવાનગી ન આપી શકાતી હોય તો સનાતન ધર્મનાં પ્રતીકોની પરવાનગી કેમ અપાય છે? હકીકતમાં સરકારે બંનેની પરવાનગી આપવી જોઈએ. હાઈ કોર્ટના સરકારી વકીલ કામતે સુનાવણી દરમિયાન રસપ્રદ વાત કરી હતી કે કેન્દ્રીય વિદ્યાલયોમાં પણ યુનિફોર્મ હોવા છતાં સંચાલકો દ્વારા મુસ્લિમ મહિલાઓ યુનિફોર્મના રંગનો હિજબ પહેરે તો તેની પરવાનગી આપવામાં આવે છે.

મુસ્લિમ મહિલાઓ દ્વારા હાઈ કોર્ટ સમક્ષ માગણી કરવામાં આવી હતી કે જો કેન્દ્રીય વિદ્યાલયમાં તેવી પરવાનગી આપવામાં આવતી હોય તો રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેવી પરવાનગી આપવી જોઈએ. હકીકતમાં અહીં સવાલ એ પૂછાવો જોઈએ કે શૈક્ષણિક સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ આપવાનો છે. વિદ્યાર્થી દ્વારા હિજબ કે ભગવો ખેસ પહેરવાને કારણે તેનું શૈક્ષણિક કાર્ય બગડતું ન હોય તો તેના પર પ્રતિબંધ શા માટે મૂકવો જોઈએ? વળી દેશની મોટા ભાગની કોલેજોમાં કોઈ યુનિફોર્મ નથી. ત્યાં વિદ્યાર્થીઓ તેમને ઠીક લાગે તે વસ્ત્રો ધારણ કરીને ભણવા આવી શકે છે. કેટલીક કોલેજોમાં શિષ્ટતાનો ભંગ ન થાય તે માટે ડ્રેસ કોડ હોય છે, પણ યુનિફોર્મ હોતો નથી. હિજબ પહેરવાથી શિષ્ટતાનો ભંગ થતો નથી; તો પછી તેને પ્રતિબંધિત કરવાનું કોઈ કારણ નથી. મુસ્લિમ કોમ પ્રત્યે દ્વેષ ધરાવતા કેટલાંક લોકોને ઇસ્લામનાં કેટલાંક પ્રતીકો પસંદ ન હોય તેટલા માત્રથી સરકારને તેના પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર મળી જતો નથી.

ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરવામાં આવે છે, પણ હકીકતમાં ભારતની સરકાર ધર્મનિરપેક્ષ રીતે દેશનો વહીવટ કરતી નથી. જાહેરમાં બહુમતી હિન્દુઓનાં ધાર્મિક પ્રતીકો સામે વાંધો ઉઠાવવામાં આવતો નથી; પણ લઘુમતીઓનાં ધાર્મિક પ્રતીકો સામે વાંધો ઉઠાવવામાં આવે છે. દાખલા તરીકે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બધી બસોમાં કોઈ ને કોઈ હિન્દુ દેવી-દેવતાના ફોટા જોવા મળે છે, કારણ કે ડ્રાઇવર અને કન્ડક્ટર સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા હોય છે. સેક્યુલર દેશના વડા પ્રધાન મંદિરમાં જઈને પૂજા કરે તેનું લાઇવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવે છે. તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો ભંગ થતો નથી. સરકારી સ્કૂલોમાં સરસ્વતી દેવીની પ્રાર્થના ગવડાવવામાં આવે છે, તેમાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતનો ભંગ થતો નથી; પણ મુસ્લિમ મહિલા હિજબ પહેરીને સ્કૂલમાં આવે તેમાં બિનસાંપ્રદાયિકતા જોખમાઈ જાય છે. હકીકતમાં મૂળભૂત સવાલ એ પૂછાવો જોઈએ કે શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મની શું જરૂર છે? શું યુનિફોર્મ વગર શૈક્ષણિક કાર્ય કરી ન શકાય? શું યુનિફોર્મ પહેરવાથી શિક્ષણની ગુણવત્તા સુધરી જશે? ભારતની કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પશ્ચિમી સંસ્કૃતિના પ્રતીક જેવી ટાઈ પહેરવાના નિયમનો વિરોધ નથી થતો; પણ હિજબ કે ભગવા ખેસ પહેરવાનો વિરોધ કરવામાં આવે છે તે કેટલું ઉચિત છે? 

Most Popular

To Top