World

અમેરિકા અને ચીનની મધ્યસ્થી બાદ કંબોડિયાએ થાઇલેન્ડ સાથે યુદ્ધવિરામની ઘોષણા કરી

થાઈલેન્ડ સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે લડાઈ તાત્કાલિક બંધ કરવાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાની અપેક્ષા છે. ચીન અને અમેરિકાએ આ યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી છે. આજે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ હતી.

થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ અને કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટ આ બેઠકમાં ભાગ લેશે. મલેશિયા આ બેઠકનું નેતૃત્વ કરશે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ગોળીબાર થયો છે. આમાં 33 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગના નાગરિકો છે. મલેશિયા હાલમાં દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠન ASEANનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. તેણે બંને દેશોને વાટાઘાટોના ટેબલ પર બોલાવ્યા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું હતું કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સંઘર્ષનું નિરાકરણ તેમના માટે સરળ કાર્ય છે કારણ કે તેમણે અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું નિરાકરણ કર્યું છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમણે થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓને ચેતવણી આપી છે કે જો યુદ્ધ બંધ નહીં થાય તો અમેરિકા વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. દરમિયાન અલ જઝીરાના અહેવાલ મુજબ બંને રાષ્ટ્રના વડાઓ સાથે ટ્રમ્પની વાતચીત પછી પણ રવિવારે સવારે થાઇલેન્ડ અને કંબોડિયાએ ફરીથી એકબીજા પર તોપોથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો.

શનિવારે અગાઉ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓ તાત્કાલિક યુદ્ધવિરામ વાટાઘાટો માટે સંમત થયા છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ યુદ્ધ મને ભારત-પાકિસ્તાન સંઘર્ષની યાદ અપાવે છે જેને અમે સફળતાપૂર્વક અટકાવી દીધો હતો. ટ્રમ્પે શનિવારે વેપાર કરાર બંધ કરવાની ધમકી પણ આપી હતી. યુએસ રાષ્ટ્રપતિએ શનિવારે તેમની સ્કોટલેન્ડ મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ત્રણ દિવસથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે, તેમણે બંને દેશો સાથે સીધી વાત કરી અને સ્પષ્ટ કર્યું કે જો સંઘર્ષ ચાલુ રહેશે તો અમેરિકા કોઈપણ વેપાર કરારમાં પ્રવેશ કરશે નહીં.

ટ્રમ્પે લખ્યું – બંને પક્ષો તાત્કાલિક યુદ્ધવિરામ અને શાંતિ ઇચ્છે છે. મેં કંબોડિયાના વડા પ્રધાન હુન માનેત અને થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ સાથે અલગથી વાત કરી છે. આ દરમિયાન થાઈલેન્ડના વડા પ્રધાન ફુમથમે ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે થાઈલેન્ડ યુદ્ધવિરામ માટે તૈયાર છે પરંતુ આ માટે કંબોડિયાએ પણ ગંભીર બનવાની જરૂર છે.

Most Popular

To Top