એક ગામનો સૌથી અમીર માણસ થોડા દિવસ પોતાના ગામમાં ફરવા આવ્યો..તે ખેતર અને ફળોની વાડીમાં સાંજના લટાર લગાવી રહ્યો હતો ત્યારે તેના હાથની મોંઘી ઘડિયાળ ક્યાંક પડી ગઈ….થોડીવાર પછી તેનું જયારે ધ્યાન ગયું કે કાંડા પર ઘડિયાળ નથી તેને બુમા બુમ કરી મૂકી અને ખેતરમાં કામ કરતા મજુરો ..નોકરો…. ફળની વાડીના રખેવાળ …બગીચાના માળી…તે બધાનાં ઘરવાળા બધાજ ત્યાં દોડી આવ્યા…અમીર શેઠે બધાને બધા કામ પડતા મૂકી સૌથી પહેલાં પોતાની લાખો રૂપિયાની ઘડિયાળ શોધવા કહ્યું …..
શેઠનો હુકમ થતાં બધા ખેતરોમાં અને ફળોની મોટી વાડીમાં આમતેમ દોડી શેઠની ઘડિયાળ શોધવા લાગ્યા …બહુ વાર સુધી શોધાશોધ ચાલી પણ કોઈને પણ ઘડિયાળ મળી નહિ…..હવે બધા શોધી શોધીને થાક્યા હતા …અમીર શેઠને લાગ્યું હવે ઘડિયાળ નહિ મળે નક્કી કોઈ ઉઠાવી ગયું હશે..શેઠ બોલ્યા, ‘જે મને આ ઘડિયાળ શોધી આપશે તેને હું ઇનામ આપીશ’ મનમાં એમ વિચાર્યું કે કદાચ કોઈએ લીધી હોય તો આપી દે ..અને કોઈએ ન લીધી હોય તો બધા બમણી મહેનતથી ઘડિયાળ શોધે.
થોડીવાર રહીને શેઠની ફળોની વાડીના રખેવાળનો કિશોર વયનો દીકરો શેઠ પાસે આવ્યો અને કહ્યું, ‘શેઠજી હું તમારી ઘડિયાળ ચોક્કસ શોધી આપીશ પણ સૌથી પહેલાં તમે બધાને વાળીને બહાર જતા રહેવાનું કહો…’શેઠજીએ બધાને વાડી અને ખેતર ખાલી કરી દુર જવા કહ્યું પોતે પણ વાડીની બહાર નીકળી દુર બગીમાં જઈને બેઠા.
થોડા કલાકો બાદ પેલો કિશોર હાથમાં શેઠની ઘડિયાળ લઈને દોડતો તેમની બગી તરફ આવ્યો.તેના હાથમાં ઘડિયાળ જોઇને શેઠને નવાઈ લાગી કે આટલી મોટી વાડીમાંથી અને ખેતરમાંથી આટલા બધા લોકો શોધતા હતા તો ઘડિયાળ ન મળી અને આ છોકરાને કઈ રીતે મળી ગઈ.
શેઠે ઘડિયાળ લઈને પોતાના કાંડે બાંધી લીધી ..છોકરાને ઇનામ આપ્યું અને પછી પૂછ્યું, ‘આટલા બધા મળીને ઘડિયાળ ન શોધી શક્યા..અને તે એકલાએ કઈ રીતે શોધી કાઢી ??’ હોશિયાર કિશોરે જવાબ આપ્યો, ‘શેઠજી મેં કઈ જ નથી કર્યું….બધા બહાર ગયા પછી હું એકદમ શાંતિથી વધારે હલન ચલન વિના વાડીમાં દરેક સ્થળે ગયો અને એક જગ્યાએ મને ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાયો મેં ત્યાં શોધ કરી અને મને ઘડિયાળ મળી ગઈ.’ જીવનમાં પણ ગમે તે મુશ્કેલી આવે મગજ શાંત હશે તો દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકાશે..શાંત મન અને મગજ હમેંશા વધુ સારું કામ કરી શકે છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.