અમદાવાદ: ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે આકાશમાં પતંગ દોરીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. તેવામાં શહેરીજનોનો પતંગ અને દોરીનો ઉત્સાહ પશુ-પક્ષીઓ માટે જીવલેણ પણ સાબિત થતો હોય છે, તેવામાં પશુ-પક્ષીઓને દોરીથી ઘાયલ થતા બચાવવા તેમજ ઘાયલ થયા બાદ તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં આ વખતે બે દિવસ દરમિયાનમાં 3500 જેટલા કોલ એનિમલ ઈમરજન્સી સર્વિસને મળ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ ઉતરાયણ અને વાસી ઉતરાયણ એમ બે દિવસ દરમિયાન 3,500 જેટલા પશુ-પક્ષીઓના ઘાયલ થવાના ઇમર્જન્સી કોલ મળ્યા હતા. તાત્કાલિક આ ઘાયલ પશુ-પક્ષીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ તેમને સારવાર આપવામાં આવી હતી. ઉતરાયણ અને વાસી ઉતરાયણ દરમિયાન કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ સેવાને થયેલા કોલ સામાન્ય દિવસોની સરખામણીમાં 16.36%નો વધારો જોવા મળ્યો હતો. આ બંને દિવસો દરમિયાન પક્ષીઓને દોરીથી ઈજા થવાની ઘટનાઓમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદમાં 84.69 ટકા, અરવલ્લીમાં 103.10 ટકા, સુરતમાં 74.99 ટકા, જામનગરમાં 54.71 ટકા, રાજકોટમાં 37.83 ટકા, અને કચ્છમાં 40.94 ટકાનો વધારો જોવા મળ્યો હતો.