સુરત : સુરતમાં (Surat) પોલીસના (Police) પોતાના જ માણસો પોલીસની આઇડી (ID) અને પાસવર્ડ વડે કોલ ડિટેઇલ દિલ્હીની (Delhi) પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચતા હોવાના કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ વિગતોમાં દિલ્હી પોલીસે ધરપકડ કરેલા વિપુલની પુછપરછ દરમિયાન તેને ડીસીપીના જીએસવાન આઇડીનો દૂરઉપયોગ કરીને ટેલીકોમ કંપની પાસેથી મેળવવામાં આવતી વિગતોના કોલ રેકોર્ડ વેચી દેવાયા હતા. જેના આધારે ડીસીપી ભાવના પટેલે વિપુલની સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, દિલ્હી પોલીસે જાસૂસી સંસ્થાને પોલીસની પ્રાઇવેટ વિગતો વેચી દેવામાં આવતા હોવાના કૌભાંડમાં દિલ્હી પોલીસે સુરતની ડીસીપી ઓફિસમાં ફરજ બજાવતો મિથુન ચૌધરીને દિલ્હી લઇ જવાયો હતો, તેની પુછપરછમાં કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતો વિપુલ કોરડીયાનું નામ આવતા દિલ્હી પોલીસે વિપુલની ધરપકડ કરી હતી અને મિથુન ચૌધરીનું નિવેદન લઇ તેને જવા દીધો હતો. બીજી તરફ વિપુલ ચૌધરીની પુછપરછ દરમિયાન તેને પોતાના જ પોલીસ મથકમાં અધિકારીઓના પાસવર્ડ અને આઇડી ચોરી કરીને તેઓના કોલ ડિટેઇલ્સને ચોરી કરીને દિલ્હીની જાસૂસી સંસ્થાને રૂા.25 હજારમાં વેચતો હોવાનું કબૂલ્યું હતું. આ ઉપરાંત વિપુલે ડીસીપી ઓફિસના જીએસવાનની આઇડીનો દૂરઉપયોગ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ ફાલસાવાડી સ્થિત મહિધરપુરા પોલીસ સ્ટેશનની ઉપર આવેલી તેમની કચેરીના જીએસવાન ઇમેઇલ આઇડીના યુઝરનેમ તથા પાસવર્ડ ગમે તે રીતે મેળવી અથવા હેક કરી તેમની જાણ અને સંમતી વગર ઓપન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જે તે ટેલીકોમ કંપનીના નોડલ ઓફીસરને કરવામાં આવતા ઇમેઇલમાં ટેક્સ ફોર્મેટમાં એડીટીંગ કરી ઇલેકટ્રોનીક રેકર્ડ સાથે ચેડા કરી ખોટી રીતે દિલ્હીના એક વ્યક્તિ તેમજ અન્યોના મોબાઇલ નંબરોની ખોટી રીતે કોલ ડીટેઇલ્સ મંગાવવામાં આવી હતી. આ અંગે ડીસીપી ભાવના પટેલે વિપુલની સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.