Comments

કેલિફોર્નિયાની આગ, પવનનું તોફાન અને દુષ્કાળઃ કુદરત સામે મનુષ્યની લાચારીનો બેનમૂન દાખલો છે

એક કહેવત છે કે, ‘ઘરની ઊઠી વનમાં ગઈ તો વનમાંય દવ લાગ્યો’એટલે મુશ્કેલીઓથી ભાગી છૂટવા ગામ છોડ્યું, ઘર છોડ્યું અને જંગલનો રસ્તો પકડ્યો તો પણ તકદીર એટલું કાઠું કે જંગલમાં માંડ ઝૂંપડી બાંધીને ઠરીઠામ રહેવાનું શરૂ કર્યું ત્યાં તો જંગલમાંય ભયાનક આગ એટલે કે દાવાનળ ‘દવ’લાગ્યો. અમેરિકાના લૉસ એન્જલિસમાં કાંઈક આવું જ થયું છે. ત્યાં એક ભયાનક આગ લાગી છે કે, લૉસ એન્જલસનાં રહેવાસીઓ સલામત જગ્યાની શોધમાં ભાગી છૂટ્યાં છે. ઘણાં બધાં બાંધકામ આ આગના ખપ્પરમાં હોમાઈ ગયાં છે.

૩૦,૦૦૦ જેટલાં લૉસ એન્જલસનાં રહેવાસીઓને સરકાર દ્વારા તેમના હાલનાં રહેઠાણ ખાલી કરાવી સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે, કારણ કે, ત્યાંનાં જંગલોમાં લાગેલ આગ પર્વતોના ઢોળાવો ઉપરથી બહુ ઝડપથી તળેટી તરફ ફેલાઈ રહી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગાવીનના કહેવા મુજબ ઘણાં બધાં બાંધકામો આ આગમાં સપડાઈને નાશ પામ્યાં છે. જંગલમાંથી આ ભયાનક દાવાનળને કારણે ઊઠી રહેલ ધૂમાડાના ગોટેગોટા પેસિફિકના કિનારાના હાઇ વેને સમાંતર કેલિફોર્નિયા રાજ્યના સાંતામોનિકામાં આગળ વધી રહ્યા છે. આ દાવાનળને સુસવાટા મારતો પવન સેલિબ્રેટી એટલે કે અતિવિખ્યાત લોકો જ્યાં રહે છે તેમનાં રહેઠાણોના વિસ્તારને ભેદીને સુસવાટા કરતો બધે ફેલાવી રહ્યો છે. આકાશમાં ઊઠી રહેલા ધૂમાડાના ગોટેગોટાના કારણે જે ભયાનક દશ્યો સર્જાયાં છે તેનાથી ગભરાઈને ભાગાભાગી કરેલાં સ્થાનિક રહેવાસીઓને કારણે એવી અફરાતફરી સર્જાઈ છે કે, મોટા મોટા રસ્તા ઉપર ટ્રાફિક જામ એક સામાન્ય દૃશ્ય બની ગયું છે.

ભય એટલો બધો હતો કે, ટ્રાફિક જામમાં ફસાયેલ લોકો પોતાના વાહનને જેમનું તેમ છોડીને જે કાંઈ લઈ જઈ શકાય તે સામાન સાથે પગે ચાલીને ભાગી રહ્યા છે. આ દશ્ય અભૂતપૂર્વ છે અને લોકોમાં કેવો ભયનો માહોલ છે તેનું તાદશ નિરૂપણ કરે છે. અમેરિકા જેવા દેશના એક સમૃદ્ધ રાજ્ય કેલિફોર્નિયામાં આવું બની શકે તેની કલ્પના પણ કરવી દુષ્કર હતી, તેને બદલે આજે ખરાબમાં ખરાબ શક્યતાઓ વાસ્તવિક બનીને ત્યાંના અત્યંત સુખ-સાહ્યબીભર્યાં નાગરિકો સામે પોતાના વિકરાળ ચહેરે ઘુરકિયાં કરી રહી છે. સંપૂર્ણ અફરાતફરીના માહોલ વચ્ચે અગ્નિશામક બચાવ પ્રવૃત્તિઓ પણ ઝાઝી મદદરૂપ થઈ શકે તેમ નથી. કેટલાક વિસ્તારોમાં આકાશમાં હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરાયો છે.

આટલું અપૂરતું હોય તેમ દક્ષિણ કેલિફોર્નિયામાં એક વાવાઝોડું આવી રહ્યું છે, જેને કારણે કલાકના સો માઇલ કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પોલીસે લોકોના સલામત સ્થળાંતર માટે ઘણા વિસ્તારમાં કરફ્યુ જાહેર કર્યો છે. જો કે આટલી વિનાશક આગ છતાં અત્યાર સુધીમાં ૨૫ લોકોનાં જ મોતના સમાચાર છે. તે સામે પોલીસે અત્યાર સુધીમાં ૫૦ લોકોની લૂંટફાટ, ફાયર એરિયામાં ડ્રોન ઉડાડવા અને કરફ્યુના ઉલ્લંઘન જેવા આરોપોસર ધરપકડ કરી છે.

અત્યાર સુધીમાં પેલીસેડ્સના જંગલોએ એમ લાગેલી માત્ર ૧૮ ટકા આગ પર કાબૂ મેળવી શકાયો છે. કેલિફોર્નિયામાં ઘણાં વર્ષોથી દુષ્કાળની સ્થિતિ છે જેને કારણે અહીં ભેજની કમી છે. આ રાજ્ય અમેરિકાના અન્ય વિસ્તારો કરતાં વધુ ગરમ છે. આ કારણે અહીં ઉનાળામાં અવારનવાર આગ લાગે છે. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. કેલિફોર્નિયામાં જંગલોની નજીક રહેણાંક વિસ્તારો વધ્યા છે જેને કારણે આગ લાગવાના કિસ્સામાં વધુ નુકસાન થાય છે. આ સિઝનમાં દક્ષિણ કેલિફોર્નિયામાં માત્ર પા સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો છે, જેને કારણે ફૂંકાઈ રહેલા ગરમ પવને વાતાવરણને એકદમ ગરમીથી ભરી દીધું છે. આમ, અમેરિકાનો એક ખૂબ સમૃદ્ધ ગણાતો વિસ્તાર દુષ્કાળ, આગ અને પવનના તોફાન જેવાં ત્રણ કુદરતી સંકટોનો સામનો કરી રહ્યું છે અને ટેક્નોલૉજી તેમજ  સુવિધાઓની દૃષ્ટિએ એકદમ અગ્રણી એવા આ દેશમાં પણ આ આપત્તિ સામે માણસ લાચાર છે..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top