Madhya Gujarat

શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં હૃદયની ધમનીમાં રહેલા કેલ્શિફિકેશનને દૂર કરાયું

આણંદ : કરમસદના શ્રીકૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટર ખાતે વિશ્વ કક્ષાની નવીન ડાયમંડ ક્રાઉન ટેકનોલોજીની મદદથી હૃદયની ધમનીમાં રહેલા વધુ માત્રાના કેલ્શિફિકેશનને દુર કરવાની સારવાર આપવામાં આવી હતી. આ ટેકનોલોજીનો અમેરિકામાં છેલ્લા દસ વર્ષથી ઉપયોગ થાય છે. જે સુવિધા હવે ચરોતરમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરમાં ઉપલબ્ધ છે. આ પ્રકારની પ્રક્રિયા આણંદ – ખેડા ખાતે પ્રથમ વખત કરાઇ છે.

નડિયાદના વતની 71 વર્ષિય વૃદ્ધ હાયપર ટેન્શનથી પીડાતાં હતાં તથા છેલ્લા કેટલાક અઠવાડિયાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેનું કારણ જાણવા માટે તેના લોહીના રિપોર્ટ અને ઇકો કાર્ડિયોગ્રામ કરવામાં આવ્યાં હતાં. જે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યાં હતાં. બાદમાં સ્ટ્રેસ એક્સરસાઇઝ – ટીએમટી ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેઓ પ્રથમ ચરણ પૂર્ણ કરી શક્યાં નહતાં અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાદમાં દર્દીને હોસ્પિટલની કેથલેબમાં એન્જિયોગ્રામ કરવામાં આવ્યો હતો. તેમાં હૃદયની મુખ્ય ધમનીમાં 70 ટકા કેલ્શિફિકેશન હોવાનું જણાયું હતું.

વધુમાં રિપોર્ટમાં આઈએફઆર ટેસ્ટ (પ્રેસર સેન્સર વાયર ડિવાઇસ)ની મદદથી હૃદયના સ્નાયુમાં લોહી ઓછું પહોંચે છે તથા ધમનીમાં રહેલા કેલ્શ્યમના અવરોધ દૂર કરવાની જરૂરિયાત છે. તેની ખાતરી કરવામાં આવી હતી. ઇન્ટ્રા વાસ્ક્યુલર અલ્ટ્રા સાઉન્ડ ઇમેજીંગ કેથેટર દ્વારા હૃદયની ધમનીમાં રહેલા બ્લોકેજને ચોક્સાઇથી જોઇ શકાય તે માટે થ્રીડી વિઝ્યુલાઇઝેશનથી હૃદયની ધમનીની અંદર ભારે માત્રામાં કેલ્શ્યમ હોવાની જાણ થઇ હતી.

આથી, દર્દીની સારવારના વિકલ્પો વિશે પરિવાર સાથે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું કે, સ્ટેન્ડ મુકતા પહેલા નવી ટેકનિક ડાયમન્ડ ક્રાઉન દ્વારા હૃદયની ધમનીમાંથી કેલ્શિફિકેશનને દુર કરવામાં આવે. આથી, આ પ્રક્રિયા સ્ટેન્ડને મુકતા પહેલા કરવામાં આવી છે. જેથી દર્દીને લાંબા ગાળામાં ઉત્તમ પરિણામ મળી શકે. નવીન ટેકનોલોજીની મદદથી અન્ય ગુંચવણો પણ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.

હૃદયની ધમનીમાં કેલ્શ્યમના અવરોધોને કારણે હૃદયને નુકશાન પહોંચે છે
દુનિયાભરમાં લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે. જેમાં તમામ ઉંમરના મહિલા – પુરૂષોનો સમાવેશ થાય છે. હૃદયની ધમનીમાં કેલ્શ્યમના અવરોધોને કારણે હૃદયને નુકશાન પહોંચે છે. જેને દુર કરવા માટે હૃદયરોગના નિષ્ણાંતો સતત નવી ટેકનોલોજી અને માધ્યમોની શોધ કરી રહ્યાં છે. ડાયમન્ડ બેક 360 ઓર્બિટલ એથેરેક્ટોમી જે નવીન ટેકનોલોજી છે. જેનો ઉપયોગ ગંભીર હૃદયરોગના દર્દીઓ કે જેમના હૃદયની ધમનીમાં વિપુલ પ્રમાણ કેલ્શિફિકેશન હોય તેમાં કરવામાં આવે છે. જેમાં સારા પરિણામો જોવા મળે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ હાલમાં કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે દર્દીના હૃદયમાં વિપુલ માત્રામાં રહેલા કેલ્શિફિકેશનના અવરોધોને દુર કરવા માટે કરાયો હતો. આ અદ્યતન ટેકનોલોજીની સુવિધા સેન્ટરની અદ્યતન ફિલીપ્સ કેથલેબ ખાતે 24 કલાક કાર્યરત રહે છે.

Most Popular

To Top