નવી દિલ્હી-સુરત: કેન્દ્ર સરકાર દ્વારા એમએસએમઈ (માઈક્રો, સ્મોલ અને મીડિયમ) કક્ષાના એકમો માટે પેમેન્ટનો નવો કાયદો બનાવવામાં આવ્યો છે, તેના લીધે દેશભરના વેપારીઓ ચિંતિત થયા છે. સુરતના કાપડના વેપારીઓ આ કાયદાનું ટેન્શન વધી ગયું છે. આ કાયદાના અમલ અંગે ફેરવિચારણા કરવા બાબતે આજે દેશના સૌથી મોટો વેપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ આજે તા. 14 ફેબ્રુઆરી 2024ના રોજ આયકર કાનૂન 42 (B) H ના મુદ્દે ભારત સરકારના કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનને (FinanceMinisterNirmalaSitharaman) તેમની ઓફિસમાં રૂબરૂ મળ્યા હતા.
ખંડેલવાલે MSME પેમેન્ટના (Payment) કાયદાના વિષય પર કેન્દ્રીય નાણામંત્રીને એક મેમોરેન્ડમ આપતા જણાવ્યું હતું કે, દેશનો વેપારી વર્ગ સરકારના આ પગલાંને આવકારે છે. આ કાયદો વેપારીઓના બહોળા હિતમાં છે પરંતુ માહિતીના અભાવે દેશભરના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં આ કાયદાના અમલને એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવે તેવી વિનંતી ખંડેલવાલે કરી હતી.
CAIT એ શું રજૂઆત કરી?
CAIT એ તેના મેમોરેન્ડમમાં કહ્યું છે કે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે કારણ કે આવકવેરા કાયદામાં આ કલમ ઉમેરવાથી હવે MSME સેક્ટરને તેમના દ્વારા પૂરા પાડવામાં આવતા માલનું પેમેન્ટ વધુમાં વધુ 45 દિવસમાં મળી જશે. જેના કારણે વેપારીઓનો મૂડીપ્રવાહ અટકશે નહીં.પરંતુ આ કાયદો વેપારીઓને લાગુ પડશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, જ્યારે આ કાયદાને લગતા અન્ય ઘણા મુદ્દાઓ છે, જેની સ્પષ્ટતાની જરૂર છે, જેથી કાયદાનું પાલન થઈ શકે.
CAIT ગુજરાતના ચેરમેન પ્રમોદ ભગત અને ગારમેન્ટ કમિટીના રાષ્ટ્રીય ચેરમેન ચંપાલાલ બોથરા એ વિનંતી કરી છે કે જ્યાં સુધી આ કાયદાને લગતા મુદ્દાઓ પર સ્પષ્ટતા ન થાય અને જ્યાં સુધી દેશભરના વેપારીઓને આ કાયદા વિશે પૂરતી માહિતી ન મળે ત્યાં સુધી આ કાયદો સ્થગિત રાખવામાં આવે.
નાણામંત્રીએ શું જવાબ આપ્યો?
એમએસએમઈ પેમેન્ટના નવા કાયદાના અમલ મામલે વેપારીઓની ચિંતા પ્રત્યે નાણામંત્રીએ સહાનુભૂતિ દર્શાવી હતી. આ મુદ્દા પર વેપારીઓની ચિંતાઓને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતી વખતે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને આ બાબતે સંપૂર્ણ વિચારણા કરવામાં આવશે.