ભરૂચ: (Bharuch) ભરૂચનો કેબલ બ્રિજ (Cable Bridge) અને ગોલ્ડન બ્રિજ ઉપરથી ગણતરીના કલાકોમાં જ મોતની બે છલાંગની ઘટનાઓ સામે આવી છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી દીકરી અને પતિની સામે જ પત્નીએ મોતની છલાંગ (Suicide) લગાવી હતી. બીજી તરફ કેબલ બ્રિજ પરથી એક યુવક પણ પાણીમાં કુદી પડ્યો (Jump) હતો.
- ભરૂચનો કેબલ અને ગોલ્ડન બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ
- ગોલ્ડન બ્રિજ ઉપરથી દીકરી અને પતિની સામે જ પત્નીએ મોતની છલાંગ લગાવી, કેબલ બ્રિજ પરથી યુવક પાણીમાં કુદી પડ્યો
શહેરના જે.બી. મોદી પાર્ક નજીકમાં રહેતા મૂળ UP ના યશવંત યાદવ શનિવારે ફર્સ્ટશિપમાં દહેજની ઇન્ડોફિલ કંપનીમાં નોકરીએ ગયા હતા. જ્યાંથી પરત આવતા પત્ની સોનાલીએ ફરવા લઈ જવાની જીદ પકડી હતી. પતિએ હું જમી લવ પછી જઈએ કહ્યું હતું. જોકે પત્નીએ મારે અત્યારે જ જવું છે કહેતા, પતિ બાઇક લઈ પોતાની અઢી વર્ષની દીકરી દ્રશ્યા અને પત્નીને લઈ બાઇક ઉપર આટો મારવા નીકળી પડ્યા હતા. પહેલા પત્નીએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લઈ જવા કહેતા ત્યાં પહોંચતા પત્ની સોનાલીએ ગોલ્ડન બ્રિજ ઉપર જઈએ તેમ કહ્યું હતું. પતિ બાઇક પર દીકરી અને પત્નીને બેસાડી ગોલ્ડન બ્રિજ ઉપર પહોચ્યો હતો. જ્યાં બાઇક મૂકી પતિએ દીકરીને તેડી જ હતી. ત્યાં પત્ની બ્રિજ પર દોડવા લાગી હતી. અને ગોલ્ડન બ્રિજના ગાળામાંથી નદીમાં કૂદી પડી હતી. હાથમાં દીકરી હોવાથી પત્નીને પતિ પકડી શક્યો ન હતો. માત્ર સ્વેટરનો સ્પર્શ થવા સાથે પત્ની નદીમાં પડી હતી.
ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શૈલેષભાઈ નાઈને કરાતા તેઓએ તરત ફાયર બ્રિગેડ, સ્થાનિક નાવડીઓવાળા અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી ગોલ્ડન બ્રિજ ખાતે દોડી ગયા હતા. બ્રિજ ઉપર પોલીસ, ફાયરના લાશ્કરો સાથે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી સોનાલી યાદવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પતિ યશવંતે સોનાલી કોઈ ટેન્શનમાં હોવાનું પોલીસ સમક્ષ કહ્યું હતું.
બીજી તરફ બપોરે જ કેબલ બ્રિજ ઉપરથી એક સ્થાનિક યુવાન બાઇક લઈને આવ્યો હતો અને બ્રિજના ખાચામાં મુકી નદીમાં કૂદી પડ્યો હોવાની ઘટના બની હતી. લાશ્કરો યુવાન અને પરિણીતા બન્નેની નદીમાં શોધખોળ ચલાવી રહ્યાં છે. જોકે બન્નેએ ક્યાં કારણોસર નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.