National

અભિનેતા દિલીપકુમારના નિધનના સમાચારના કારણે કેબિનેટ બેઠક સ્થગિત

જાણીતા અભિનેતા દિલીપકુમાર (Dilipkumar) ના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( ramnath kovind) સહિત અનેક દિગ્ગજ નેતાઓએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિલીપકુમારના નિધનના ખબર બાદ બુધવારે બપોરે થનારી કેબિનેટ બેઠક સ્થગિત કરાઈ છે.

કેબિનેટ બેઠકની સાથે જ આજે થનારી આર્થિક મામલા સંબંધિત મંત્રીમંડળ(CCEA) ની બેઠક પણ ટાળવામાં આવી છે. મળેલી જાણકારી મુજબ ફિલ્મ અભિનેતા દિલીપકુમારના નિધન બાદ બપોરે 11 વાગે થનારી આ બેઠકો સ્થગિત કરાઈ છે. આજે સાંજે લગભગ 5 વાગે સાંતાક્રૂઝ સ્થિત કબ્રસ્તાનમાં દિલીપકુમારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલીપકુમારના અંતિમ સંસ્કારમાં બોલીવુડ અને રાજનીતિના દિગ્ગજો સામેલ થઈ શકે છે.

આ બાજુ આજે થનારા કેબિનેટ વિસ્તરણ માટે સાંજે 6 વાગે કાર્યક્રમ નક્કી કરાયો છે અને રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રીમંડળના નવા સભ્યોનો શપથગ્રહણ સમારોહ થશે. આ સતત બીજી વાર સત્તામાં આવેલી મોદી સરકારનો પહેલો કેબિનેટ વિસ્તાર છે. અનેક રાજ્યોના નેતાઓને આ ફેરબદલમાં જગ્યા મળી રહી છે. આ માટે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મંત્રીમંડળમાં સામેલ થવા માટે નવા ચહેરાને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા છે.

બોલિવૂડના 98 વર્ષીય ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. દિલીપ કુમારને સાંજે 5 વાગે જુહુમાં સુપર્દ-એ-ખાક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે દિલીપ કુમારના નિધનના સમાચાર તેમના જ ટ્વિટર હેન્ડલથી ફૈઝલ ફારુખીએ(દિલીપ કુમારના મિત્ર) આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Most Popular

To Top