મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 21 દિવસ બાદ રવિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. નાગપુર વિધાન ભવનમાં શપથ ગ્રહણ સમારોહ કરવામાં આવ્યો. શપથગ્રહણ સમારોહમાં ભાજપ, શિવસેના અને એનસીપીના 39 મંત્રીઓએ શપથ લીધા હતા. ભાજપના 19, એનસીપીના 9 અને શિવસેનાના 11 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
સૌથી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાવનકુળે અને 6 મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે શપથ લીધા. મહારાષ્ટ્રમાં 33 વર્ષ બાદ કેબિનેટ વિસ્તરણ અને શપથગ્રહણ રાજ્યની ઉપરાજધાની નાગપુરમાં થઈ રહ્યું છે. અગાઉ 21 ડિસેમ્બર 1991ના રોજ નાગપુરમાં કોંગ્રેસના સીએમ સુધાકરરાવ નાઈકના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન એનસીપીના અજિત પવારે શપથગ્રહણ પહેલા જ કહ્યું હતું કે આજે શપથ લેનારા મંત્રીઓનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે. આ નિયમ મહાયુતિના તમામ ધારાસભ્યોને લાગુ પડશે. આ પછી નવા ચહેરાઓને તક આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન શપથ લેનારા મંત્રીઓના ક્રમમાં NCPના હસન મુશ્રીફે ત્રીજા સ્થાને મંત્રી તરીકે શપથ લીધા છે. હસન મુશ્રીફ કાગલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. શપથ ગ્રહણ સમારોહમાં શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે છઠ્ઠા નંબર પર શપથ લીધા હતા. ગુલાબરાવ પાટીલ જલગાંવ ગ્રામીણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ઉત્તર મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે) એક મોટો ચહેરો છે. તે મરાઠા સમુદાયમાંથી આવે છે.
ગિરીશ મહાજને મંત્રી પદના શપથ લીધા. તેઓ ખાનદેશ પ્રદેશના મોટા ઓબીસી નેતા છે. તેઓ જામનેરથી જીત્યા છે. તેઓ 1995 થી સતત ધારાસભ્ય છે અને ફડણવીસ અને શિંદે સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. રાધાકૃષ્ણ વિખે પાટીલે મંત્રી પદના શપથ લીધા છે. તેઓ પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના નેતા છે. શરદ પવાર પરિવારના કટ્ટર વિપક્ષી નેતા ગણાય છે. તેઓ 1995થી સતત શિરડી બેઠક પરથી જીતતા આવ્યા છે. કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં જોડાયા. 6 મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં મંત્રી હતા. ચંદ્રકાત પાટીલે પણ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ એકનાથ શિંદેની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ફડણવીસની પ્રથમ કેબિનેટમાં તેઓ મહેસૂલ મંત્રી પણ હતા.