Vadodara

કેબીન પાસે ભીખ માંગી અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા માંગ

વડોદરા: સમા વિસ્તારના સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ અનોખી રીતે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માંગણી કરી હતી.જેમાં અન્નપૂર્ણા યોજનાના કેબીન પાસે બેસી ભીખ માગી અને તેમાં આવેલા રૂપિયા 300 મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા. શ્રમિકો માટે રાહત દરે ભોજન મળી શકે તેને ધ્યાનમાં રાખીને અન્નપૂર્ણા યોજના સમગ્ર ગુજરાતમાં વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી.જેમાં માત્ર રૂપિયા 10 માં ભોજન આપવામાં આવતું હતું.જેથી ગરીબ શ્રમિક લોકોને બપોરનું ભોજન મળતું હતું.અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ ગુજરાતમાં મુખ્ય શહેરોમાં મજુરી માટે આવતા ગરીબ શ્રમજીવીઓ લેતા હતા.પરંતુ થોડા સમય પહેલા કોરોના મહામારીના બહાને અન્નપૂર્ણા યોજના બંધ કરી દેવામાં આવી હતી.જેને આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.

આ અંગે સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ સમા વિસ્તારમાં અન્નપૂર્ણા યોજનાના બંધ કેબીન પાસે આવતા જતા વાહનચાલકો રાહદારીઓ તેમજ દુકાનદારો પાસે ભીખ માંગી હતી.જેમાં લોકો તરફથી મળેલી ભીખના નાણાં રૂપિયા 300 જીલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીના બહાને બંધ થયેલી અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવા માટે ગત તારીખ 29 જુલાઈના રોજ પૂર્વ શ્રમ રોજગાર મંત્રીએ અન્નપૂર્ણા યોજના ફરીથી શરૂ કરવામાં આવશે. અને અઠવાડિયામાં બે દિવસ શ્રમિકોને મીઠાઈ પણ આપવામાં આવશે,તેવી જાહેરાત કરી હતી.જેને ત્રણથી ચાર મહિનાનો સમય થઈ વીતી ગયો તેમ છતાં તાજેતરમાં મંત્રીમંડળ બદલાઈ ગયું એટલે અન્નપૂર્ણા યોજના ફરી એક વખત માળિયે ચડાવી દેવાઇ છે જેને  શ્રમિકો માટે વહેલી તકે શરૂ કરવા માંગ કરી હતી

Most Popular

To Top