ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી અનેક વમળો ઊઠી રહ્યાં છે. એક પછી એક અનેક ચર્ચાઓ અને વાર્તાઓ આવી રહી છે. હાલ ગુજરાતમાં સરકારી અધિકારીઓ વચ્ચે એક ચર્ચા થઇ રહી છે કે આવનાર સમયમાં ગમતી જગ્યા પર પોસ્ટિંગ મેળવવા માટે પહેલા C.M. કે C.M. ઓફિસમાં બેઠેલા ચોક્કસ અધિકારી સુધી લોબિંગ કરવું પડતું હતું. C.M. છેલ્લે ફાઇનલ કરે એટલે અધિકારીનું કામ પૂરું પણ છેલ્લે થયેલી સરકારી બદલીઓમાં એવું દેખાયું કે C.M.થી પણ સુપર C.M.ના કેટલાક નજીકના અધિકારીઓને મનગમતી પોસ્ટિંગ મળી ગઈ છે.
કહેવાય રહ્યું છે કે ગાંધીનગરમાં છેલ્લે થયેલી બદલીમાં કેટલાક અધિકારીઓ જે C.M. સુધી લોબિંગ નહોતા કરતા પણ C.R. સાહેબની ગુડ બુકમાં સામેલ થવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને સારું પોસ્ટિંગ મળી ગયું છે, એમાંય એક અધિકારી જે પહેલા ક્યારેય C.M. ઓફિસમાં લાઈન નહોતા લગાવતા પણ જેવા C.R. આવ્યા કે એ એમની પાસે જવા લાગ્યા, સરકાર વિશેની કેટલીક વાતો કરવા લાગ્યા, જેમ બને એમ C.R. સાથે સેટ થવા લાગ્યા, C.R. પણ જાણે અધિકારીઓને પોતાના તરફે કરવા માંગતા હોય એમ આ અધિકારીને ગમતી વસ્તુ આપીને સરકારી સિસ્ટમમાં જાણે મેસેજ આપ્યો છે કે હવે ગમતી પોસ્ટ માટે C.M. ઓફિસ નહિ કમલમ આવવું પડશે.
એમ પણ C.R.સાહેબ નવા નવા આવ્યા ત્યારે જ એવો નિર્ણય કર્યો કે દરેક મંત્રીએ એક દિવસ કમલમમાં બેસવું પડશે જે સીધો મેસેજ હતો કે હવે સરકાર કમલમથી ચાલશે. એવી જ રીતે હવે ચર્ચા થઇ રહી છે કે મંત્રીઓ પછી સરકારી અધિકારીઓ પાસે કામ કરાવવા અને સરકારી અધિકારીઓએ ગમતું પોસ્ટિંગ મેળવવા માટે સરકાર નહિ કમલમ સામે નતમસ્તક થવું પડશે. ખેર આ બધી ચર્ચાઓ હાલ ગાંધીનગરમાં ખૂબ થઇ રહી છે કે ગમતી પોસ્ટ માટે હવે ક્યાં જવું C.M. ઓફિસ કે કમલમ ?
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થશે ?
છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં ભાજપમાં ભારે મથામણ ચાલી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બે વખત ગુજરાતમાં આવનજાવન કરી ચૂક્યા છે. એક વખત ભૂપેન્દ્ર યાદવ આવ્યા ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને મળ્યા પછી દિલ્હી ગયા અને ફરી પાછા આવ્યા. ફરી નેતાઓને મળ્યા, આ ઘટનાક્રમ જેવું જ એક વખત આનંદીબેન પટેલ જયારે મુખ્ય મંત્રી હતાં ત્યારે પણ બન્યું હતું. આનંદીબેન મુખ્ય મંત્રી હતાં અને ભાજપના પ્રભારી આવ્યા. નેતાઓને મળ્યા એ પછી કહેવાયું કે સેન્સ લેવા આવ્યા હતા, અચાનક બીજા દિવસે આનંદીબેન પટેલનું સોશ્યલ મીડિયામાં રાજીનામું આવી ગયું. આવું જ કંઇક હવે થઇ રહયું છે એવી ચર્ચાઓ છે. હા એ વાત અલગ છે કે ભાજપના નેતાઓ આ ચર્ચાને સ્પષ્ટ નકારતા કહે છે કે આ વખતે એવું નહિ થાય પણ હા એવું થઇ શકે કે આવનાર સમયમાં સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય. આ ચર્ચાને પણ એટલે વેગ મળ્યો છે કેમ કે ભાજપના પ્રભારી જતી વખતે પ્રદેશ અધ્યક્ષ, મુખ્ય મંત્રી અને સંગઠન મંત્રીની અલગ અલગ બેઠક કરીને ગયા હતા જે અનેક સંકેતો તરફ ઈશારો કરી ગઈ હોવાનું કહેવાય છે.
આ સાથે એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે ગુજરાતના પ્રભારી પહેલી વખત જયારે ગુજરાતમાં આવ્યા ત્યારે ભાજપના નેતાઓ સાથે મળીને કેટલીક ચર્ચાઓ કરી એમના મત જાણ્યા અને પછી દિલ્હી શાહસાહેબ અને મોદીસાહેબને મળ્યા. શાહસાહેબ અને મોદીસાહેબે રિપોર્ટ મુજબ કેટલાંક સૂચનો અને સલાહ આપી છે એ સૂચન અને સલાહ લઇને પ્રભારી પાછા આવ્યા અને નેતાઓને કદાચ દિલ્હીથી આવેલો મેસેજ આપી દીધો છે. હવે મુખ્ય ચર્ચાનો વિષય એટલો જ છે કે દિલ્હીથી આખરે મેસેજ શું આવ્યો? શું કહ્યું મોવડીમંડળે? શું ગુજરાતમાં મોટા રાજકીય પરિવર્તનની તૈયારી છે? ક્યાંક એવું તો નથી કે ગુજરાતમાં રાજકીય રીતે આવી રહેલા તોફાન પહેલાંની આ શાંતિ છે?
કોંગ્રેસ પક્ષને હવે ફંડની ચિંતા છે?
રાહુલ ગાંધી જે રીતે મોદીને ટાર્ગેટ કરવા માટે એક પછી એક ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરી રહ્યા હતા, જે રીતે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી એ જોઈને થોડાક જ સમયમાં રાહુલ ગાંધી ઉદ્યોગપતિઓના અપ્રિય નેતા બની ગયા. રાહુલ ગાંધી માટે હવે એમની આ અપ્રિયતા માથાના દુખાવા સ્વરૂપ બની છે. ચર્ચા છે કે અહમદ પટેલના ગયા પછી કોંગ્રેસ માટે ફંડ કોણ મેનેજ કરશે, કઈ રીતે મેનેજ કરશે એ પ્રશ્ન તો હતો જ પણ હવે રાહુલ ગાંધીની નજીક અને ઉદ્યોગપતિઓ વચ્ચે પુલ સમાન નેતાઓએ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડતાં કોંગ્રેસની ટોચની નેતાગીરી ચિંતામાં છે કે આવનાર સમયમાં કોંગ્રેસ માટે ફંડ મેનેજમેન્ટ કોણ કરશે?
કેવી રીતે કરશે? કોંગ્રેસની આ ચિંતા રાહુલ ગાંધીના એક નિવેદન પરથી સ્પષ્ટ ઝળકે છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘‘હું ઉદ્યોગપતિઓની વિરુદ્ધમાં નથી હું મૂડીવાદની વિરુદ્ધમાં છું’’. આ નિવેદન ઘણું સૂચક હતું. આ નિવેદનને લઇને હવે કોંગ્રેસમાં ચર્ચાઓ થવા લાગી કે કોંગ્રેસ માટે ફંડ કોણ મેનેજ કરશે? કહેવાઈ રહ્યું છે પાર્ટીના ખાસ સમર્થક અને વર્ષોથી ગાંધી પરિવારના વિશ્વાસુ ‘દેવડા’ પરિવાર પર રાહુલ ગાંધીએ નજર દોડાવી છે, ચર્ચાઈ રહ્યું છે કે આવનાર સમયમાં કોંગ્રેસ માટે ફંડની સમસ્યા નિવારવા માટે મુરલી દેવરાના દીકરા મિલિન્દ દેવરાને કોંગ્રેસ કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. મિલિન્દ દેવરાના ઉદ્યોગગૃહો સાથેના સંબંધોનો કોંગ્રેસ ઉપયોગ કરવા માંગે છે એટલે જ મિલિન્દ દેવરાને એવું કોઈક પદ અપાઈ શકે છે કે જેનાથી કોંગ્રેસની આર્થિક સ્થિતિ મેનેજ થઇ શકે. ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે ફંડ પણ મેનેજ થઇ શકે, આખી સ્થિતિમાં પ્રશ્ન એટલો રહી જાય છે કે ક્યાંક કોંગ્રેસ નક્કી કરે એ પહેલાં જ ભાજપ મિલિન્દ દેવરાની વિકેટ ના પાડી દે!