Columns

હોર્મુઝની સામુદ્રધુની બંધ કરીને ઈરાન આર્થિક કટોકટી લાવી શકે છે

ઈરાન પર ઈઝરાયેલી હુમલા બાદ એવી આશંકા પેદા થઈ છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ થઈ શકે છે. આ સામુદ્રધુની વિશ્વભરમાં ગેસ અને તેલના પુરવઠા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હોર્મુઝની સામુદ્રધુની એ સમુદ્રની એક સાંકડી પટ્ટી છે, જે બે મોટા મહાસાગરોને જોડે છે. હોર્મુઝની સામુદ્રધુની મધ્ય પૂર્વના તેલસમૃદ્ધ દેશોને એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા સહિત વિશ્વના અન્ય ભાગો સાથે જોડે છે.

પર્શિયન અખાત અને ઓમાનના અખાત વચ્ચે સ્થિત હોર્મુઝની સામુદ્રધુની ઈરાન અને ઓમાનની દરિયાઈ સરહદ વચ્ચે આવે છે. તે એક સાંકડો જળમાર્ગ છે, જે એક જગ્યાએ ફક્ત ૩૩ કિલોમીટર પહોળો છે. તેનું મહત્ત્વ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઈરાન જેવા દેશોમાંથી નિકાસ થતું ક્રુડ ઓઈલ આ સામુદ્રધુની દ્વારા અન્ય દેશોમાં પહોંચે છે.

આ ઉપરાંત, લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર કતાર પણ તેની નિકાસ માટે આ માર્ગ પર નિર્ભર છે. ૧૯૮૦ થી ૧૯૮૮ સુધી ચાલેલા ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન બંને દેશોએ આ જળમાર્ગ દ્વારા એકબીજાના તેલના પુરવઠાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સંઘર્ષમાં ખનિજ તેલનું વહન કરનારા કોમર્શિયલ ટેન્કરો પર હુમલા થયા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી હતી. આ સંઘર્ષને ઇતિહાસમાં ટેન્કર યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુની બંધ કરે તો આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠાના લગભગ ૨૦% ભાગને અસર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થા જેપી મોર્ગને ચેતવણી આપી હતી કે આવી સ્થિતિમાં ક્રુડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૨૦થી ૧૩૦ ડોલર સુધી પહોંચી શકે છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાની શક્યતા માત્ર આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. જો હોર્મુઝની સામુદ્રધુની બંધ થશે તો ખનિજ તેલનો પુરવઠો ખોરવાઈ જશે અને તેની કિંમત વધશે. વિશ્લેષકો માને છે કે જો ઇરાન-ઈઝરાયેલ સંઘર્ષ વધશે તો આ માળખા પર હુમલો શક્ય છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠાને ગંભીર ફટકો પડશે.

ગયા અઠવાડિયે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની તાત્કાલિક અસર ખનિજ તેલના બજાર પર પડી હતી, જેના કારણે શુક્રવારે બ્રેન્ટ ક્રુડ ઓઈલનો ભાવ ૭૮ ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો હતો. મુખ્ય ભૂરાજકીય ઘટનાઓ અને વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિને કારણે તેલના ભાવમાં હંમેશા વધારો અને ઘટાડો થતો રહે છે, તેથી ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષને કારણે તેલના ભાવમાં વધારો થયો છે તે આશ્ચર્યજનક નથી. જો કે, આ કિંમત એક વર્ષ પહેલાં હતી તેના કરતાં ઘણી ઓછી છે. ૨૦૨૨ માં યુક્રેન પર રશિયન આક્રમણ પછી ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૧૩૦ ડોલરની આસપાસ પહોંચી ગઈ હતી.

જ્યારે ક્રુડ ઓઇલના ભાવ વધે છે ત્યારે પેટ્રોલના ભાવમાં પણ વધારો થાય છે. જેમ જેમ ઊર્જા મોંઘી થતી જાય છે, તેમ તેમ ખેતીથી લઈને ઉત્પાદન સુધીની લગભગ દરેક વસ્તુ મોંઘી થતી જાય છે. જ્યારે ઇંધણના ભાવો વધે છે ત્યારે ખેતીનાં યંત્રો ચલાવવાનું, ખોરાકને પ્રોસેસ કરવાનું, પેકેજ કરવાનું અને બજારમાં પહોંચાડવાનું ખર્ચાળ બની શકે છે. ગયા અઠવાડિયે ઈઝરાયેલ-ઈરાન હુમલા પછી ગેસના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ જો તેની અસર પેટ્રોલ તથા ડિઝલના ભાવો પર પડે તો પણ તે સામાન્ય ઘરો સુધી ધીમે ધીમે પહોંચશે. બજાર જે રીતે કામ કરે છે તેમાં કિંમતને મર્યાદિત કરવામાં નિયમનકારની ભૂમિકા પણ શામેલ છે.

ઊર્જા કેટલી હદે મોંઘી થઈ શકે છે અને તેની વ્યાપક અસર ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં આગળ શું થાય છે તેના પર નિર્ભર રહેશે. એસેટ મેનેજર આલિયાન્ઝના મુખ્ય આર્થિક સલાહકાર મોહમ્મદ અલ-એરિયન કહે છે કે તેમાં ખરાબ સમયે વૈશ્વિક અર્થતંત્રને મોટો આંચકો આપવાની ક્ષમતા છે. તમે તેને ગમે તે રીતે જુઓ, તે ટૂંકા ગાળાની સાથે લાંબા ગાળાની દૃષ્ટિએ પણ નકારાત્મક છે. આ અમેરિકાના નેતૃત્વ હેઠળની વૈશ્વિક આર્થિક વ્યવસ્થાની સ્થિરતા માટે બીજો ફટકો છે. તે પણ એવા સમયે જ્યારે પહેલાંથી જ ઘણી ચિંતાઓ છે. જો તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર વધે તો ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં ફુગાવો ૧% સુધી વધી શકે છે, જેના કારણે વ્યાજ દર ઘટાડવાની આશા રાખતી કેન્દ્રીય બેંકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બનશે.

અગાઉ પણ હોર્મુઝની સામુદ્રધુની ઈરાન અને અમેરિકા વચ્ચે વિવાદ અને સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. ૧૯૮૮માં એક અમેરિકન ફાઇટર પ્લેને ઈરાની પેસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું, જેમાં ૨૯૦ લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ દાવો કર્યો હતો કે તે લશ્કરી ભૂલ હતી અને તેના નૌકાદળના કાફલાએ વિમાનને ફાઇટર એરક્રાફ્ટ સમજી લીધું હતું, પરંતુ ઈરાને તેને પૂર્વયોજિત હુમલો ગણાવ્યો હતો. અમેરિકાએ એવો પણ દાવો કર્યો છે કે તેના યુદ્ધ જહાજો વેપારી જહાજોની સુરક્ષા માટે આ ક્ષેત્રમાં તૈનાત છે, જેને ઈરાની નૌકાદળ દ્વારા સંભવિત રીતે નિશાન બનાવવામાં આવી શકે છે. ૨૦૦૮ માં અમેરિકાએ કહ્યું હતું કે ઈરાની બોટોએ ત્રણ અમેરિકન યુદ્ધ જહાજોની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના તત્કાલીન કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ અલજાફરીએ ચેતવણી આપી હતી કે જો તેમની બોટ પર હુમલો કરવામાં આવશે, તો તેઓ અમેરિકન યુદ્ધ જહાજો કબજે કરશે.

૨૦૧૦ માં હોર્મુઝની સામુદ્રધુનીમાં એક જાપાની તેલ ટેન્કર પર હુમલો થયો હતો, જેની જવાબદારી અલ-કાયદા સાથે જોડાયેલા એક જૂથે સ્વીકારી હતી. જ્યારે ૨૦૧૨ માં અમેરિકા અને યુરોપે ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા ત્યારે તેહરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની ધમકી આપી હતી. ઈરાને આરોપ લગાવ્યો હતો કે આ પ્રતિબંધો તેને તેલ નિકાસમાંથી મેળવેલા વિદેશી ચલણથી વંચિત રાખવાનું કાવતરું છે. ૨૦૧૮માં જ્યારે અમેરિકાએ ઈરાની તેલ નિકાસને શૂન્ય કરવાની નીતિ અપનાવી ત્યારે તત્કાલીન ઈરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ સંકેત આપ્યો હતો કે ઈરાન આ સામુદ્રધુનીમાંથી પસાર થતા તેલ પુરવઠાને બંધ કરી શકે છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના એક કમાન્ડરે પણ ચેતવણી પણ આપી હતી કે જો ઈરાનની તેલ નિકાસ બંધ કરવામાં આવશે તો તેઓ હોર્મુઝની સામુદ્રધુનીમાં ખનિજ તેલની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેશે.

ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો તેને કારણે ભારત માટે ધર્મસંકટ પેદા થયું છે. ભારત પરંપરાગત રીતે ઈરાનનું મિત્ર રહ્યું છે. ભારત અને ઈરાન વચ્ચેના વેપારી અને સાંસ્કૃતિક સંબંધો હજારો વર્ષ જૂના છે. બીજી બાજુ તાજેતરમાં ભારતે ઈઝરાયેલ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો કેળવ્યા છે. ભારત ઈઝરાયેલ પાસેથી શસ્ત્રોની ખરીદી પણ કરે છે. એક મહિના પહેલાં જ્યારે ભારતે પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પર હુમલો કર્યો હતો ત્યારે ઈઝરાયેલે ખુલ્લેઆમ ભારતને ટેકો આપ્યો હતો.

પાકિસ્તાનના કિસ્સામાં ઈઝરાયેલ માટે ભારતનો પક્ષ લેવો સરળ છે કારણ કે પાકિસ્તાને હજુ સુધી ઈઝરાયેલને એક રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું નથી. બીજી તરફ, ઈરાન સાથે ભારતના સંબંધો સારા રહ્યા છે અને બંને દેશો વચ્ચે સભ્યતાના સ્તરે સંબંધો છે. હકીકતમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ભારત બેમાંથી કોઈ દેશની તરફેણ કરી શકે તેમ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ઘટનાઓ બની છે, જેના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત ઈઝરાયેલ તરફ વધુ ઝુકાવ ધરાવે છે.

ઉદાહરણ તરીકે ૧૨ જૂનના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે મતદાન કર્યું. ૧૪૯ દેશોએ યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું, ૧૨ દેશોએ યુદ્ધવિરામની વિરુદ્ધ મતદાન કર્યું અને ૧૯ દેશો મતદાનથી દૂર રહ્યા. ભારત આ ૧૯ દેશોમાંનો એક હતો. યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કરનારા ૧૪૯ દેશોમાં લગભગ બધા જ મહત્ત્વપૂર્ણ દેશો છે, જેમનો વૈશ્વિક રાજકારણમાં પોતાનો મત છે. ચીનથી લઈને જાપાન અને સમગ્ર યુરોપ, બધા જ આમાં સામેલ છે. તેમ છતાં ભારત મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કરીને સાબિત કરી દીધું છે કે ભારતમાં ઈઝરાયેલનો વિરોધ કરવાની હિંમત નથી. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ બાબતમાં પણ મતદાન થશે ત્યારે ભારતના સત્ત્વની કસોટી થવાની છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top