Columns

હેલ્થ ડ્રિન્ક કે હેલ્થ ફુડની જાહેરાતો વડે આપણને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે

સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવની રેવડી દાણાદાણ થઈ રહી છે, પણ બોર્નવિટા જેવાં પીણાંનો પ્રચાર દાયકાથી હેલ્થ ડ્રિન્ક તરીકે થઈ રહ્યો છે, તેની સામે સરકાર હળવે હલેસે કામ કરી રહી છે. તાજેતરમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઈ-કોમર્સ કંપનીઓને એક એડવાઈઝરી જારી કરી છે.એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અમારા ધ્યાને આવ્યું છે કે બોર્નવિટા સહિત કેટલાંક પીણાંને ઈ-કોમર્સ સાઇટ્સ અથવા પ્લેટફોર્મ્સ પર હેલ્થ ડ્રિંક્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.તેથી ઈ-કોમર્સ કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની સાઇટ અને પ્લેટફોર્મ પરથી હેલ્થ ડ્રિંક્સ કેટેગરીમાંથી બોર્નવિટા સહિતનાં પીણાં દૂર કરે.

આ અંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) ના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ જણાવ્યું હતું કે તેમને ગયા વર્ષે એક ફરિયાદ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બોર્નવિટામાં ખાંડ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય છે અને તેને હેલ્થ ડ્રિંક તરીકે વેચવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તે બાળકના વિકાસ માટે સારું છે.આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી હતી અને બાળકોના હિતમાં નહોતી. અમે આ અંગે સંબંધિત સરકારી એજન્સીઓને જાણ કરી હતી, જ્યારે અમે બોર્નવિટા સાથે પણ વાતચીત કરી હતી અને તેઓએ લેખિતમાં જણાવ્યું હતું કે તેમની પ્રોડક્ટ હેલ્થ ડ્રિંક નથી.

પ્રિયંક કાનુન્ગો કહે છે કે આ પછી તેમણે FSSIનો સંપર્ક કર્યો અને કહ્યું કે FSSI એક્ટ ૨૦૦૬માં હેલ્થ ડ્રિંકની કોઈ શ્રેણી નથી. તેનો અર્થ એ થાય છે કે કોઈ પણ જ્યુસ, પાવડર અથવા એનર્જી ડ્રિંકને હેલ્થ ડ્રિંકના નામે વેચી શકાય નહીં.નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) ની રચના સંસદના એક અધિનિયમ હેઠળ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એક્ટ ૨૦૦૫ હેઠળ કરવામાં આવી છે. ઉપરની હકીકત પરથી ખ્યાલ આવે છે કે બાબા રામદેવથી વિરુદ્ધ કેડબરી વગેરે કંપની વિદેશી હોવાથી સરકાર દ્વારા તેમને જૂઠો પ્રચાર કરવાની તક આપવામાં આવી હતી.

મુંબઈના ડાયાબિટીસ કેર સેન્ટરના ડૉ.રાજીવ કોવિલ કહે છે કે આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતો માર્કેટિંગ સ્ટંટ છે અને તેમાં હેલ્થ ડ્રિંક જેવું કંઈ હોતું નથી. તમને ઈ-કોમર્સ સાઈટ પર ઘણા એવા ડ્રિંક્સ જોવા મળશે, જે હેલ્થના નામે વેચાઈ રહ્યાં છે.આવાં પીણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.લોકોએ એવાં પીણાંનું સેવન કરવું જોઈએ જેમાં મિનરલ્સ, વિટામિન્સ, સૂક્ષ્મ પોષક તત્ત્વો તેમજ ઓછી ખાંડ હોય.ભારતમાં ફુડનું લેબલિંગ માત્ર ૧૦૦ ગ્રામ પર જ થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ ખાદ્ય પદાર્થ ૧૦૦ ગ્રામ હોય તો તેમાં દસ ગ્રામથી ઓછી ખાંડ હોવી જોઈએ. જો તેમાં પાંચ ગ્રામથી ઓછી ખાંડ હોય તો તેને લો શુગર કહેવામાં આવશે.

જો તે ૦.૫ ટકા હોય તો તેને શુગર ફ્રી કહી શકાય. ખાંડ સિવાય આ તમામ પીણાંમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જેમ કે કોર્ન સિરપ વગેરે.ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ એડવાઈઝરી પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ખાદ્ય ચીજોને પ્રોપ્રાઈટરી ફુડનું લાઇસન્સ મળ્યું છે, જે ડેરી આધારિત પીણાં મિશ્રણ, અનાજ આધારિત પીણાં મિશ્રણ અથવા માલ્ટ આધારિત પીણાંની શ્રેણીમાં વેચાય છે, તેનો પ્રચાર એનર્જી ડ્રિંક તરીકે થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં FSS એક્ટ હેઠળ એનર્જી ડ્રિંકનું લાયસન્સ મેળવનાર ઉત્પાદનોનો જ ઉપયોગ કરી શકાય છે,પણ FSS એક્ટ હેઠળ હેલ્થ ડ્રિંકની વ્યાખ્યા કરવામાં આવી નથી.

પ્રિયંક કાનુન્ગો દાવો કરે છે કે આ પાઉડર કે પીણાં બાળકને એટલી બધી ખાંડ પૂરી પાડે છે કે તેને દિવસ દરમિયાન ખાંડ લેવાની જરૂર નથી, પરંતુ આ ઉત્પાદનો બનાવનારાં લોકો આ વિશે કોઈ માહિતી આપતા નથી.ડો.અરુણ ગુપ્તા કહે છે કે આ ઉત્પાદનો ઘણાં વર્ષોથી હેલ્થ ડ્રિંકના નામે આપણાં લોકો પર થોપવામાં આવે છે અને જાહેરાતો અને માર્કેટિંગ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.ડો. અરુણ ગુપ્તા બાળરોગના નિષ્ણાત છે અને ન્યુટ્રીશન એડવોકેસી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ (NAPI) નામની થિંક ટેન્કના કન્વીનર છે.તેઓ કહે છે કે સરકાર કહે છે કે હેલ્થ ડ્રિંક્સની વ્યાખ્યા કરવામાં આવી નથી, તો સરકાર આ અંગે પગલાં કેમ લેતી નથી? એડવાઇઝરી કેટલું કામ કરશે? હેલ્ધી ફુડ, ડ્રિંક કે અનહેલ્ધી ફુડ શું છે તેની સ્પષ્ટ વ્યાખ્યા હોવી જોઈએ.

બોર્નવિટા બનાવતી કંપની દ્વારા તો વર્ષો સુધી રેડિયો કે ટી.વી. ઉપર બોર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ નામની સિરિયલ ચલાવવામાં આવતી હતી, જેમાં સ્કૂલનાં બાળકોને જ ટાર્ગેટ કરાતાં હતાં. આ કાર્યક્રમો જોઈને બાળકોની કેટલીય પેઢી બોર્નવિટાથી આરોગ્યને ફાયદો થાય છે, તેમ માનતી થઈ ગઈ હતી. સરકાર આવી કંપની સામે કેમ પગલાં ભરતી નથી? શા માટે દેશની સર્વોચ્ચ અદાલત પણ આવી કંપની સામે પગલાં ભરતી નથી? તેવો સવાલ જરૂર થાય છે.

નિષ્ણાતો કહે છે કે બજારમાં આવાં પીણાંના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં નોંધપાત્ર પ્રમાણમાં ખાંડ હોય છે.ડૉ. રાજીવ કોવિલ અને ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે જેમ લોકોને ધૂમ્રપાનની લત લાગી જાય છે, તેવી જ રીતે લોકો કે બાળકો પણ ખાંડ ખાવાના વ્યસની થઈ શકે છે, કારણ કે તે સુખની લાગણી પણ આપે છે; પરંતુ જ્યારે તેઓ ખાંડ મેળવવા માટે આવાં પીણાંનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, ત્યારે તેમને બિનચેપી રોગો થવાનું જોખમ વધી જાય છે. બિન-ચેપી રોગનો અર્થ એ છે કે તે રોગ જે કોઈ ચેપથી નહીં પરંતુ અસ્વસ્થ વર્તનથી થાય છે.

આ લત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે વજન વધારો, મેદસ્વી બનવું, જેના કારણે ડાયાબિટીસની સમસ્યા થાય છે. ડૉક્ટરો કહે છે કે ખાંડ સિવાય બિસ્કિટમાં મીઠું પણ હોય છે. જ્યૂસ કે એનર્જી ડ્રિંકમાં ઘણી બધી ખાંડ હોય છે. આ તમામ ઉત્પાદનો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ હેઠળ પણ આવે છે.તાજેતરમાં, બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) ના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ માત્ર સ્વાસ્થ્યને અસર કરતું નથી.

પરંતુ આયુષ્ય પણ ટૂંકાવે છે.ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે જો તમારા રોજિંદા આહારમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડનો હિસ્સો ૧૦ ટકાથી વધુ હોય, તો તે શરીર પર ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ, ડિપ્રેશન જેવી બીમારીઓનું કારણ બની શકે છે. આ બિનચેપી રોગો ઝડપથી વધી રહ્યા છે.જાહેરાતોમાં જણાવવું જોઈએ કે ખાદ્ય પદાર્થો અથવા પીણાંઓમાં કેટલી ટકા ખાંડ કે મીઠું વપરાય છે.ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે ઓછી ખાંડની પ્રોડક્ટને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, પરંતુ વધુ ખાંડની પ્રોડક્ટ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આવી જાહેરખબરોની પ્રસિદ્ધિ ઓછી થવી જોઈએ, જેથી કરીને આવાં ઉત્પાદનોની ખરીદી ઘટી શકે.ડૉ. અરુણ ગુપ્તા અને ડૉ. રાજીવ કોવિલ કહે છે કે લોકોને જાગૃત કરવાં પડશે, કારણ કે તેઓને ફુડ લેબલ કેવી રીતે વાંચવું તે આવડતું નથી. આવી સ્થિતિમાં જે લોકો ભણેલાં નથી તેમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક કલર કોડિંગ દ્વારા જાગૃત કરવાં જોઈએ. તે જ સમયે ઉચ્ચ પ્રમાણમાં ખાંડ, મીઠું અને ચરબીવાળાં ઉત્પાદનોને લઈને મોટી ચેતવણી આપવી જોઈએ.આવાં ઉત્પાદનોની કિંમત ઊંચી રાખવી જોઈએ અને ટેક્સ પણ ઊંચો હોવો જોઈએ, જેથી કરીને તે ખરીદનાર વ્યક્તિ જોઈ શકે કે તે વપરાશ અથવા સ્વાદ માટે શું લઈ રહ્યો છે.

મલ્ટિનેશનલ કંપની જેટલાં પણ પીણાં કે પાવડરનું વેચાણ કરી રહી છે, તેમાં હકીકતમાં હેલ્થને કોઈ ફાયદો થતો નથી પણ નુકસાન જ થાય છે. વળી તેની કિંમત પણ ભારે હોવાથી ગજવું ખાલી થઈ જાય છે. જો ભારતમાં કોઈ શ્રેષ્ઠ પીણાં હોય તો તે છાશ કે શેરડીનો રસ છે, જેનું માર્કેટિંગ કરવાની કોઈ જરૂર જ પડતી નથી. જે પીણાં કે પાવડરની જાહેરાત કરવાની જરૂર પડતી હોય તેનું ભૂલેચૂકે સેવન કરવું ન જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top