બાળકો જ દેશનું ભવિષ્ય છે તેમ 75 વર્ષથી કહીએ તો છીએ, પણ રાષ્ટ્રના ભાવિ ઘડતર માટે સાહિત્ય ક્ષેત્રે કંઇ રોકાણ થતું જોવા મળતું નથી. આ સ્થિતિ વચ્ચે પણ ગુજરાતી ભાષાએ બાળકોની વકીલાત કરનાર ગિજુભાઇ બધેકાને દેશ સમક્ષ મૂક્યા. સ્થાનિક પર્યાવરણને જાળવી માતા-પિતાની હૂંફ અને પ્રેમભાવને જ પ્રાથમિકતા આપી મૂછાળી માએ બાળક ઉછેરનું ગાન કર્યું અને ડંકાની ચોટે કહ્યું કે, ‘સ્વસ્થ સમાજની રચનાનો મૂળભૂત આધાર સ્વસ્થ બાળક છે.’
છેક હિતોપદેશ અને પંચતંત્રના સમયથી આપણો વાર્તાવૈભવ દીપ્તમાન છે. પરંતુ સમયાંતરે સામાજિક મૂલ્યો બદલાતાં રહે છે. આથી કેટલીક પ્રચલિત વાર્તાઓનો બોધ હવે અપ્રસ્તુત જણાય છે. સમયાંતરે સમાજ સામે વૈજ્ઞાનિક તથ્યો ઉજાગર થતાં જાય છે. આથી ‘રાજા સીડી ઉપર પગથિયાં ચડતો ચડતો સ્વર્ગમાં પહોંચ્યો.’ તેવું આજનું બાળક માનવા તૈયાર થશે નહીં. રામાયણ અને મહાભારત તો ભારતીયતાનો આધાર બન્યા છે. આમ છતાં 21 મી સદીના બાળસમાજનાં ઘડતર માટે હવે પુરાણો પ્રેરણાની ગળથૂથી બની રહે તેવું શક્ય જણાતું નથી.
માનવ શરીરની જૈવિક રચનાઓ, તેથી વિશેષ માનવ મસ્તિષ્ક દ્વારા થતું સંકલન અને તેથી પણ જટિલ એવાં રાસાયણિક સંયોજનોને સમજવા માટે આજે પણ વિજ્ઞાન મર્યાદિત સાબિત થઇ રહ્યું છે. આમ છતાં પરંપરા, શ્રદ્ધા, સ્થાપિત મૂલ્યો કે સહભાગી અવલોકનથી આગળ વધી હવે વૈજ્ઞાનિક તથ્યોના આધારે બાળવાર્તાનું ઘડતર કરવું પડશે.
આજથી 2600 વર્ષ પહેલાં પૂર્વના એક બૌધ ફિલસૂફ લાઓત્ઝેએ પોતાની વિચારપોથીમાં નોંધ્યું કે, ‘હકીકત સરી જાય છે ત્યારે તત્ત્વ પેસી જાય છે.’ અહીં હકીકત એટલે વિજ્ઞાન અને તત્ત્વ એટલે ઉપદેશ. આ વિચારે આપણા બાળ સાહિત્યનું તટસ્થ મૂલ્યાંકન થાય તો ખ્યાલ આવશે કે પાણી અથવા હવાના દબાણ કે ગુરુત્વાકર્ષણ વિષયે કોઇ ઝાઝો વિચારવિનિમય થતો નથી, પરંતુ સત્ય-અહિંસા બાબતે કેટલું તત્ત્વજ્ઞાન પીરસાયું છે? વાર્તાઓમાં તો ઠાંસી ઠાંસીને ઊભરાયું છે. આપણી બાળ રામાયણના રીંછ રાજા કાક ભૂશંડીજીએ પૃથ્વીની 14 પરિક્રમા કરી તેવું સાંભળીને આપણે મોટા થયા છીએ, પણ ગૂગલમાં સંસ્કૃત શબ્દ પૃથ્વીનો અર્થ ‘જમીન’ તેવો છે. આથી વિકસિત મસ્તિષ્ક સાથેનું બાળક એમ કેવી રીતે માને કે રીંછભાઇએ આ ગ્લોબ (પૃથ્વી)ની 14 પ્રદક્ષિણા પગપાળા કરેલી!
ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનથી આગળ વધી વૈશ્વિક અણુવિજ્ઞાન કેન્દ્રની તાજેતરની જાહેરાત મુજબ સૂક્ષ્મદર્શક યંત્ર હવે મિત્રો સુધી પહોંચ્યું છે. 2700 વર્ષ પહેલાં ચૈતન્ય જગતમાં પ્રવેશી જૈન ધર્મથી ઘોષણા થયેલ કે, ‘આત્મા જ્ઞાની છે’ આ હકીકત હવે વિજ્ઞાન દ્વારા જીન્સનાં રંગ સૂત્રોના સ્વભાવ પારખીને કહેવામાં આવી રહી છે. ત્યારે ગિજુભાઇની વાર્તાને આનંદની કાગડો તેના જીન્સમાં રહેતા આનંદ સૌંદર્ય, સ્નેહ પ્રકારનાં રંગસૂત્રોના પ્રભાવથી મજામાં રહ્યો, ગીત ગાતો રહ્યો તેવું કહેવું પડશે. મનુષ્ય અને ઉંદરનાં રંગસૂત્રોમાં 99 ટકા સામ્ય છે. આ તથ્યને સ્વીકારી આપણી વાર્તાના ભાવનાત્મકતાના સ્થાને આ પૃથ્વી ઉપરના તમામ મનુષ્યનાં જીન્સ એક જ છે તેમ કહી ભાઈચારાનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડીએ.
માનવવિજ્ઞાને પ્રતિપાદિત કર્યું છે કે, વ્યક્તિ જન્મનાં પ્રથમ 5 વર્ષમાં જ સર્વાઇવલ માટેનું 80 ટકા કૌશલ પ્રાપ્ત કરી લે છે અને બાકીનાં 80-85 વર્ષમાં માત્ર આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ એકત્ર કરવામાં સમય પસાર કરે છે. ગ્લોબલ બ્રેઇન ઇન્સ્ટિટ્યૂટના હ્યુમન ઇવેલ્યુએશન એન્ડ લાઇફ હિસ્ટ્રી વિભાગના સંશોધન અહેવાલ અનુસાર વર્ષ-2050 સુધીમાં બાયોલોજિકલ ક્લોક મહદ્ અંશે બદલાઇ જવાની છે. સુપર કમ્પ્યૂટરની ગણતરી અનુસાર માણસનું સરેરાશ આયુષ્ય 85 વર્ષ પહોંચી જશે. ક્રાઇસીસને અપોર્ચ્યુનિટીમાં બદલવાના શિક્ષણને જ પ્રાધાન્ય અપાશે. રોબોટિક લાઇફ વ્યક્તિની પ્રથમ પસંદગી બની જતાં સ્ત્રીઓ 40 વર્ષ પછી પ્રથમ બાળકની સંભાવના વિચારશે. આથી કરી નવી-જૂની પેઢી વચ્ચેનું અંતર 60-65 વર્ષનું થઈ જશે. કરંટ એજિંગ સાયન્સના અહેવાલમાં સંશોધક કેડેલ લાસ્ટ નોંધે છે કે, અર્થ ઉપાર્જન સર્વેસર્વા બની જતાં માણસ બાયોનિક ઇમ્પોર્ટ કરવાનું જોખમ ખેડીને પણ દિવસભરના 18-20 કલાક કામ કરશે અને પોતાના હાથ-પગ પાસેથી મશીન પ્રકારે કામ લેશે. બાળવાચક આજે કમ્પ્યૂટર, મોબાઇલ, ટી.વી. પ્રકારનાં ગેઝેટ્સના પરિચયે વર્ચ્યુઅલ રિયાલિટીના વિશ્વમાં પગ રાખી ચૂક્યાં છે.
બાળકના બાયો કમ્પ્યૂટરની રેમ મેમરીને ઘડવાની છે અને બાળવાર્તાના સ્વરૂપની યાદશક્તિ તેના મસ્તિષ્કમાંથી ક્યારેય ડિલીટ થવાની નથી. વિકસતા વિજ્ઞાને તકનિકી અચંબાથી જગતને છાવરી નાંખ્યું છે, પણ યાદ રહે જે પંચ તત્ત્વોથી માનવશરીર બન્યું છે તે જ બેઝિક એલિમેન્ટથી સમગ્ર બ્રહ્માંડ વિચલિત છે અને આથી જ 550 વર્ષ પહેલાં આપણી ભાષાના ઊર્મિશીલ ભક્ત કવિ નરસિંહે કહ્યું, ‘અંતે તો હેમનું હેમ ભાસે.’
ફ્રાન્સના પ્રોટેસ્ટન્ટ સુધારક જોન કેલ્વિને વર્ષ-1509માં નોંધ્યું છે કે, જ્યારે બાળકની આશાઓ નાની હોય તો આપણે ઈશ્વરને કહેવું જોઇએ કે એને મોટી કરી આપે, જ્યારે શાંત હોય તો જાગૃત કરવાનું કહેવું જોઇએ. જ્યારે આશાઓ ઢચુપચુ હોય તો દૃઢ અને જ્યારે નબળી હોય ત્યારે તેને મજબૂત કરવાનું કહેવું જોઈએ. જ્યારે બાળકની આશાઓ પૂર્ણ ન થાય તો ઈશ્વરને ફરી કહો કે બાળક આગંતુકને ફરી ઊભો કરી આપે… બાળ સાહિત્યકારો આ ઈશ્વર એટલે તમારી કલમ અને તેની તાકાત.