Columns

આખું વર્ષ શુકનવંતુ બનાવવા નૂતન વર્ષે સવારે ‘સબરસ’ કેમ ખરીદવામાં આવે છે?

શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: આજથી મીઠાને સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે! સબરસ…….. સબરસનો અર્થ:- મીઠું, નમક (ગુજરાતમાં દિવાળીની પાછલી રાતે શુકન માટે ‘સબરસ’… ‘સબરસ’ કહેતા છોકરાઓ ‘મીઠા’ના ગાંગડા આપે છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ ‘સબરસ’ની ખરીદી કરે છે? એનું ખરું કારણ શું છે? તે જાણવા જેવું છે. દિવાળીનો તહેવાર હતો. દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ ભગવાન અને રુકિમણી – હીંચકા પર બેઠાં આનંદની પળો વિતાવતાં હતાં. રુકિમણી પણ ખૂબ જ ખુશમિજાજમાં હતાં. અચાનક જ રુકિમણીથી પુછાઇ ગયું કે…. ‘હે પ્રભુ! તમે મને કેટલો પ્રેમ કરો છો? અને હું તમોને કેટલી વહાલી લાગું છું? – એ મને કહો.’

અનાયાસે જ પુછાઇ ગયેલા પ્રશ્નનો શ્રીકૃષ્ણ ભગવાને પણ એવો જ ઉત્તર આપ્યો કે… ‘તું મને મીઠા જેટલી વહાલી લાગે છે.’
આ સાંભળી રુકિમણીનું મોઢું ચઢી ગયું! રુકિમણીજીને મનમાં થયું કે…. બસ મારી કિંમત મીઠા જેટલી જ! મીઠા જેવી ક્ષુલ્લક ચીજવસ્તુ સાથે મારી શ્રીકૃષ્ણે સરખામણી કરી… રુકિમણીજીને તો રીસ ચડી. હીંચકા ઉપરથી ઊઠીને પોતાના મહેલમાં જતાં રહ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને જાતે પ્રયોગ કરી રુકિમણીને સમજાવવાનું નકકી કર્યું. કૃષ્ણ ભગવાન તો જાતે રસોડામાં ગયા. ત્યાર બાદ રુકિમણીજીને તેમની મનપસંદ રસોઇ બનાવવાનો આદેશ આપ્યો અને કહ્યું કે, રસોઇમાં કયાંય મીઠું ન નાખશો!
ભગવાન શ્રીકૃષ્ણના આદેશ મુજબ બધી રસોઇ બનાવવામાં આવી. શ્રીકૃષ્ણ ભગવાન અને રુકિમણીજી જમવા બેઠાં.
બંનેને થાળી પીરસવામાં આવી. જેવો કોળિયો ભર્યો – એવું તરત જ રુકિમણીજીનું મુખ બગડી ગયું…. આ શું છે? કોણે રસોઇ બનાવી છે?

મીઠા વગરની રસોઇ હોય; તો કોઇના ગળે કેવી રીતે ઊતરે? હવે શ્રીકૃષ્ણ બોલ્યા: ‘રસોઇમાં માત્ર મીઠું જ નથી ને… બાકી તો બધું બરાબર છે ને! એમાં શું થઇ ગયું?’ રુકિમણીજી બોલ્યાં: ‘મીઠા વગરની રસોઇ ગળે ઊતરે ખરી?’ ‘હા….. હવે તમે બરાબર સમજયાં….’ ‘હું ‘મીઠા’ જેટલો પ્રેમ તમને કરું છું…. એટલે કે તમે મને મીઠા જેટલાં વહાલાં છો’ – એમ કહીને તમારું મેં અપમાન નહીં, પરંતુ બહુમાન જ કર્યું છે!’ હવે રુકિમણીજીના ચહેરા પર રોનક આવી… પછી પ્રેમથી છલકાયેલાં મુખેથી બોલ્યાં: ‘હે પ્રભુ! હવે મને મારી ભૂલ સમજાય છે, કે – તમે મારા પ્રેમને મીઠા સાથે કેમ સરખાવ્યો? હે પ્રભુ! હવે ફરીથી આવી ભૂલ કદાપિ નહીં કરું…. મને માફ કરી દેશો…’

‘મીઠા’નું મહત્ત્વ જેમ મને સમજાયું – તેમ આવતી કાલે એટલે કે નૂતન વર્ષના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓને ‘મીઠા’ની જ ભેટ આપીશું! તેમ જ મીઠાના મહત્ત્વને સમજાવીશું.’ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: ‘આજથી ‘મીઠાને’ સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે. નવા વર્ષની શરૂઆતમાં સૌ પ્રથમ બધાં મીઠાની ખરીદી કરશે. શ્રીકૃષ્ણ ભગવાને નવા વર્ષે સૌ નગરવાસીઓને શુકનવંતુ મીઠું આપ્યું. બસ ત્યારથી જ નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ સબરસની ખરીદી કરતાં થયાં.
વાય. જે. ટી.

Most Popular

To Top