તહેવારોની મોસમ હતી. બજાર ભરચક હતું દરેક દુકાનોમાં ગરદી હતી. બધા જ કંઈક ને કંઈક ખરીદી કરી રહ્યા હતા.. ગલીના એક ખૂણા ઉપર એક બુઢા કાકા ખભા પર કાળો રમકડાઓથી ભરેલો થેલો અને એક વાંસના માચડા ઉપર નાના નાના રમકડા ગોઠવેલા હાથમાં લઈને ઉભા હતા અને સાથે થોડાક ફુગ્ગા પણ હતા. નાના નાના રમકડાની બહુ કિંમત ન હતી; પાંચ રૂપિયા, દસ રૂપિયા, બે રૂપિયા, બસ એટલી ઓછી કિંમતમાં સાવ સસ્તા રમકડા હતા.કાકા આવતા જતા લોકોને ખાસ કરીને બાળકોને સિટી મારીને, ઘૂઘરો વગાડીને રમકડા લેવા તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા હતા. બાળકોનું ધ્યાન જતું પણ સાથે મમ્મી કે પપ્પાનું પણ ધ્યાન જતું અને બધા એમ જ કહેતા ‘અરે કઈ નથી લેવાનું… કોઈ કહેતું, ‘ અરે, તારી પાસે તો આનાથી કેટલા સારા રમકડા છે ખોટો ખર્ચો નથી કરવો… સાવ નકામું છે આ તો એકવારમાં તૂટી જશે..’ આવું કહીને કોઈ મમ્મી કોઈ પપ્પા બાળકોને કઈ જ અપાવતા ન હતા.
કાકા સવારથી ઉભા હતા તડકો હતો અને માલ સામાન વેચાતો પણ ન હતો એટલે તન અને મન બંને થાકી ગયા હતા.થોડીવાર થાક ખાવા રસ્તા પર જ નીચે બેસી ગયા. થોડે દૂરથી બે યુવાન છોકરાઓએ આ જોયું તેઓ કાકાની પાસે આવ્યા, કાકાને પાણી પાયું અને જોર જોરથી લોકોને બોલાવીને કાકાનો માલ વેચવાની કોશિશ કરવા લાગ્યા છતાં પણ બહુ માલ વેચાતો ન હતો; પણ લોકો ઘણા ભેગા થયા. એક છોકરાએ બધાને હાથ જોડીને વિનંતી કરી કે એક નાનકડી લાઈટ વાળી ઘડિયાળ ખરીધો કે પછી એક નાનકડો ઘૂઘરો તમે તમારા બાળકને રમવા આપો કે પછી કોઈ નાનકડા બાળકને ભેટ આપી દો પણ ખરીદો જરૂર.
તમે તો તહેવારમાં ખરીદી કરવા જ નીકળ્યા છો તો એક વસ્તુ અહીંથી પણ ખરીદો. તમારી ખરીદીથી આ કાકાની હિમંત વધશે.આ કાકા પોતે સ્વાભિમાનથી આ ઉંમરે કમાવવાની કોશિશ કરી રહ્યા છે તો તેમને એક બળ મળશે. છોકરાની આ સાચી સીધી સરળ વાત લોકોના હૃદયમાં ઉતરી ગઈ એક પછી એક ફટાફટ રમકડા વેચાવા લાગ્યા કાકાની આંખોમાં અને ચહેરા પર ખુશી જ ખુશી છવાઈ ગઈ.
બધો જ માલ લગભગ વેચાઈ ગયો ખભા પરનો થેલો હતો જે આખો રમકડાથી ભરેલો હતો તે પણ ખાલી થઈ ગયો કાકાએ બે યુવાનોને કહ્યું, ‘આ તો તમારી મહેનત છે અડધા પૈસા તમે લઈ જાઓ.’ યુવાને કહ્યું, ‘ ના, કાકા અમારા તરફથી તમારા માટે ભેટ હતી. તમે હવે શાંતિથી ઘરે જાવ.’ કાકા હસતા હસતા પૈસા ભેગા કરી ઘરે ગયા અને યુવાનોના ચહેરા પર કંઈક અજબ જ ખુશી હતી અને કાકા પાસેથી નાની નાની વસ્તુઓ ખરીદીને લઈને નીકળેલા લોકો પણ ખુશ દેખાતા હતા કે જાણે એક નાનકડું સારું કામ કર્યું. તમે પણ આવું ચોક્કસ કરજો. બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કંઈક નાનું કંઈક જરૂર ન હોય તો પણ ખરીદી લેજો.
–આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.