એન્ટીક દુકાન ચલાવતા ફિરદોસ વહાણવાળાની દુકાને એમનો એક ઓળખીતો –ખીમજી સંયોગવશાત ન ધારેલા તો ઠીક પણ ન કરેલા લફરાકાંડનો નાયક બની ગયો હતો તેની વિગત જણાવી રહ્યો હતો. ખીમજી એના ભાઈ પ્રેમજીના ઘરે ગયો હતો. પ્રેમજી ઘરે નહોતો અને પ્રેમજી પાસે જરૂર પડ્યે સાંત્વના લેતી પાડોશણ ખીમજીને પ્રેમજી માની લઇ પોતાનું દુ:ખ રડતી હતી ત્યારે પાડોશણના પતિએ ઘરમાં દાખલ થતાં પ્રેમજીને બદલે અજાણ્યા માણસને જોઈ બૂમાબૂમ શરૂ કરી. ખીમજી કોઈ સફાઈ આપી શકે એ અગાઉ એના ખીસ્સામાંથી લેડીઝ હાથરૂમાલ નીકળતા એનું ચરિત્ર શંકાસ્પદ લાગવા માંડ્યું. પાડોશીને લાગ્યું કે એ એની પત્નીનો હાથરૂમાલ છે જે ખીમજીએ એના તાબામાં લઇ લીધો છે!
આ વિગત સ્પષ્ટ થાય એ અગાઉ પ્રેમજીની કોઈ કન્યામિત્ર પોતાનો હાથરૂમાલ શોધતી પ્રેમજીના ઘરે આવી આથી ખીમજી ‘લેડીઝ હાથરૂમાલોનો હેવાયો’ છે એવી છાપ ઊભી થઇ રહી હતી એટલામાં ખીમજીના ઘરે રોકાયેલ મિત્ર દંપતીમાંથી મિત્રની પત્નીએ ખીમજીને ફોન પર કહ્યું કે ‘હાથરૂમાલથી કામ થઇ ગયું’. વાસ્તવમાં ખીમજીના ઘરે વોશ બેઝીનનો નળ બંધ નહોતો થતો – પાણી ટપક્યા કરતું હતું એ સમસ્યા હાથરૂમાલથી હલ કરી એમ એ મિત્ર પત્ની કહેવા માંગતી હતી પણ લેડીઝ હાથરૂમાલ બાબત સંશયાસ્પદ ઈમેજના શિકાર ખીમજી માટે આ ‘હાથરૂમાલથી કામ થઇ ગયું’ કિસમનો ફોન કોલ વધુ નુકસાન કરનારો સાબિત થયો કેમ કે આ કોલ આવ્યો ત્યાં સુધી સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા અને સોસાયટીના સેક્રેટરીએ ખીમજીનો ફોન સ્પીકર પર રાખવાનો આગ્રહ કરતાં ભેગા થયેલા સહુએ આ ‘હાથરૂમાલથી કામ થઇ ગયું’ એમ એક નારી સ્વરમાં સાંભળ્યું…
ફિરદોસ વહાણવાળા એટલે કે બાવાજીને આ ગોટાળા સાંભળી ખૂબ હસવું આવી રહ્યું હતું… મને પણ હસવું તો આવતું હતું પણ ખીમજી માટે સહાનુભૂતિ પણ થઇ રહી હતી. મેં કહ્યું ‘બને એવું ક્યારેક ખીમજીભાઈ… ભૂલી જવાનું બીજું શું!’ ‘મરેરે બને એવુંના બચ્ચા- હજી વાત ચાલુ છે…આ ખીમજી તો આમાં ભેરવાઈને ભમરડો થેઈ ગીયો – તને સુ લાગેચ કે અહીં ધી એન્ડ છે?’ મેં નવાઈ પામી ખીમજી સામે જોયું. ખીમજીએ કહ્યું ‘અરે ભાઈ વાત ત્યાં પતી નહીં…એ તો લાંબું ચાલ્યું…’ ‘તો કે’ની આખી વાત એમાં ભાવ સુ ખાયચ!’ કહેતા બાવાજી ફરી હસી પડતા બોલ્યા ‘બોલ બોલ.’
ખીમજીએ કહેવા માંડ્યું ‘આ બધી ગડબડ ચાલતી હતી અને હું મૂંઝાયો હતો કે શું કરું એટલામાં મારો ભાઈ પ્રેમજી આવી ગયો. આખી વાત સાંભળી એણે સહુને ખખડાવી નાખ્યા કે TRP માટે રાઈનો પહાડ બનાવતી TVની ન્યૂઝ ચેનલોની જેમ કચરા જેવી વાતમાંથી તમાશો કરી રહ્યા છો? મારા ભાઈનો ગુનો શું છે એ બોલો.- તો કોઈ કંઈ જવાબ આપી નહિ શક્યું. સોસાયટીના સેક્રેટરીએ સહુને વિખેરાઈ જવાની સૂચના આપી અને મારા ભાઈને કહ્યું – ‘‘તુમ્હારા ભાઈ હૈ ઇસ લિયે છોડ દેતે હૈ’’. તરત પ્રેમજીએ પૂછ્યું,‘‘કિસ ગુનાહ મેં સે છોડ દેતે હો? કિયા ક્યા હૈ મેરે ભાઈને?’’ સેક્રેટરીએ ગલ્લાતલ્લા કરતા કહ્યું ‘‘કિસીકા રૂમાલ પર ક્યોં નજર ડાલને કા?’’ પ્રેમજીએ પૂછ્યું ‘‘મેરે ભાઈને કિસ કે રૂમાલ પર નજર ડાલી? આપકે રૂમાલ પર? આપકી બીવી કે રૂમાલ પર?’’
આ સાંભળી સેક્રેટરી ટેન્સ થઇ ગયો અને મોટેથી આખી સોસાયટીના લોકોને સૂચના આપતો હોય એમ બોલ્યો : ‘‘સબ લોગ અપના અપના રૂમાલ ચેક કર લો – સહી જગહ પર હૈ ક્યા – બાદ મેં લફડા નહિ ચાહિયે.’’ આ ઘોષણા કર્યા બાદ એણે બાજુમાં ઉભેલી પોતાની પત્નીને પૂછ્યું ‘‘કાય ગ તુઝા રૂમાલ આહે ન તુઝ પાશી?’’ સેક્રેટરીની પત્ની આ ઓચિંતા સવાલથી ડઘાઈને પોતાની કમરના છેડે ચેક કરવા માંડી – ત્યાં એનો રૂમાલ નહોતો એટલે સેક્રેટરીએ ખીજવાઈને એની પત્નીને પૂછ્યું ‘નાહી? કુઠં ગેલા?’ સેક્રેટરીની પત્ની પાસે જવાબ નહોતો. પ્રેમજીએ ટોણો મારતો હોય એમ કહ્યું ‘ખુદ અપને રૂમાલ કા જિમ્મેદારી નહિ લેતે ઔર દુસરે લોગો કો પરેશાન કરતે હો!’’
સેક્રેટરી આ સાંભળી ઘવાઈ ગયો. એણે એની પત્નીને વઢતા કહ્યું ‘કાય રે તુ નીટ કાળજી ઘેત નાહી આણી મલા હે અસં એકાવે લાગતે! ચલ આતા – દાખવ કુઠં આહે તુઝા રૂમાલ…’’ એમ બબડતા એ પોતાની પત્ની સાથે ચાલ્યો ગયો. સહુ વિખરાયા પછી અમે બંને ભાઈઓએ નિરાંતનો શ્વાસ લીધો અને શાંતિથી દારૂ પીવા બેઠા. મેં પલંગ નીચેથી દારૂની બોટલ અને મારો પેગ બહાર કાઢ્યા. પ્રેમજીએ પોતાના માટે એક પેગ બનાવ્યો. અમે બંનેએ એકબીજાના પ્યાલા ટકરાવી ચીયર્સ કર્યું અને હજી તો પહેલો ઘૂંટ લઈએ ત્યાં તો… ખીમજી નાટ્યાત્મક રીતે અટક્યો. મેં પૂછ્યું ‘‘ત્યાં તો- શું થયું?’’ ‘‘અચાનક ડોરબેલ વાગી. પ્રેમજીએ ઊભા થઇ – હવે કોણ હશે? એવું બબડતા દરવાજો ખોલ્યો. હું પણ એની પાછળ દરવાજા પાસે ગયો. દરવાજો ખોલતાં જોયું કે સામે એક સ્ત્રી ઊભી હતી. એને જોઈ પ્રેમજીએ કહ્યું ‘અરે સુષ્માભાભી તમે? બોલો.’ ‘મારો હાથ રૂમાલ જડતો નથી…’ સુષ્માભાભીએ કહ્યું. પ્રેમજીએ મૂંઝાઈને પૂછ્યું – ‘તો?’ ‘તો એમ કે આ તમારા ભાઈએ તો નથી લીધો ને?’
પ્રેમજીએ નવાઈ પામી મારી સામે જોયું. મેં સુષ્માભાભી સામે જોઈ કહ્યું ‘આમ શું પૂછો છો? હું તો તમને ઓળખતો પણ નથી!’ સુષ્માભાભીએ જવાબ આપ્યો ‘ઓળખતા હોવ એનો જ રૂમાલ લો છો?’ આ સાંભળી મને સૂઝ્યું નહિ કે હું શું જવાબ આપું? પ્રેમજીએ અસમંજસમાં એ ભાભીને અને મને જોતા પૂછ્યું : ‘આ વાત રૂમાલની જ થઇ રહી છે ને?’ સુષ્માભાભી કંઈ જવાબ આપે એ પહેલાં સોસાયટીના દાદરા ઉપરથી અવાજ આવ્યો : ‘સુષ્મા…ક્યાં ચાલી ગઈ?’ આ સાંભળી ભાભી ઉતાવળે પાછા વળી દાદરો ચઢતા અમારી તરફ જોઈ બોલ્યા ‘આ વાત બરાબર નથી હં!’ અને ઝડપથી ચાલ્યાં ગયાં. ‘પછી?’ મેં ઉત્સુકતાથી પૂછ્યું. ‘પછી’ ખીમજીએ જવાબ આપ્યો ‘પ્રેમજીએ દરવાજો બંધ કર્યો અને અમે પાછા પીવા બેઠા.. ચૂપચાપ દારૂ પીવા માંડ્યા. બેત્રણ ઘૂંટ લીધા પછી પ્રેમજીએ મને કહ્યું : ‘ભાઈ…મને તારા પર પૂરો ભરોસો છે પણ આ લેડીઝ હાથરૂમાલ બહુ નાજુક અને વજનમાં બહુ હળવા હોય છે…’
‘તો?’ મેં મારા ભાઈને પૂછ્યું. પ્રેમજીએ કહ્યું ‘વજનમાં હળવા મતલબ આપણને ખબર પણ ન પડે એમ આપણી પાસે ઊડીને આવી જાય.’ પછી મને તાકીને પૂછ્યું ‘એવું કંઈ નથી થયું ને!’ ખીમજીએ કહ્યું- ‘મેં મારા ભાઈને કહ્યું – વગર પીધે લવારા ન કર. મને કોઈના હાથરૂમાલમાં ઇન્ટરસ નથી…શાંતિથી પીવા દે…’ કહી ખીમજીએ કહ્યું ‘આમ જુઓ તો પછી કંઈ ન થયું…પણ બીજા દિવસે સવારે હું મારા ભાઈને ઘરેથી મારા ઘરે જવા નીકળ્યો ત્યારે…’ ‘ત્યારે સોસાયટીના લોકો મને અજીબ નજરથી જોતા હતા અને સ્ત્રીઓ તો મારા પર નજર પડતાં જ તરત પોતાનો હાથરૂમાલ પોતાની પાસે જ સુરક્ષિત છે ને એ તપાસી લેતી હતી. સાલું હું તો વગર મફતનો બદનામ થઇ ગયો. બસ આટલી વાત છે. ‘બસ આટલી જ વાત?’ ખડખડાટ હસી પડતાં બાવાજી બોલ્યા ‘આ કંઈ નાલ્લી વાત છે કે?’ અને મારી સામે જોઈ આગળ બોલ્યા ‘તું જ બોલ. આના પરથી તો આખેઆખી ફિલમ બની જાય કે ની?’
***
આમ ગપ્પા મારી હું મારા ચાના બાંકડે આવવા બાવાજીની દુકાનથી નીકળ્યો ત્યારે બાવાજીએ મને એક લેડીઝ હાથરૂમાલ આપ્યો. મેં પૂછ્યું ‘આ શું?’ ‘કાલે રૂપા અયેં આવેલી તે એનો રૂમાલ ભૂલી ગેલી. જરા જતાં જતાં આપતો જજે.’ હું રૂપાનો રૂમાલ લઇ બાવાજીની દુકાનેથી નીકળ્યો અને મારા બાંકડા તરફ નજર કરી તો ત્યાં ખાસ્સી ભીડ થઇ ગયેલી . હું મારા બાંકડા તરફ દોડ્યો અને અધીર થઇ ગયેલા ચાના ગ્રાહકોને શાંત પાડતા ચા ચૂલે ચઢાવી. રૂપાને એનો હાથરૂમાલ આપવાનો ટાઈમ જ ન મળ્યો. મેં હાથરૂમાલ હું ચા બનાવતો એ ટેબલના ખાનામાં મૂકી દીધો – એમ વિચારીને કે સમય મળતા આપી આવીશ. એટલામાં અચાનક રૂપાને પોતાનો વડાંપાંઉનો સ્ટોલ છોડી મારા ચાના બાંકડે આવતી મેં જોઈ. એના રંગઢંગ પરથી એ ગુસ્સામાં હોય એવું લાગતું હતું. મારી પાસે આવી એ ઊભી રહી. મેં એને ચા ઓફર કરી. એનો કોઈ જવાબ ન આપતાં એણે રૂખા સ્વરમાં પૂછ્યું ‘મારો હાથરૂમાલ?’
‘હા’ મેં કહ્યું અને ટેબલનું ખાનું ખોલી રૂમાલ એને આપ્યો. એણે રૂમાલ લીધો અને આઘાત સાથે એ નીરખતા બોલી ‘પણ આ મારો રૂમાલ નથી!’ આ સાંભળી હું ખચકાયો અને ફરી ટેબલનું ખાનું ખોલી ચેક કર્યું. અંદર એક લેડીઝ હાથરૂમાલ પડ્યો હતો! એ કાઢી રૂપાને બતાવતા મેં પૂછ્યું ‘આ છે તમારો રૂમાલ?’ રૂપાએ હા પાડી અને મેં એને અગાઉ આપેલો હાથરૂમાલ પાછો કરતા પોતાનો હાથરૂમાલ લઇ લીધો. હું એણે પરત કરેલો રૂમાલ ફરી ખાનામાં નાખવા જતો હતો ત્યાં રૂપાએ મને પૂછ્યું : ‘પણ એ રૂમાલ છે કોનો?’ હું આશ્ચર્યથી રૂપાની સામે જોઈ રહ્યો.