Charchapatra

પણ શું કામ ઉજવવો છે સંવિધાન હત્યા દિવસ?

વડાપ્રધાને હવે ’25 જૂનને સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. 25 જૂન 1975માં જે થઇ ગયું એને હવે આટલાં વર્ષો પછી યાદ કરવાથી શું ફાયદો? આ દિવસ ઉજવવાથી સામાન્ય નાગરિકના જીવનમાં ફેર પડશે ખરો? અરે સાહેબ, ગઇ તિથિ તો જયોતિષી પણ નથી વાંચતો. કટોકટી વખતે દેશના વાતાવરણમાં શિસ્ત તો આવેલી જ હતી. ટ્રેઇનો નિયમિત દોડતી ઓફિસમાં કર્મચારીઓ ટાઈમસર આવતા લાંચ લેનારા ગભરાતા હતા. વેપારીઓ પણ દંડ નહીં થાય એની તકેદારી રાખતા વિ. તે વખતે સરમુખત્યારશાહી હતી. તો હમણા છેલ્લાં દશ વર્ષમાં અઘોષિત સરમુખત્યારશાહી નહીં હતી? બન્ને વખતે મિડિયાનો અવાજ દાબી દેવામાં આવેલો.

સત્તાનો દુરુપયોગ ઇ.ડી. અને આઈ.ટી.ના દરોડા પડવાથી નથી થયાં? પક્ષપલટો કરાવવા અઢળક નાણાં નથી વપરાયા? 8મી નવેમ્બરે કોઇ પણ જાતની પૂર્વ તૈયારી વગર નોટબંધી, કોરોના વખતે પણ અચાનક લોકડાઉન લોકોનું પગપાળા સ્થળાંતર વિ.માં પ્રજા ખૂબ હેરાન થઇ. સામે પક્ષે કોંગ્રેસે ઘોષણાની સામે ‘આજીવિકા હત્યા દિવસ અને ‘મોદી મુક્તિ દિવસ’ ઉજવવાનું નક્કી કર્યું છે. અરે ભાઈ સામાન્ય માણસને આવા કોઇ દિવસ ઉજવવામાં રસ નથી. એને તો પોતાની મુશ્કેલી દૂર થાય એ જ ઇચ્છા. આજે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. હવે તો અસલી નકલીની પરખ જ નથી થતી. મોંઘવારીએ માઝી મૂકી છે. યુવાનોને નોકરી નથી.આ બધી વાતો પર ધ્યાન આપો. આવા બધા દિવસો ઉજવવા કરતાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ બધાં ભેગાં મળીને પોતાને મળતા પગારમાં કાપ મૂકે, પેન્શન તથા બીજી સગવડો લેવાનું બંધ કરે તો દેશમાં રામરાજ્ય આવે.
સુરત     – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.­­­

Most Popular

To Top