સુરતઃ અલથાણ સંગિની સોલીટેરમાં રહેતા એક વેપારીને ત્યાં ગત રોજ GST વિભાગે રેડ કરી હતી. રેડ દરમિયાન વેપારીએ 5મા માળેથી 25 લાખના રોકડ અને દાગીના ભરેલી બેગ બાલ્કનીમાંથી નાંખી દીધી હતી. જે બેગ નીચેથી કોઈ ચોરી જતા મોટો હોબાળો મચ્યો હતો.
- અલથાણ સંગિની સોલિટેરમાં બનેલી વિચિત્ર ઘટનામાં પોલીસ શંકાના દાયરામાં
- GSTની રેડમાં 25 લાખની રોકડ, દાગીના ભરેલી બેગ વેપારીએ નાંખી દીધી, પોલીસને મળી, પાછી આપી નહીં!
- વેપારીએ GSTથી બચવા પાંચમા માળે ઘરની બાલ્કનીમાંથી રોકડ-દાગીના ભરેલી બેગ ઘા કરી દીધી
- કોઈ ગઠિયો લઈ ગયો, હોબાળો મચ્યો તો પોલીસે સીસીટીવીથી ગઠિયાને દબોચી મુદ્દામાલ રીકવર કરી લીધો
- જો કે પોલીસે બેગ પરત નહીં કરતાં વેપારીએ પણ હોબાળો મચાવ્યો
પોલીસે ગણતરીનાં કલાકોમાં એક ઈસમને ત્યાંથી સમગ્ર મુદ્દામાલ રિકવર કરી લીધો હતો. આ માલ પોલીસે વેપારીને પરત નહિ આપતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ પોલીસે આ મામલે કોઇ કાર્યવાહી નહિ કરતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, અલથાણ સંગિની સોલીટેરમાં એક વેપારીને ત્યાં GST વિભાગે ગત રોજ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન વેપારીએ બ્લેક મની છૂપાવવા રહેઠાણના 5મા માળેથી એક બેગમાં ૨૫ લાખની રોકડ અને સોનાના ઘરેણાં ભરી બાલ્કનીમાંથી ફેંકી દીધી હતી. જો કે નીચેથી આ બેગ એક ગઠિયો ઉઠાવી ગયો હતો. બેગની ખાસ્સી શોધખોળ કરવા છતાં નહિ મળતા ખૂબ હોબાળો થયો હતો.
બાદમાં આખો મામલે અલથાણ પોલીસમાં પહોંચ્યો હતો. અલથાણ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે બેગ ઉઠાવી જનારની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મોડી રાત્રે બોની નામના ઇસમને પકડી પાડ્યો હતો.પોલીસે તેના ઘરેથી સમગ્ર મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જો કે જપ્ત કરેલો મુદ્દામાલ પોલીસે વેપારીને પરત નહિ કરતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો.
પોલીસે આ મામલે આજદિન સુધી કોઈ કાર્યવાહી પણ કરી ન હતી. પોલીસે કોઈ કાર્યવાહી નહિ કરતા અને મુદ્દામાલ પણ વેપારીને પરત નહિ આપતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી હતી.
તપાસમાં કંઈ નીકળશે તો કાર્યવાહી કરાશે: ડીસીપી ગુર્જર
આ મામલે DCP ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, મામલાની તપાસ કરી રહ્યા છીએ, આ મામલે કંઈ પણ હશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
