National

મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇ-મેઇલ મોકલી 400 કરોડ માંગનાર 19 વર્ષીય આરોપી ઝડપાયો

નવી દિલ્હી: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અબજોપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) પાંચ વખત જાનથી મારી વાખવાના ધમકીભર્યા (Threat) મેલ મળ્યા હતા. મુંબઇ પોલીસે (Mumbai Police) ધમકી આપનાર 19 વર્ષીય આરોપીને તેલંગાણાથી (Telangana) અરેસ્ટ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વાનપાર્ધી તરીકે થઈ છે. એવો આરોપ છે કે વનપાર્ધીએ પોતે શાદાબ ખાનના નામે મેલ મોકલ્યો હતો અને પહેલા ઈમેલમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પછી તે ડિમાન્ડને વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી હતી અને લગભગ પાંચથી છ ઈમેલ (E-mail) મોકલ્યા હતા.

મુકેશ અંબાણીને પ્રથમ ધમકીભર્યો મેલ 27 ઓક્ટોબરે કંપનીના સત્તાવાર ઈમેલ આઈડી પર આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે જો તેને 20 કરોડ રૂપિયા નહીં મળે તો તે મુકેશ અંબાણીને મારી નાખશે. આ પછી બીજા દિવસે એટલે કે 28 ઓક્ટોબરે ફરી એક ધમકીભર્યો ઈમેલ આવ્યો, પરંતુ આ વખતે રકમ સીધી વધારીને 200 કરોડ રૂપિયા થઈ ગઈ. બીજા મેઈલના ત્રણ દિવસ પછી એટલે કે 30 ઓક્ટોબરે ત્રીજો મેઈલ આવ્યો, જેમાં ખંડણીની રકમ સીધી 400 કરોડ રૂપિયા થઈ ગઈ. આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી કારણ કે અગાઉ પણ ઉદ્યોગપતિને આવી ધમકીઓ આપવામાં આવી હતી અને હેડલાઈન્સ બન્યા બાદ મામલો અલગ વળાંક લઈ ગયો હતો.

મુકેશ અંબાણીને મોકલવામાં આવેલા ત્રીજા મેઈલમાં માત્ર ખંડણીની રકમમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ મેઈલમાં ધમકીનો સૂર પણ કડક કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે તમે અમારી વાત ન સાંભળી, હવે રકમ 400 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમારી સુરક્ષા ગમે તેટલી કડક હોય, અમારો એક સ્નાઈપર પૂરતો છે.

સતત ત્રીજી ધમકી મળ્યા બાદ પોલીસે પણ આ મામલે તપાસની ઝડપ વધારી દીધી હતી. ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે જે મેઈલ આઈડી દ્વારા મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી રહી છે તે શાદાબ ખાન નામના વ્યક્તિનું છે અને આ મેઈલ બેલ્જિયમથી આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી હતી કે આ વ્યક્તિનું સાચું આઈડી છે કે પછી આ મેઈલ નકલી આઈડી દ્વારા મોકલવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે બેલ્જિયમની મેઈલ પ્રોવાઈડર કંપનીનો પણ સંપર્ક કર્યો હતો તેમજ તેમની પાસેથી આ મેઈલ આઈડી વિશે માહિતી મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Most Popular

To Top