બીલીમોરા: બીલીમોરા રેલ્વે સ્ટેશન નજીક આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંતલીયાની રસિક સોપ ફેક્ટરીના માલિક મુકેશભાઈ ભુરાજી મારુ(ઉં.વ. ૪૮) એ કોઈ અગમ્ય કારણોસર ભેદી સંજોગોમાં ટ્રેન સામે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે 1:38 વાગ્યાના અરસામા બીલીમોરા રેલ્વે સ્ટેશનના દક્ષિણ યાર્ડમાં અપ રેલ્વે લાઈન પર ઓવરબ્રિજ નીચે મુકેશભાઈએ અપ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન સામે પડતું મૂક્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની અડફેટે આવતા તેમનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયુ હતુ. જેના કારણે સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ ટ્રેનના ડ્રાઇવરે બીલીમોરા સ્ટેશન પ્રબંધકને કરતાં ઓન ડ્યુટી સ્ટેશન માસ્તર દ્વારા રેલ્વે પોલીસને જાણ કરતાં રેલ્વે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં રેલ્વે ટ્રેકથી થોડે જ દૂર એક મોપેડ પડી હતી. જે ગાડી અંગે તપાસ કરતાં તેમાં મૃતક મુકેશભાઈના ભાઈનું નામ આવતા તેમને તેમનો સંપર્ક કરતા તેમણે આવી મુકેશભાઈ મારુની ઓળખ કરી હતી.
આ ઘટના અંગે બીલીમોરા રેલ્વે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મુકેશભાઈ બીલીમોરા આંતલીયા વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિ હતા અને ‘રસિક સોપ ફેક્ટરીના માલિક હતા. તેમના આ આકસ્મિક પગલાથી પરિવારજનો અને સ્થાનિક વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. મુકેશભાઈ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા. પત્ની અને સંતાનોએ ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમના ઘરનો મોભી આ રીતે અવિચારી પગલું ભરી લેશે. મુકેશભાઈએ ભેદી સંજોગોમાં આપઘાત કરી લેતા પરિવાર પર વજ્રાઘાત થયો છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ છે. રેલ્વે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.