સુરતઃ મહિધરપુરાના જાણીતા યાર્ન ડીલર અને સાંસદના પુત્રને ઓળખીતા વેપારીનો રેફરન્સ આપી 15થી 30 દિવસની ઉધારીમાં દામોડિયા દંપતીએ 55.13 લાખનું યાર્ન ઉધારીમાં ખરીદ્યું હતું. પેમેન્ટ ચૂકવવા સમયે દંપતીએ હાથ ખંખેરી લેતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ મામલે મહિધરપુરા પોલીસે કાર્યવાહી કરી પતિને ઝડપી પાડ્યો છે. જ્યારે પત્નીની શોધખોળ શરૂ કરી છે.
- સાંસદ મુકેશ દલાલના પુત્ર સાથે 55 લાખની ઠગાઈ
- ઓળખીતા વેપારીનો રેફરન્સ આપી દામોડિયા દંપતીએ 55 લાખનું યાર્ન બારોબાર વગે કર્યું
અડાજણના મહેરનગર સોસાયટીમાં રહેતા યાર્નના જાણીતા ડીલર અને સાંસદ મુકેશ દલાલના પુત્ર હેમિશ દલાલ (ઉં.વ.૩૫)એ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે, તેઓ ઝાંપા બજાર હજૂરી ચેમ્બર્સમાં યાર્નની ડીલરશિપ ધરાવી યાર્ન વેચવાનું કામ કરે છે.
તેઓ સપ્ટેમ્બર-2021માં દલાલ અનિલ સાથે પાંડેસરા ભીડભંજન સોસાયટીમાં ભ્રમાણી યાર્ન નામે વેપાર કરતા હરેશ મગનભાઈ દામોડિયા (રહે.,કાંટારેશ્વર સોસાયટી, કતારગામ)ની મુલાકાત કરવા ગયા હતા. હેમિશે તે સમયે અલગ અલગ યાર્નના સેમ્પલ વેચાણ માટે બતાવ્યાં હતાં. જેથી હરેશે યાર્નના ભાવ નક્કી કરી હેમિશ સાથે યાર્નનો વેપાર કરવાનું નક્કી કર્યું હતું.
હરેશે હેમિશને તેમના ઓળખીતા વેપારી દાસભાઈનો રેફરન્સ આપી 15થી 30 દિવસ ઉધારીમાં યાર્ન આપવા નક્કી કર્યું હતું. વિશ્વાસમાં આવેલા હેમિશે તેમની અલગ અલગ પેઢીમાંથી હરેશને ભ્રમાણી યાર્ન નામે જાન્યુઆરી-2022થી એપ્રિલ-2022 સુધીમાં 55.13 લાખનો માલ ઉધારીમાં આપ્યો હતો. બાકી પેમેન્ટ નહીં આવતાં કડક ઉઘરાણી કરતાં હરેશે 1.72 લાખનો યુનિયન બેંકનો ચેક આપ્યો તે પણ બાઉન્સ થયો હતો.
બાદ હરેશ વારંવાર ‘કપડાં વેચાશે એટલે પૈસા આપીશ’ કહીને સમય પસાર કરતો હતો. હરેશે હેમિશના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દેતાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેની પત્ની પુષ્પાના નામે પેઢી છે, પણ વહીવટ હરેશ પોતે જ કરે છે. આ મામલે મહિધરપુરા પોલીસે હરેશ અને તેની પત્ની પુષ્પા વિરુદ્ધ 13.43 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ગુનામાં હાલ પોલીસ હરેશની ધરપકડ કરી કોર્ટમાંથી એક દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે.