વાંસદા : વાંસદા (Vansda) તાલુકાના બારતાડ-કેળકચ્છ-ધરમપુરી-સરા અને કાળાઆંબા ગામમાં આવતી બસ (Bus) ૩ મહિનાથી બંધ થઈ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ધંધાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં બીલીમોરા ડેપોમાંથી (Depo) દિવસ દરમ્યાન ત્રણ બસ દોડાવવામાં આવી રહી હતી. આ ત્રણેય બસોના સમય મુજબ વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ખેડૂતો માટે મદદરૂપ થઈ રહી હતી. પરંતુ ત્રણ મહિનાથી આ રૂટની ત્રણેય બસો બંધ થઈ જતાં લોકોએ ખાનગી વાહનોમાં મોઘું ભાડું ખર્ચી મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. જેને લઇ વહેલી તકે તંત્ર દ્વારા આ બસો કયા કારણોસર બંધ કરી દેવામાં આવી છે એ તપાસ કરી યોગ્ય પગલાં ભરવા જોઇએ.
નાળાનું કામ ચાલી હોવાથી બસ બંધ છે
બારતાડ-કેળકચ્છ ગામના સીમાડે નાળાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે હાલ બસ ઉનાઈ સુધી ચાલે છે, નાળાનું કામ પૂર્ણ થયાનો હજી સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. ગામના સરપંચ દ્વારા નાળાનું કામ પૂર્ણ થયાની જાણ લેખિતમાં કરવામાં આવશે ત્યારબાદ સર્વે કરી બસ ચાલુ કરવામાં આવશે. – મેનેજર, બીલીમોરા ડેપો
અંકલેશ્વરમાં સ્કૂલ રિક્ષા ખાડામાં પલટી જતાં બે વિદ્યાર્થીને ઇજા
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણજાર લાગી રહી છે, તેવામાં અંકલેશ્વર ખાતે શુક્રવારે સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. અંકલેશ્વરના દિવા રોડ વિસ્તારમાં શુક્રવારે સવારે એક સ્કૂલ રિક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં બે વિદ્યાર્થીને નાની-મોટી ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વરની ખાનગી સ્કૂલનાં બાળકોને લાવવા અને મૂકી જતા સ્કૂલ રિક્ષાના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી રિક્ષા રોડની બાજુના ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બાદ આસપાસ ઉપસ્થિત લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડી મામલે અંકલેશ્વર પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.