તેહરાન: શિયા યાત્રાળુઓને (Shia Pilgrim) પાકિસ્તાનથી ઈરાક (Iraq) લઈ જતી બસનો મંગળવારે મોડી રાત્રે મધ્ય ઈરાનમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતની માહિતી આજે બુધવારે અધિકારીઓએ શેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં 28 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ સ્થાનિક ઈમરજન્સી સર્વિસના અધિકારી મોહમ્મદ અલી મલકઝાદેહને ટાંકીને આ અકસ્માતની માહિતી શેર કરી હતી. માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજધાની તેહરાનથી લગભગ 500 કિલોમીટર (310 માઈલ) દક્ષિણપૂર્વમાં યાઝદ પ્રાંતના તાફ્ટ શહેરની બહાર મંગળવારે મોડી રાત્રે ભયાનક અક્માત સર્જાયો હતો. અકસ્માત સમયે બસમાં કુલ 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તે તમામ પાકિસ્તાનના રહેવાસી હતા. ત્યારે આ દુર્ઘટનામાં 23 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જેમાંથી 14ને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ 28 લોકોના મૃત્યુ થયા હતા. જો કે મૃતકોની સંખ્યા વધે તેવી સંભાવના છે.
આ કારણે અકસ્માત સર્જાયો હતો
અકસ્માતની માહિતી સામે આવ્યા બાદ ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ અકસ્માત માટે બસની બ્રેક ફેઈલ અને ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. દરમિયાન શિયાના યાત્રાળુઓના મોત બાદ પાકિસ્તાનના સ્થાનિક શિયા નેતા કમર અબ્બાસને ટાંકીને એક સમાચારમાં માહિતી આપવામાં આવી હતી કે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા હતા. ત્યારે આ મામલે અબ્બાસે કહ્યું હતું કે યાત્રાળુઓની બસ પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતના લરકાના શહેરથી શ્રદ્ધાળુઓને લઈને જઈ રહી હતી. જો કે આ ઘટના પર પાકિસ્તાન સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
યાત્રાળુઓ ઈરાક જઈ રહ્યા હતા
મળેલી માહિતી મુજબ પાકિસ્તાની શ્રદ્ધાળુઓ અરબાઈન માટે ઈરાક જઈ રહ્યા હતા. ત્યારે જણાવી દઇયે કે અરબાઈન એ ઈસ્લામિક ઈતિહાસની પ્રથમ સદી દરમિયાન કરબલાના યુદ્ધમાં પ્રોફેટ મુહમ્મદના પૌત્ર હુસૈનની શહાદતના 40મા દિવસની યાદમાં ઉજવવામાં આવતી ધાર્મિક વિધિ છે. હુસૈનને પ્રોફેટ મુહમ્મદના યોગ્ય અનુગામી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે હુસૈને ઉમૈયા શાસક યઝીદ 1 નો સાથ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે કરબલામાં યુદ્ધ થયું હતું, જેમાં હુસૈન અને તેના કેટલાક સાથીઓ શહીદ થયા હતા. જેથી દર વર્ષે વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અરબાઈન માટે ઈરાકના કરબલામાં એકઠા થાય છે.