સુરત: ભાવનગરમાં આજે તા. 17 ડિસેમ્બરની સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં ત્રાપજ નજીક લક્ઝરી બસ ડમ્પર સાથે ટકરાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 6 મુસાફરોના મોત થયા છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અડધી લક્ઝરી બસના ભુક્કા બોલાયા હતા. લક્ઝરી બસનો કચ્ચરગાણ નીકળ્યો હતો. સુરતથી રાજુલા જઈ રહેલી બસ એપલ ટ્રાવેલ્સની બસ હોવાની માહિતી સાંપડી છે.
લક્ઝરી બસના ડ્રાઈવરવલ્લભ મકવાણાના જણાવ્યા અનુસાર તેમની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. બસ મુસાફરોથી ભરેલી હતી. ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઈડમાં ઉભું હતું પણ કોઈ પત્થરો મુકેલા નહોતા. ડમ્પરની નજીક પહોંચ્યા બાદ ધ્યાન ગયું. પ્રયત્ન કરવા છતાં બસ મારા કાબુમાં રહી નહોતી અને ડમ્પર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં ગોવિંદ ભરત કવાડ (ઉં.વ. 4, રહે. માંડલ), તમન્ના ભરત કવાડ (ઉં.વ. 7, રહે માંડલ), ખુશી કલ્પેશ બારૈયા (ઉં.વ. 8, રહે. મોરંગી), જયશ્રી મહેશ નકુમ (ઉં.વ. 38, રહે. વાઘનગર), ચતુરાબેન મધુભાઈ હડિયા (ઉં.વ. 45, રહે. કોટડી-રાજુલા) અને છગન કળાભાઈ બલદાણિયા (ઉં.વ. 45, રહે રસુલપરા-ગીરગઢડા)નું મોત નિપજ્યું છે.
આ અકસ્માતમાં કાળનો કોળિયો બનનાર ગોવિંદ અને તમન્ના સગા ભાઈ-બહેન હતા. તેમનો પરિવાર ખેતી અને વેપાર સાથે જોડાયેલો છે. બંને ભાઈ-બહેન પરિવાર સાથે સુરતમાં આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે કાળનો ભોગ બન્યા.