રાજપીપળા: ડેડિયાપાડાથી એસ.ટી. બસ (ST Bus) અંકલેશ્વર (Ankleshwar) જવા રવાના થઈ હતી. જો કે, બસ અંકલેશ્વર પહોંચે એ પહેલાં જ સામરપાડા સીદી ગામ નજીક બાઇકચાલકને બચાવવા જતાં બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં (Accident) ઘાયલ અમુક મુસાફરોને સારવાર અર્થે ડેડિયાપાડાની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયા હતા. જ્યારે વધુ ઘાયલ બાઈકચાલક તથા 4 મુસાફરને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ડેડિયાપાડા પોલીસે (Police) આ અકસ્માતની ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- સામરપાડા સીદી ગામ નજીક બસ પલટી, 58 ઘાયલ
- અકસ્માતને પગલે મુસાફરોમાં રડારોડ થઈ ગઈ
- બાઈકચાલક સહિત 4 ઘાયલ મુસાફરને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા
- નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુશાબેન વસાવાએ પણ લોકોને મદદ કરી
- ડેડિયાપાડા પોલીસે અકસ્માતની ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ડેડિયાપાડાના નાની બેડવાણથી અંકલેશ્વર જતી એસ.ટી. બસ સામરપાડા સીદી ગામ નજીક પહોંચી ત્યારે બાઈકચાલકને બચાવવા જતાં બસ અચાનક પલટી ગઇ હતી. આ અકસ્માતને પગલે મુસાફરોમાં રડારોડ થઈ ગઈ હતી. તો બીજી બાજુ આસપાસના લોકો પણ ઘટના સ્થળ પર પહોંચી બસમાં ફસાયેલા ઘાયલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકોએ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુશાબેન વસાવાને કરી હતી. તેઓ પોતાની અગત્યની મીટિંગમાં જઈ રહ્યાં હતાં, એ મીટિંગ રદ કરી તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ મુસાફરોને સારવાર માટે મોકલવાની વ્યવસ્થામાં લાગી ગયાં હતાં. તુરંત તેઓએ 108ને ફોન કરી ઘાયલ મુસાફરોને ડેડિયાપાડાની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
મુસાફરો વધુ હોવાના કારણે 108ની સાથે સાથે એમણે પોતાનાં ખાનગી વાહનમાં અને અન્ય ખાનગી વાહનો કરી મુસાફરોને સારવાર અર્થે ખસેડ્યા હતા. 58 ઘાયલો પૈકી વધુ ઇજાગ્રસ્તને રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. એસ.ટી. બસમાં ડ્રાઇવર- કંડક્ટર સાથે કુલ 58 જેટલા મુસાફરો હતા. મળતી માહિતી મુજબ ઘાયલ મુસાફરો પૈકી 4 વધુ ઘાયલ મુસાફર અને બાઈકચાલકને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. આ બનાવમાં ડેડિયાપાડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.