સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારાથી (Saputara) વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા-ચીખલી ગામ નજીક સાપુતારા બાલાસીનોર એસટી બસ (ST Bus) સ્લીપ ખાઈને ઝાડ (Tree) સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો.
- બસ કાદવ પરથી સ્લીપ મારી માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો
- એસટી બસમાં સવાર 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ
- એસટી બસનાં ચાલકે મહામહેનતે બસને કન્ટ્રોલમાં કરતા અહી મોટી દુર્ઘટના ટળી
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વહેલી સવારે શામગહાનથી બાલાસીનોર જઈ રહેલી ગુજરાત એસટી નિગમની સાપુતારા-બાલાસીનોર બસ નં. જી.જે.18.ઝેડ. 7486 જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ચીખલી ગામ નજીકનાં વળાંકમાં માર્ગમાં ઉતરી કાદવ પરથી સ્લીપ મારી માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં એસટી બસમાં સવાર 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવમાં એસટી બસનાં બોનેટને નુકસાન થયુ હતુ. સાપુતારા-બાલાસીનોર એસટી બસનાં ચાલકે મહામહેનતે બસને કન્ટ્રોલમાં કરતા અહી મોટી દુર્ઘટના ટળી હતી.
માંડવા નજીક કન્ટેનર નીચે દબાઈ જતાં બાઈક ચાલકનું મોત
વલસાડ : નાનાપોંઢા નાશિક માર્ગ ઉપર માંડવા ટાકુનીયા ફળિયા નજીક પૂરપાટ ઝડપે જતાં કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગયું હતું. જેની આગળ ચાલી રહેલા બાઈકને અડફેટે લેતા બાઈક કન્ટેનર નીચે દબાઈ જતાં ઘોટણના યુવાનનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનાપોંઢા તરફ જઈ રહેલા કન્ટેનરના ચાલકે માંડવા તાકુનીયા ફળિયા નજીક સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલા બાઈક અડફેટે લીધું હતું. બાઈક ચાલક નામુ હરી ગબાલી (રહે. ઘોટણ, તા. કપરાડા) કન્ટેનર નીચે દબાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પિતા હરી ગબાલીએ કન્ટેનર ચાલક સુરેન્દ્રસિંગ શિવચરણ (રહે.ચોરેહલ, એમપી) સામે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.