સુરતઃ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતાં વાહનોની સંખ્યાની સાથે અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સુરત જિલ્લાના કોસંબા નજીક થયો હતો. રાજસ્થાનથી મુંબઈ જતી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા નજીક ખીણમાં ખાબકી હતી. અકસ્માત થયો ત્યારે બસની અંદર 40 પેસેન્જર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ તરફ જતી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી હતી. અંદર બેઠેલા 40 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મુસાફરોની ચીચીયારીઓથી વહેલી સવારે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
એક્સિડેન્ટની માહિતી મળતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બસ ખીણમાં ખાબકી હતી. અંદર મુસાફરો ફસાયેલા હતા. મુસાફરોને બસની બહાર કાઢવા ફાયર બ્રિગેડે બસના પતરાં કાપવા પડ્યા હતા. ફાયર બ્રિગેડે 40 મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. બે મુસાફરોને ઈજા થઈ હતી. પ્રાથમિક તબક્કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતા તેણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના લીધે બસ રસ્તા પરથી ઉતરી ખીણમાં ખાબકી હતી.
ફાયરના સૂત્રોએ કહ્યું આજે બુધવારે તા. 27 નવેમ્બરની સવારે 5 વાગ્યા આસપાસ એક્સિડેન્ટનો કોલ આવ્યો હતો. ફાયરે 40 મુસાફરોને રેસ્ક્યુ કર્યા છે. કેટલાંક લોકો કેબિનમાં ફસાઈ ગયા હતા. કેટલાંક સોફા પર પણ ફસાયા હતા. તમામ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. બે લોકોને થોડી ગંભીર ઈજા હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ભાગી ગયો હતો.