ગાંધીનગર : અરબ સાગર પર રહેલી સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટી પર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 36 કલાકની અંદર દ્વારકામાં જાણે કે આભ ફાટયુ હોય તે રીતે 22 ઈંચ જેટલો વરસાદ થયો છે. જેના પગલે સમગ્ર દ્વારકા નગરી પાણી પાણી થી જવા પામી છે. દ્વારકા ઉપરાંત જુનાગઢ, તાલુકો , જુનાગઢ સીટી , સહિતના આજુબાજુના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે છેલ્લા 24 કલાકની અંદર 15 ઈંચ અને આજે દિવસ દરમ્યાન સાંજે છ વાગ્યા સુધીમાં 7 ઈંચ જેટલો વરસાદ થયો છે. એટલે કે 22 ઈંચ જેટલો વરસાદ થયો છે. આ ઉપરાંત જુનાગઢ તાલુકામાં 5.3 ઈંચ , જુનાગઢ સીટીમાં 5.3 ઈંચ , ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 4.6 ઈંચ, તાલાલામાં 4 ઈંચ , વંથલીમાં પોણા ચાર ઈંચ , મેંદરડામાં 3 ઈંચ , માણાવદરમાં 3.2 ઈંચ જેટલો વરસાદ થયો છે, સરેરાશ રાજયમા્ં 14 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 7 ઈંચ જેટલો વરસાદ થયો છે.
છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે. રોડ-રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે, ખેડૂતોના ઊભા પાકને બારે નુકસાન થયુ છે. આખા બજારમાં કમર સુધી પાણી ભરાયેલા છે. મીરા નામની આ હોટલમાં પાણી પ્રવેશી ચુક્યા છે. હોટલ પાણીથી એટલી તરબોળ થઈ ગઈ છે કે તેમાં રહેલો તમામ સામાન ખરાબ થઈ ગયો છે. યાત્રિકોને ભારે હાલાકી ઉઠાવવી પડી હતી. વારકાનું બજાર જગત મંદિર નજીક જ આવેલું આ મેન બજાર હાલ પાણીમાં સમાઈ ગયું છે. ઘૂંટણ સુધી ભરાયેલા પાણીને કારણે કોઈ બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. અનેક વાહનો પણ વરસાદમાં ખોટકાયા હતા. નાના વાહનો તો પાણીમાંથી પસાર થઈ શકે તેવી કોઈ સ્થિતિ જ નથી.
સંખ્યાબંધ ગામો બેટમાં ફેરવાયા, સંપર્ક વિહોણા બન્યા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 174 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 152 પંચાયત હસ્તકના, 7 સ્ટેટ હાઇવે અને 14 અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે.સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 70 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 65 રસ્તાઓ બંધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 રસ્તાઓ બંધ છે, જ્યારે રાજકોટ અને જામનગર જિલ્લામાં દરેકમાં 6-6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ રસ્તાઓ બંધ કરવાની તૈયારી રાખવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ અસરગ્રસ્ત ગામો મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે.
સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 19 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પોરબંદર જિલ્લામાં 8 ગામો અને જૂનાગઢ જિલ્લામાં 3 ગામો વીજળી વિનાના થયા છે.ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આજે વધુ 45 લોકોને બચાવ દળો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યભરમાં કુલ 483 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.