મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ ડો.વીરેન્દ્ર કુમારના સત્તાવાર નિવાસસ્થાનની પાસે 43 જેટલા મતદાર ઓળખ કાર્ડ મળતાં હડકંપ મચી ગયો છે. આ કાર્ડોમાંથી કેટલાક બળેલા હાલતમાં હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ પહોંચ્યા અને તમામ કાર્ડ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.
માહિતી મુજબ સિવિલ લાઇન રોડ પર આરોગ્ય વિભાગના કર્મચારીના સરકારી રહેઠાણની સામે આ કાર્ડો મળી આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ ઘર કેન્દ્રીય મંત્રીના બંગલાની બાજુમાં આવેલું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કાર્ડોનો ઉપયોગ કોઈ યોજનાનો લાભ લેવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.
સાંસદના પ્રતિનિધિ વિવેક ચતુર્વેદીએ પોતે આ મુદ્દાની જાણ વહીવટીતંત્રને કરી હતી. ત્યારબાદ તરત જ તહસીલદાર સત્યેન્દ્ર સિંહ ગુર્જર, પટવારી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ તમામ કાર્ડ કબ્જે લઈને પોલીસ કસ્ટડીમાં રાખ્યા છે.
ટીકમગઢના કલેક્ટર વિવેક શ્રોટિયાએ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસના આદેશ આપ્યા છે. હાલમાં આ મામલે વિગતવાર પૂછપરછ ચાલી રહી છે કે આ કાર્ડો અહીં કેવી રીતે પહોંચ્યા અને કોણ તેનો ઉપયોગ કરી રહ્યું હતું.
વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્ડોમાં ઘણા નામ અને વિગતો મળી છે. જેમાંથી કેટલાક સંપૂર્ણ રીતે સાચા લાગે છે. પરંતુ કેટલાક કાર્ડ બળી ગયા હોવાથી તમામની પુષ્ટિ થવામાં સમય લાગી શકે છે.
હાલમાં આખા જિલ્લામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વહીવટીતંત્રે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ કાર્ડોનો દુરુપયોગ કરતો હોવાનો પુરાવો મળશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.