Comments

પોતાને સવાયા શાહુકાર માનતા ચોરને ઘેર ચોરી

અંગ્રેજી શાસકોની ધૂર્તતા, ક્રૂરતા અને લૂંટારૂવૃત્તિ બાબતે લગભગ સૌ એકમત હશે, એમ તેમના વહીવટ, દસ્તાવેજીકરણની સૂઝ અને સાચવણ બાબતે પણ ભાગ્યે જ કોઈ બેમત હશે. સાવ મુઠ્ઠીના કદના દેશનું શાસન અડધીઅડધ દુનિયામાં વ્યાપેલું રહે એ કેવળ તેમની બહાદુરીને કારણે નહીં, પણ આવા અનેક ‘ગુણોને’કારણે- એ હકીકત સ્વીકારવી જ રહી. અંગ્રેજી શાસન દરમિયાન આચરવામાં આવેલી ક્રૂરતા અને ઈતિહાસ સાથે તેમણે કરેલી પદ્ધતિસરની છેડછાડના અનેક દાખલા સમયાંતરે પ્રકાશમાં આવતા રહ્યા છે. સાથેસાથે એ વક્રતા પણ જાવા મળે છે કે અંગ્રેજા જે તે દેશ છોડીને ગયા પછી સ્થાનિક શાસકોના વહીવટ અને શાસને અંગ્રેજોને સારા કહેવડાવ્યા હોય. ‘ભાગલા કરો અને રાજ કરો’ની શાસનનીતિ અંગ્રેજોની દેણગી છે, જેની પર તેમનો એકાધિકાર રહ્યો નથી.\

લંડન સ્થિત બ્રિટિશ મ્યુઝિયમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સ્થપાયું અને અંગ્રેજોએ પોતાના શાસનપ્રદેશોમાંથી એકઠી કરેલી અનેકવિધ મૂલ્યવાન ચીજવસ્તુઓનું તે ઉત્તમ સંગ્રહસ્થાન ગણાતું રહ્યું છે. વિવિધ પ્રકારના વિભાગ ધરાવતું આ મ્યુઝિયમ દુનિયાભરના સહેલાણીઓને આકર્ષતુ રહ્યું છે. અહીં પ્રદર્શિત અનેક મૂલ્યવાન ચીજો લૂંટીને એકઠી કરાયેલી હશે પણ સંગ્રહ અને સાચવણી માટે આ મ્યુઝિયમ ખ્યાતનામ છે. અલબત્ત, આ મ્યુઝિયમમાં તેના સંગ્રહ પૈકીની માત્ર 1% ચીજોને જ પ્રદર્શિત કરવામાં આવી હોવાનું મનાય છે તેના પરથી ખ્યાલ આવશે કે તેનો સંગ્રહ કેટલો વિશાળ અને મૂલ્યવાન હશે.

અમુક દેશોમાંથી લૂંટીને લાવેલી ચીજો અંગ્રેજોએ એ કારણથી અહીં સાચવી રાખી છે કે તેના મૂળ માલિકીવાળો દેશ તેને જાળવી શકે એમ નથી અને તેમને જે તે ચીજ પાછી આપવાથી ત્યાં એના ચોરાઈ જવાનો ભય છે. અંગ્રેજોની આવી સામ્રાજ્યવાદી માનસિકતા ટીકાનો વિષય રહી છે, પણ તેઓ બહુ ગંભીરતાપૂર્વક આમ માને છે. છતાં, વધુમાં વધુ મુલાકાતીઓને આકર્ષતું હોય એવા સ્થળમાં તે વિશ્વભરમાં ત્રીજા ક્રમાંકે છે અને વર્ષ 2022માં ચાલીસેક લાખ લોકોએ તેની મુલાકાત લીધી હતી.

સંગ્રહ અને સાચવણીની આવી પ્રતિષ્ઠા ધરાવતા બ્રિટીશ મ્યુઝીયમ બાબતે તેની છબિથી સાવ વિપરીત કહી શકાય એવી ઘટના બની છે. એ મુજબ અહીંથી બેએક હજાર મૂલ્યવાન ચીજો પગ કરી ગઈ છે અને એમાંની કેટલીક ebay જેવી સાઈટ પર વેચાવા માટે મૂકાઈ ગઈ છે. છેલ્લા એકાદ વરસના સમયગાળામાં આમ બનતું રહ્યું છે. ચોરાયેલી ચીજામાં મુખ્યત્વે ગ્રીક અને રોમન રત્નો તથા ઝવેરાત છે. આ બાબતે વિવાદ ન થાય તો જ નવાઈ!

‘ધ બ્રિટિશ મ્યુઝિયમ્સ’પુસ્તકના લેખક પ્રો.ડેન હુક્સે જણાવ્યું છે કે આ ચોરી થકી દુનિયાભરની વિરાસતના પહેરેદાર હોવાની બ્રિટિશ મ્યુઝિયમની માનસિકતા બદલાય તોય ઘણું! ‘ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ ઑફ આફ્રિકન રીપેરેશન્સ’ના વડા બેલ રીબેરો-એડીએ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘’આ ચીજવસ્તુઓ પોતાની પાસે રાખવાનું સૌથી અપમાનજનક કારણ બ્રિટિશ મ્યુઝિયમ એ આપે છે કે જે તે દેશ પોતાની એ ચીજને સાચવી શકે એમ નથી અને હવે એમના જ દેશમાં (બ્રિટનમાં) લોકો એ ચીજવસ્તુઓને ebay પર વેચવા મૂકી રહ્યા છે.

મ્યુઝિયમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝમાંના એક જ્યોર્જ ઓસ્બોર્ન એ વિગત પ્રકાશમાં લાવ્યા છે કે મ્યુઝિયમ પાસે પોતાને ત્યાંની તમામ ચીજવસ્તુઓની સંપૂર્ણ યાદી નથી. જેને આ બાબતની જાણ છે એ આનો ગેરલાભ લઈને કેટલીક કિંમતી વસ્તુઓ બારોબાર સગેવગે કરી શકે છે, આથી ગુમ થયેલી ચીજાની તપાસની સાથેસાથે પોતાની પાસેની ચીજવસ્તુઓની યાદી બનાવવાની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવી પડશે. ઘણાંના મતે આ ઘટના ‘ચોરને ઘેર ચોરી’જેવી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પિટ રિવર્સ મ્યુઝિયમના વર્લ્ડ આર્કિઓલોજીના નિયોજક હુક્સ આ ઘટનાને સાચવણીના વિક્ટોરિયન મોડેલનો ધીમી ગતિએ થઈ રહેલો અંત ગણાવે છે. તેમના મત અનુસાર આ મોડેલને સમજવું હોય તો એટલું જ કહી શકાય કે તેમાં પારદર્શિતાનો અભાવ છે. બ્રિટિશ મ્યુઝિયમ સહિત ઈંગ્લેન્ડના કેટલાંક રાષ્ટ્રીય મ્યુઝિયમ હજી એ જ યુગજૂની સામંતશાહી માનસિકતાને વળગી રહ્યા છે. તેઓ માને છે કે, આવી ચીજવસ્તુઓને પોતાના કબજામાં રાખવી અને તેના વિશે અન્યોને ન જણાવવું એ તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે. આ ચોરી બાબતે બ્રિટનમાં જ મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે. શાસક માનસિકતા ધરાવતો વર્ગ શાસિતોના મનમાં એ ઠસાવવામાં સફળ રહે છે કે તેમના સિવાય શાસિતોનો ઉદ્ધાર નથી. આ માનસિકતા શાસિતોના માનસમાં એ હદે ઊંડી ઊતરી જાય છે કે તેઓ પણ એમ જ માનવા લાગે છે.

બ્રિટિશ મ્યુઝિયમની આ ચોરીએ બ્રિટિશ મિથ્યાભિમાનને ઉઘાડું કરી આપ્યું છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. દુનિયાભરની કિંમતી ચીજોના પોતાને નૈસર્ગિક રખેવાળ માનતા-મનાવતા હોય એવા મ્યુઝિયમમાં ચોરી થતી રહે, એટલું જ નહીં, એની જાણ સુદ્ધાં તેમને ન થાય એ કંઈ આનંદની વાત નથી, પણ કુદરતી ન્યાય જેવું કહી શકાય. ધીમે ધીમે ઘણી વસ્તુઓ કદાચ પાછી મેળવાશે, તેની યાદી બનાવવાનો પણ પ્રયત્ન થશે, સુરક્ષાવ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવશે અને બીજા ઘણાં પગલાં લેવાશે, છતાં બ્રિટિશ મ્યુઝિયમની અત્યાર સુધી ટકાવી રાખેલી આબરૂ ખરડાઈ તેમાં રહેલાં છીંડાં દુનિયાએ જોયા.

આ મામલાને નાગરિકધર્મ સાથે સાંકળી શકાય કે કેમ? એક નાગરિક તરીકે એટલું અવશ્ય નક્કી કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કદી સંપૂર્ણ હોતી નથી. જે તે વ્યક્તિ કે સંસ્થાને કદાચ આ બાબતની જાણ હોય છે પણ નાગરિકો એ વીસરી જતા હોય છે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ હોય કે સંસ્થા, તેના કામની સમીક્ષા નાગરિકોએ કરવી જ જોઈએ. નાગરિકો એમ કરવું ચૂકીને તેની પ્રશસ્તિમાં સરી પડે ત્યારે તેઓ પોતાનો ધર્મ ચૂકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top