Charchapatra

આભારનો ભાર

જાહેર સભા, કાર્યક્રમને અંતે આભારવિધિની રસમ છે, જેમાં હાજર રહેનાર, મદદરૂપ થનાર અને દાતાઓની નોંધ સાથે આભાર વ્યક્ત કરવામાં આવે છે. અવશ્ય કરવા જેવાં કામમાં ઋણ સ્વીકાર આવે. આપણને અણીના સમયે કે કોઈ પણ રીતે મદદરૂપ થનાર મિત્ર, પાડોશી કે સગાંસંબંધીઓનો ઋણ સ્વીકાર કરવો જોઈએ.  અહેસાન, પાડ, ઉપકારને કારણે જીવનમાં આગળ વધીએ ત્યારે ઋણ સ્વીકાર કરવો જોઈએ. ઉપકારને ભૂલવાની ભૂલ કરવા જેવી નથી. દેવું, કરજમાં હોઈએ અને કોઈ આગળ આવે તો જીવનની સમસ્યાનો નિકાલ થાય છે. ગણિતની ભાષામાં ઋણ એટલે બાદ કરવાની ઓછાની નિશાની એવો થાય છે. અહીં વાત આભારના ભારની છે. કેટલાંક આ બાબતને નજરઅંદાજ કરે તે અયોગ્ય છે.

અનેક પ્રકારના ઋણમાં વ્યક્તિ, અતિથિ, દેવ, મા-બાપ, પ્રકૃતિ, વતન અને ભૂમિનું ઋણ સ્વીકારી ચૂકવવું જોઈએ. આજની પેઢી પર ગઈ પેઢીનું ઋણ એ સત્ય હકીકત છે. વડીલોની સારસંભાળ રાખવી જોઈએ. વૃદ્ધ એટલે અનુભવી. ભૂતકાળમાં એમણે કુટુંબ,સમાજ અને દેશ માટે કામ કર્યું છે, એમની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. સમાજે પણ વડીલોનો ઋણસ્વીકાર કરવો જોઈએ. વૃદ્ધાવસ્થામાં દીકરાઓ મા-બાપનું ઋણ ભૂલીને વર્તે એ સરાસર ખોટું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં દાન આપનાર મહાજનોનો જાહેરમાં યથાયોગ્ય સન્માનિત કરી ઋણસ્વીકાર કરીએ. પ્રાકૃતિક સંપદા એ માનવી માટે સૌથી મોટું ઋણ હોઈ પર્યાવરણ જાગૃતિ રાખી તેનું જતન કરવું જોઈએ. કુદરતી સ્રોતનો પણ આભારનો ભાર સ્વીકારીએ. ઋણ સ્વીકાર માટે સતત જાગૃત રહીએ. ચાલો, કૃતજ્ઞતાનો ભાવ કેળવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top