ગુરુજી રોજ સાંજે એક પ્રશ્ન બધા શિષ્યો સામે મુક્ત અને બધા પાસેથી જવાબ માંગતા અને વિચાર વિમર્શ અને સવાલ જવાબમાં એક સરસ પાઠ ભણાવી દેતા.એક સાંજે ગુરુજીએ શિષ્યને પૂછ્યું, “સૌથી વધારે બોજ ઉઠાવીને કોણ ફરે છે…અને પોતાના આ ઉઠાવેલા બોજને લીધે કયા પ્રાણીનું જીવન અઘરું છે?” મોટા ભાગના શિષ્યોના મનમાં બોજ ઉઠાવનાર પ્રાણી તરીકે ગધેડાનું નામ ચમક્યું ….તેઓ બોલી ઉઠ્યા ગધેડો ….
ગુરુજીએ કહ્યું,”હા ગધેડો બોજ ઉપાડે છે …પણ એક હદ સુધી અને થોડા અંતર સુધી જ.” અમુક શિષ્યોએ વિચારીને કહ્યું, “બળદ” ગુરુજીએ કહ્યું, “હા, બળદ પણ બોજ ઉપાડે છે …પણ તે પણ થોડેક સુધી અને બળદ ગાડામાં જોડાઈને બીજા બળદ અને ગાડાના પૈડાના સાથ સાથે …”કોઈકે કહ્યું, “ઊંટ” ગુરુજીએ કહ્યું,”હા ઊંટ પણ બોજ ઉપાડે છે ..પણ માત્ર રણ પ્રદેશમાં અને થોડા અંતર સુધી અને ક્યારેક ઊંટગાડી માં જોડાઈને…”
હવે શિષ્યો બોલ્યા, “હાથી સૌથી વધારે બોજ ઉઠાવે છે…ભારેખમમાં ભારેખમ વસ્તુ ઉપાડવા હાથીની મદદ લેવામાં આવે છે.” ગુરુજીએ કહ્યું, “બરાબર હાથી સૌથી વધારે બોજ ઉપાડે છે પણ તે બોજ ઉપાડીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઇ જય છે અને પછી બોજ નીચે ઉતારી તેમાંથી છુટકારો મેળવી લે છે…..
બરાબર …અને તમે જે બધા પ્રાણી જણાવ્યા બધા પ્રાણીઓ તેમની અમુક ક્ષમતા પ્રમાણે બોજ આપણે માણસો મુકીએ છીએ અને તે બોજને તેની મંઝીલ સુધી પહોચાડી …તે બોજ પ્રાણીઓ પરથી ઉતારી લઈએ છીએ. આ પ્રાણીઓ પર તો આપણે બોજ લાદીએ છીએ મને એવું પ્રાણી કહો જે પોતે બોજ ઉઠાવીને ફરે છે?” હવે શિષ્યો મૂંઝાયા તેમની પાસે કોઈ જવાબ ન હતો.
ગુરુજીએ કહ્યું,”સંસારમાં સૌથી વધારે બોજ ઉઠાવી ફરનાર પ્રાણી ‘માણસ’ છે…..માણસ પોતાના મન અને મશ્તીષ્ક પર જીવનના અંત સુધી અનેક પ્રકારના બોજ લઈને ફરે છે. ફરજનો બોજ, અભિમાનનો બોજ પોતાના દુર્ગુણો અને અવગુણોનો બોજ,આવતીકાલની ચિંતાનો બોજ,પોતે કોઈનું ખરાબ કર્યું તો તે કર્મનો બોજ,પોતાનું કોઈએ બગાડ્યું તો તે ન ભૂલવાનો બોજ…….
પોતાના કરેલા પાપોનો બોજ……આ બધા બોજ માણસ પોતે પોતાના પર લાદે છે ….જીવનભર એક પછી એક બોજ વધારતો જ રહે છે …….એકપણ બોજ ઉતરતો નથી ….બોજની ઉપર બોજ વધતા રહે છે અને જીવનભર માણસ આ બોજ હેઠળ દબાઈને જીવે છે.અને જે દિવસે માણસ આ બધા બોજ ઉતારી શકાશે ત્યારે સાચું જીવન જીવી શકશે.
- આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.