Vadodara

ટેમ્પોમાંથી 5 લેપટોપની ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયાં

       વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલ ટેમ્પોમાંથી 15 મિનિટના સમયગાળામાં જ થયેલ 3.19 લાખની કિંમતના પાંચ લેપટોપની ચોરીનો ભેદ ઉકેલી બંટી-બબલીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે.  તેમજ પોલીસે પાંચ લેપટોપ અને એક્ટીવા મળી કુલ 3.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. ચોરી કરનાર મુખ્ય આરોપી અગાઉ ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બદલાની ભાવનાથી ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાના હબીપુરા ગામ સ્થિત ઠાકોર ફળિયામાં રહેતા જયેશ રામચંદ્ર પાટણવાડીયા પોર જી.આઇ.ડી.સી.માં આવેલી ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં હિરેન અશ્વિનભાઇ મહેતાનો  છોટા હાથી ટેમ્પોમાં ચલાવે છે. હિરેન ટેમ્પોમાં લેપટોપ લઇ ગત તા. 1 સપ્ટેમ્બરના રોજ અકોટા ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં બપોરે 1.55 વાગ્યે સામાનની ડિલીવરી આપવા માટે આવ્યા હતા.

ત્યારબાદ તેઓ વૈકુંઠ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સામાનની ડિલીવરી આપીને 2. 10 વાગ્યે અલકાપુરી સેવેક્ષ કંપનીમાં ડિલીવરી આપવા માટે ગયા હતા. ત્યારે ટેમ્પોમાં મુકેલા 7 લેપટોપ પૈકી 5 લેપટોપ જણાઇ આવ્યા ન હતા. જેથી તેઓએ બનાવ અંગે 15 મિનિટના સમયગાળામાં રૂ.3,19,650ની મતાના 5 લેપટોપની ચોરી થયાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્યારે તપાસની વિગત આપતા ગોત્રી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એસ. વી ચૌધરીએ વિગત આપતા જણાવ્યું હતું કે, ગોત્રી પોલીસે તપાસ દરમિયાન લેપટોપની ચોરી કરનાર આરોપી મીતેશ મુકેશ પરમાર(રહે, 15, શિવલહેરી ભવન, ચામુંડાનગર-1, આજવા રોડ, વડોદરા) અને ભાવીકા ઉમેદભાઇ પઢિયાર(રહે, 258, સંતોષનગર, હાઇટેન્શન રોડ, ગોરવા, વડોદરા)ની ધરપકડ કરી હતી અને 5 લેપટોપ અને એક્ટિવા સહિત કુલ 3,67,222 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચોરી કરનાર મુખ્ય આરોપી મીતેશ પરમાર અગાઉ ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બદલાની ભાવના રાખી પોતાની પ્રેમિકા ભાવિક સાથે મળી ચોરી કરી હતી. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગુજકેપ પોકેટએપના આધારે તેને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top