National

ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ બુમરાહને પરિવારની યાદ આવી: કહ્યું, લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવાથી થઈ આ તકલીફ

ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World cup) ન્યૂઝીલેન્ડના (New zealand) હાથે મળેલી દિલધડક હાર બાદ ટીમ ઈન્ડિયાના (India) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) વ્યથિત છે. બુમરાહે બાયો બબલને (Bio Bubble) કારણે થતી સમસ્યાઓની જણાવતા કહ્યું કે આટલા લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું સરળ નથી અને તે પરિવારને યાદ કરે છે. યોર્કર કિંગ તરીકે જાણીતા આ ફાસ્ટ બોલરે (Bowler) કહ્યું કે બબલ્સને કારણે થતા માનસિક થાકનો સામનો કરવો સરળ કામ નથી.

બેટ્સમેનોના શરમજનક પ્રદર્શનને કારણે ન્યૂઝીલેન્ડે ભારત સામે 8 વિકેટે હારનો સ્વાદ ચાખ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયાના સેમિફાઈનલમાં પહોંચવાના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે અને હવે ટીમને કોઈ ચમત્કારની જરૂર છે. મેચ બાદ તેણે કહ્યું, ‘ક્યારેક તમને બ્રેકની જરૂર પડે છે. તમે તમારા પરિવારને યાદ કરો છો. અમે સતત છ મહિનાથી રમી રહ્યા છીએ. આ બધી વાતો ક્યારેક તમારા મગજમાં દોડે છે. પરંતુ, જ્યારે તમે મેદાન પર હોવ ત્યારે આ બાબતો વિશે વિચારશો નહીં.

તમે મેચોના સમયપત્રક અને કઈ ટુર્નામેન્ટ ક્યારે રમાશે જેવી બાબતોને નિયંત્રિત કરી શકતા નથી. BCCI પણ અમને આરામ મળે તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ, આ મહામારીનો સમય ચાલી રહ્યો છે. અમે તેને અનુકૂળ થવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ જ્યારે તમે એક જ વસ્તુ વારંવાર કરો છો ત્યારે ક્યારેક માનસિક થાક આવી જાય છે.’

જસપ્રીત બુમરાહ એકમાત્ર બોલર હતો જેણે ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે વિકેટ લીધી હતી. તેણે તેની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપ્યા અને બે વિકેટ લીધી. પરંતુ, અન્ય બોલરોના સમર્થનના અભાવને કારણે તે કિવી બેટ્સમેનો પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે પોતાની બાકીની ત્રણેય મેચો જંગી અંતરથી જીતવી પડશે અને અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ રહે તેવી પ્રાર્થના પણ કરવી પડશે.

Most Popular

To Top